એક અદભુત વિભૂતિ :

પ્રમુખ સ્વામી વિશે મેં અત્યાર સુધીમાં જે કાંઈ પણ વાંચ્યું કે સાંભળ્યું છે, તેવું કદાચ બીજા કોઈ માટે ક્યારેય જાણ્યું નથી. તેમનું ન્યારું વ્યક્તિત્વ સદાય પ્યારું અને મારું લાગ્યું છે. તેમની ભક્તિથી મળતી શક્તિનું વર્ણન શબ્દોમાં થઇ શકે તેમ નથી. આમ તો પિતા પર થી પુત્રની ઓળખાણ થાય પણ આજે મારા જેવા સેંકડો લોકો “બાપા”ને લીધે “બાપ્સ”ને ઓળખતા થયા છે.

અક્ષર પુરુષોત્તમ હોવા છતાંય તેઓ નાના બાળક થી લઈ દરેક વડીલને અતિ પ્રિય અને મિત્ર સમા લાગતા. પોતે પ્રમુખ હોવા છતાં સદાય સેવક તરીકે વર્તીને તેમણે શીખવ્યું છે કે સેવ્ય નહી પણ સેવક બનવાથી જ સૌને પ્રિય બની શકાય છે. એ મહાપુરુષના મહાપુરુષત્વનો ખ્યાલ પણ ન આવે એટલા લઘુત્તમ ભાવમાં એ રહેતા અને વર્તતા. પોતાને સામાન્ય ગણાવતા તે અસામાન્ય મહામાનવની આધ્યાત્મિક કક્ષા અતિ ઉચ્ચ કોટિની હોવા છતાં તેમના વિનયની ચરમસીમા અવર્ણનીય હતી. શ્રદ્ધા, પોઝીટીવ એનર્જી અને બ્રહ્મચર્યના અદભુત પાલને તેમને દુનિયામાં અજોડ બનાવ્યા છે.

પ્રમુખની ગાદીથી તેમની સાદી બોલીમાં કોઈ ફરક પડ્યો નહી. ઉલટું તેમની સાદી બોલીના આદી બનેલા લોકોના દિલો અને ઘરોમા રહેલી બદીઓનો નાશ થયો અને રામરાજ્ય સ્થપાયું. નીચામાં નીચી સેવા ઉંચામાં ઉંચી ભાવના સાથે કરીને એ અનાસક્ત સેવક ખરા અર્થમાં “ગરીબનવાઝ” બન્યા. હરિકૃષ્ણ મહારાજની પૂજાથી માંડીને લોકોના મળ સાફ કરવાની સેવા તેઓ એટલી જ લગનથી કરતા. માણસો અને પ્રાણીઓની સેવા કરવાનું પાણી આ મહાન સંતે દરેક આપત્તિના સમયમાં બતાવ્યું. આપણે સેવા લઈ લઈને થાક્યા પણ તેઓ સેવા દઈ દઈને થાક્યા નો’તા. સેવા કરવામાં તેમને કેટલો બધો આનંદ આવતો, તેનું વર્ણન કરવાનો આનંદ વર્ણવી શકાય એમ નથી.

પોતાને દાસાનુદાસ ગણાવતા તેઓ આખી દુનિયા માટે આદરણીય બની રહ્યા છે. ભલે આજે તેઓ આપણી વચ્ચે હાજર નથી, તેમ છતાંય તેમની હાજરીને ચોક્કસથી અનુભવી શકાય છે. દેશમાં અને સમાજમાં અદભુત પોઝીટીવ પરિવર્તન લાવવું હશે તો દરેક માણસે તેમણે ચીંધેલા અને ચાલેલા માર્ગ પર ચાલવું જ પડશે.

 

One thought on “એક અદભુત વિભૂતિ :

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *