બનવું મારે નીર જેવું :

બનવું મારે નીર જેવું, આકર્ષે એ રૂપ કેવું,
નબળુ એને તું ના જાણ, તાણે જબરા પુરના તાણ…
આડા અવળા મારગ સંગ, ખાડા પૂરી જીતે જંગ,
ટેકરામાં પણ એડજસ્ટ થાતું, દરિયાને તે મળવા જાતું,
જીવમાત્રનો ભેદ ભુલાવે, તરસ્યાની એ તરસ છીપાવે,
જળચર એના શરણે જાતા, મોટા પેટે સહુ સમાતા. બનવું મારે….
સ્વ-સ્વરૂપે ચોખ્ખો ભાગ, સાફ કરે એ ગંદો ડાઘ,
વહેતી નદીના વેણમાં, ખળ-ખળ ખળ-ખળ કે’ણમાં,
દરિયામાં જો જોવા જાતા, ગરજવાનું ગીત ગાતા,
નીલો, કાળો, રાતો ભાગ, જાણે કહેતું જોઈતું માંગ. બનવું મારે….
કાંઠે આવે છીછરો ભાગ, ઊંડાણનો ના આવે તાગ,
હલકાને એ ઉપર તારે, ભારે બનવા જાતા મારે,
ખેડુનો એ બીજો પ્રાણ, મા’તમ એનું તું પીછાણ,
અછત સર્જે મોટી કાણ, મોટું ધનુષ વિના બાણ. બનવું મારે….
માટીની મહેંક તો મીઠી, ભીંજાય એ મેહુલે દીઠી,
નદીની તો વાત કેવી, ભુલાવે એ જાત એવી,
વેડફવામાં ડરવાનું, નહીં તો પાછળ મરવાનું,
વાપરો સમજી સાચવી, તો લાગે મોટા રાજવી. બનવું મારે….

One thought on “બનવું મારે નીર જેવું :

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *