ભાઈ! તું ભૂલો પડ્યો…

“પહેલા હું મારી સ્કુલ પૂરી થાય અને કોલેજ શરુ થાય એ માટે મરી રહ્યો હતો,

પછી કોલેજ પૂરી કરીને કામ શરુ કરવા માટે મરી રહ્યો હતો,

પછી લગ્ન કરવા અને સંતાનો જન્મે તે માટે મરી રહ્યો હતો,

પછી મારા બાળકોને મોટા કરવા માટે મરી રહ્યો હતો,

પછી હું નિવૃત્ત થવા માટે મરી રહ્યો હતો,

અને હવે હું ખરેખર મરી રહ્યો છું ત્યારે મને સમજાયું છે કે હું જીવવાનું જ ભૂલી ગયો હતો.”

આ મેસેજ હમણાં થોડા દિવસ પહેલા વોટ્સએપ પર અંગ્રેજીમા વાંચેલો. છ લાઈનમાં આખી જિંદગીનો સાર કહી દીધો હોય એવું લાગ્યું.

આપણે અત્યારે પૈસા અને સફળતા પાછળ એવી રીતે દોડીએ છીએ કે જાણે આપણે ક્યારેય મરવાના જ નથી. આપણે દામ અને નામ માટે કામ કરતા રહીએ છીએ, પણ છેવટે બધું મેળવીને પણ કાંઈ મેળવી શકતા નથી. કદાચ આપણે ભૂલી જઈએ છીએ કે સુખી થવાના જે પગથીયા છે એ પગથીયા ચડવાની લ્હાયમાં આપણે સુખી થવાનું જ ભૂલી ગયા છીએ. આપણે એટલા બધા મુર્ખ છીએ કે પહેલા પૈસા માટે પોતાનું સ્વાસ્થ્ય ગુમાવીએ છીએ અને પછી એ જ કમાયેલા પૈસા ખર્ચીને ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મેળવવા ધમપછાડા કરીએ છીએ.

એ વાત સો ટકા સાચી છે કે સારી કમાઈ થી સારી મલાઈ(ખાવાનું) ને સારી રજાઈ(પહેરવા-ઓઢવાનું) મળે છે. પૈસાથી જરૂરિયાત વાળાને નાણા કે પંખી ને દાણા આપી શકાય છે. અરે! આંગણમા આવેલા માંગણને ભીખ આપવા પણ પૈસા જોઈએ. પણ… એ બધું કરવાથી જે આનંદ મળે છે, તેના કરતા પણ વધુ આનંદ ઉનાળામાં ઠંડા પાણીએ નાહવાથી કે જોરજોરથી ગીતો ગાવાથી પણ મળતો હોય જ છે ને!!! હું એટલું જ કહેવા માગું છું કે નાની નાની વાતોમાંથી પણ મોટો મોટો આનંદ ઉઠાવી શકાય છે. ફરી કહું છું કે પૈસા જરૂરી છે જ, પણ નાના બાળકને રમાડવાથી, કસરત કરવાથી, તરવાથી, રમવાથી કે એવી બીજી હજારો રીતે આનંદ મેળવી શકાય છે, જે બિલકુલ નિ:શુલ્ક છે. વિમાનમાં ફરનારા દુ:ખી અને ઝુપડીમાં રહેનારા સુખી પણ હોય જ છે ને?! માટે જ, આનંદ હમેશા નાણાથી જ ખરીદી શકાય છે એ ભ્રાંતિમાંથી બહાર નીકળી જવાની જરૂર છે.

મારા ભાઈનું વોટ્સએપ સ્ટેટસ ખુબ જ સરસ છે કે, “માણસ સિવાયના બધા જ પ્રાણીઓને ખબર છે કે જિંદગીનો પાયાનો હેતુ મઝા કરવાનો છે.” છતાય મનુષ્યો જ હસી શકે છે, પ્રાણીઓ નહિ એ પણ આશ્ચર્યની વાત છે ને?… અહી “મઝા” નો મતલબ એવો બિલકુલ નથી થતો કે તમારી જવાબદારી-ફરજોને નેવે મુકીને ગાંડાની જેમ જલસા કરો, પણ એવો થાય છે કે, “તમારી ફરજો, જવાબદારીઓ અને મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં એટલા બધા પણ બેભાન ના બનો કે મરતી વખતે રિયલાઈઝ થાય કે યાર! જીવવાનું તો રહી જ ગયું!!!” બેલેન્સ થી જીવો. આખી જિંદગી ભેગું કરીને પાછળથી ભોગવીશું એવુ વિચારવાની ભૂલ કરશો નહી, કારણકે તમે કેટલું જીવવાના છો એની કોઈ ગેરન્ટી નથી. એકસાથે ઘણુબધું ખાઈ ને આઠ દસ દિવસ માટે પેટ ભરી શકાતું નથી… રોજનું રોજ જ ખાવું પડે છે ને? માટે રોજનું રોજ જ જીવી લો. આપણું જીવન દરીયા કિનારે પડેલા લોખંડના ટુકડા જેવું છે, જે ક્ષણે ક્ષણે કટાઈને ખલાસ જ થઇ રહ્યું છે.

આજે ગામડામાં રહેનારની નજર શહેર તરફ, શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ અને વિદેશમાં રહેનારની નજર વિશ્વ તરફ છે, પણ કોઈ સુખી નથી કારણકે કોઈની નજર પોતાને ખરેખર શું જોઈએ છે તેના પર જ નથી. આપણે એ ભૂલી જઈએ છીએ કે ખીલેલા ફૂલ અને ખીલેલા ચેહરા જોઇને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય છે, પછી ભલે ને તે અરીસામાં જોયેલો પોતાનો જ ખીલેલો ચહેરો કેમ ના હોય? મોટી મોટી વાતો કરનાર વ્યક્તિ કરતા નાની નાની વાતો સમજનાર વ્યક્તિ વધારે સમજદાર હોય છે.

અત્યારે આપણે આમ નહી પણ ખાસ સુવિધાઓ ભોગવી રહ્યા છીએ, જે પહેલાના રાજા મહારાજાઓના નસીબમાં પણ નો’તી. પહેલા રાજાને એક ગામથી બીજે ગામ જવું હોય તો ઘોડા કે બળદગાડીમાં જતા, જેમાં ખાસ્સો સમય લાગતો અને ત્યાં પહોચતા તો રાજા ધૂળ ધૂળ ભરાઈ રે’તો!! જયારે અત્યારે? હજારો કિમીનું અંતર ખુબ જ ઓછા સમયમાં થાક્યા વગર કાપી શકાય છે. પહેલાના રાજાઓને ઈલેક્ટ્રીસીટીના અભાવે હાથ પંખો ચલાવતો માણસ રાખવો પડતો… એને બેડરૂમમાં જોડે થોડો લઇ જવાય? અને અત્યારે? એ ને એ.સી. ની હવામાં આરામ થી સુવોને બાપલીયા!! પહેલા ફક્ત રાજા મહારાજાઓને જ બત્રીસ જાતના ભોજન મળતા, અને અત્યારે? પીઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં, ચાઇનીઝ, ઈટાલીયન, પંજાબી, અને બીજા હજારો જાતના પકવાન એક સામાન્ય માણસને પણ પ્રાપ્ય છે. એવી બીજી લાખો વસ્તુઓ જેવી કે કપડા, બુટ-ચપ્પલ, ઘડિયાળ, અને ઘણું બધું… જેની કલ્પના રાજા મહારાજાઓએ કરી પણ નહી હોય, એ બધું જ એક સામાન્ય માણસ પાસે પણ અવેલેબલ છે.

પણ દુ:ખની વાત એ છે કે આ બધું હોવા છતાં મોટા ભાગના લોકો દુખી છે… કેમ? કારણકે છે એને ભોગવતા નથી ને નથી તે મેળવવા દોડે છે. પાછું તે જયારે મળી જાય ત્યારે તેને ભોગવ્યુ ના ભોગવ્યુ કરીને ફરી કઈક નવું મેળવવા બળી મરે છે. આ તે કાંઈ જીવન છે? છે એને પ્રેમથી ભોગવતા થાવ… સુકો રોટલો પણ પ્રેમથી આરોગો સાહેબ!! કરોડો લોકોને એ પણ મળતો નથી… એ વાત કદાચ સાચી છે કે વ્યવહાર અને દુનિયાદારીની કળા શીખવા જતા ખુશ રહેવાની કળા ભૂલી જવાય છે…

બાકી ખુશ રહેવું એ તો સહજ ક્રિયા છે, ખરેખર ખુશ રહેવા કોઈ મહેનત કરવી પડતી નથી, ના તો ખુશ રહેવા પર કોઈનો ટ્રેડમાર્ક છે!!! ગમે તે વ્યક્તિ, ગમે ત્યારે, ગમે તેટલી ખુશ થઇ શકે છે. આપણે નક્કી કરવાની જરૂર છે કે ખુશ બનવું છે કે ક્રેઝી? બધા જ લોકો આવા બબુચકવેડા કરે છે એવું હું કહેવા માંગતો નથી પણ એ વાત એટલી જ સાચી છે કે ખુશ રહેવાની કળા ઘણા ઓછા લોકોને સાધ્ય કે હસ્તગત હોય છે. આનંદ કે ખુશીના સેલ નથી ભરાતા પણ મિત્રો કે ગમતા લોકોની મહેફિલમા પણ ખુશીને ફીલ કરી શકાય છે.

તમને કોઈ દરરોજ સવારે ૮૬૪૦૦ રૂપીયા રોકડા આપે અને કહે કે કાલ સવાર સુધીમાં આ રકમ વાપરી નાખજો, નહીતર કાલે તે પાછી લઇ લેવામાં આવશે, તો તમે શું કરશો? નહી વાપરનાર મૂરખ જ ગણાય કે નહી? કુદરત પણ દરરોજ સવારે ૮૬૪૦૦ સેકંડ રોકડી ગણીને તમારા ખાતામાં જમા કરે છે, અને કહે છે, ”આ દરેક સેકંડને ખુશ થવામાં ખર્ચી નાખજો, કાલે સવારે તેમાની એક પણ પાછી મળશે નહી, નહી વાપરો તો તમારા જેવો મૂરખ બીજો કોઈ નહી હોય!!!”

 

 

3 thoughts on “ભાઈ! તું ભૂલો પડ્યો…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *