બાળક પાસે શીખો ‘મોટા’ :

બાળક પાસે શીખો ‘મોટા’, દેખાડો કરે તે ‘ખોટા’,
ના સમજે એ ‘શાનમાં’, પણ વર્તે જાણે ‘જ્ઞાનમાં’.
ડગમગ ડગમગ ચાલમાં, સુરીલા એ તાલમાં,
રમકડામાં માને સુખ, ભેંકડો તાણે દેખી દુઃખ,
કપડા વિના ફરવામાં, લાજે નહીં રડવામાં,
દુનિયાને ઈચ્છા તે બોલે, ચડી જાય ગમે ત્યાં ઝોલે. બાળક પાસે…
મનમાં નથી કપટનો મેલ, ન ખેલે એ ગંદા ખેલ,
સરળતાથી રહેતા, ડરે નહીં એ કહેતા,
ગઈકાલને ‘ભુલી’ જાય, મન દેખે ત્યાં ‘ખુલી’ જાય,
ન તો વેર કે ન તો ઝેર, રહેતા જાણે ભારે લે’ર. બાળક પાસે…
ઊંચ-નીચનો નહીં ભેદ, રમવામાં રાખે નહીં ખેદ,
ચિંતા નથી જ્યાં કાલની, કિંમત નથી ત્યાં માલની,
મોહ નથી ‘સારા દેખાવું’, વારંવાર એ ‘કહેતા ખાવું’,
મારૂ-મારૂ નહીં ‘હાય’, ઈચ્છે ત્યારે જોરથી ગાય. બાળક પાસે…
બોલે કાલા-મીઠા વેણ, નહીં ચઢાવે ક્યારે ફેણ,
લાગે સહુને પ્યારા, દુનિયામાં એ ન્યારા,
મન મુકી એ હસતા જાતા, કેડે રાખે એની માતા,
ગમતા સૌને જોરદાર, અહં વિનાનો છે ‘કિરદાર’. બાળક પાસે…

One thought on “બાળક પાસે શીખો ‘મોટા’ :

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *