માસ્ટર સ્ટ્રોક :

આજે દેશના વેશ જોવા જેવા છે, બધા ડખે ચડયા છે, કારણકે મોદી સાહેબે ૫૦૦ તથા ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોની અર્થી કાઢી છે. આ નિર્ણય થી દેશની કેટલીક નોટોને, એ જૂની નોટો ઠેકાણે પાડવામાં તકલીફ પડી રહી છે. એક રીતે આ નિર્ણય કાળા બજારીયાઓ માટે ખારો અને સામાન્ય માણસ માટે સારો છે.

ચાર દિવસ પહેલા વોટ્સએપ પર આવેલી ચાર લાઈનો:

કિંમત બિલકુલ સસ્તી થઇ ગઈ, નોટુમાંથી પસ્તી થઇ ગઈ,

પાંચ મિનિટ પીએમ શું બોલ્યા, પબ્લિક સાથે મસ્તી થઇ ગઈ,

ડાધીયા કુતરા મ્યાંઉ કરે ને, બિલ્લી સઘળી ભસ્તી થઇ ગઈ,

દોલત શોહરત લઈ લીધી ને, વગર વરસાદે કસતી થઇ ગઈ,

સો નું બંડલ જેની પાસે, આજ એ મોટી હસ્તી થઇ ગઈ,

જેણે જાજા ભેગા કર્યા, અક્કલ એની ખસતી ગઈ,

હસ્તી જે મોટી કહેવાતી, આજ એ ટાંટિયા ઘસતી થઇ ગઈ.

અત્યારે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતી વ્યક્તિ રોયલ એનફિલ્ડની જેમ ફાયરીંગ કરતી થઇ ગઈ છે, કારણકે રાતો રાત બધા ફાઈનાન્સિયલ એક્સપર્ટ બની ગયા છે!!! બધા જ પોત પોતાના એક્સપર્ટ ઓપીનીયન આપી રહયા છે, પછી ભલે કોઈ સાંભળે કે ના સાંભળે!!! એમાંય સૌથી વધારે એક્સપર્ટ જોવા હોય તો પાનના ગલ્લે ટહેલ મારી આવો!!! ખબર નહી પાનના ગલ્લે આવનારા લોકો બધી બાબતમાં આટલા બધા એક્ષપર્ટ કેવી રીતે હોય છે??? જો કે સોશીયલ મીડિયા પર જોવા મળેલી સામાન્ય માણસોની અસામાન્ય ક્રીએટીવીટીએ જબરદસ્ત મનોરંજન પૂરું પાડ્યું છે. ૫૦ની કે ૧૦૦ની નોટ બંધ થઇ જવાની છે એવી નવી નવી અફવાઓએ ક્યારેક હાંફતા પણ કરી મુક્યા છે. ભાજપા સિવાયના પક્ષમાં ફંડના નાણા, કાંણા બની ગયા છે. સશક્તિકરણની વાતો કરતા મોટા ભાગના પક્ષ પોતે જ અશક્ત બનીને આળોટી રહ્યા છે.

જો કે આવી અફડા તફડીની વચ્ચે પણ બધાની ખોપડીમાં નરેન્દ્રભાઈ એક બાહોશ નેતા તરીકે છવાઈ ગયા છે!!! આમેય એક સારા નેતામાં હોવા જોઈએ એવા બધા જ ગુણોની ગુણીઓ તેનામાં ભરી પડી છે… ક્યારે આક્રમક થવું અને ક્યારે રડવું તેની એક્ટિંગ પણ તેઓ સરસ રીતે કરી શકે છે!!! માસ્ટર સ્ટ્રોક ગણાતો આ નિર્ણય કેટલુ ડીઝાસ્ટર કરશે એનો બ્લોક-બસ્ટર જવાબ તો થોડા સમય પછી મળી જ જાશે, તેમ છતાંય બધા એક્સપર્ટ(!!!)ને પોતપોતાનો અભિપ્રાય આપવાની ખુજલી ઉપડી છે…..

સમવન ઉવાચ : આ નિર્ણયથી નિર્ણાયક ફેરફારો થશે નહી… થોડોક સમય બધું બરાબર ચાલશે, પણ બે ત્રણ વરસોમાં જ બધું ઠેરનું  ઠેર થઇ જશે. વળી આવનારી ૫૦૦ અને ૨૦૦૦ ની નવી નોટો બધાનો ગોટો વાળી દેશે.

કેટલાક વળી મહાન નોસ્ત્રાદેમસની જેમ આગાહીઓ કરવા લાગ્યા છે : આ નિર્ણયથી ધરખમ ફેરફારો થશે. બે નંબરના વહીવટ લગભગ બંધ થઇ જશે… હવે ભારતનો સુવર્ણકાળ આવશે. ભ્રષ્ટાચાર સાવ જ બંધ થઇ જશે. કાળા બજારિયાઓની કળા સંકેલાઈ જશે…. વગેરે, વગેરે…

ઘણાના મતે તો વળી લીધો એના કરતા પણ કડક નિર્ણય લેવાની જરૂર હતી… એક રૂપિયા થી લઇ ને હજાર સુધીની બધી જ હાજર નોટો હુજૂરે બંધ કરી દેવાની જરૂર હતી.. પછી પાછી નવી નોટો કાઢવાની જ નહી. તો? પછી બધા જ વ્યવહાર ઓનલાઈન, એ ટી એમ કે પે ટી એમથી જ કરવાના…. પછી ભલેને બે રૂપિયાનું પાણીનું પાઉચ કે કરોડ રૂપિયાની વસ્તુની લે વેચ કરવાની હોય? કમ્પ્લીટલી પ્લાસ્ટિક કરન્સીના અમલથી જ આ સર્જીકલ સ્ટ્રાઈક વધારે સ્ટ્રીક્ટ બની શકે. એમ કરવાથી ફાયદા વધી જાત. જેવા કે,

૧. જો કોઈ પાસે રોકડ જ ના હોય તો કોઈ રોકડથી ખરીદી જ ના કરી શકે અને તેથી વેપાર વિધાઉટ “વિધાઉટ” જ થઇ જાય.

૨. દરેક ટ્રાન્સેકશન બેંક થ્રુ જ થવાના એટલે ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર સાવ જ ખતમ થઇ જાય. (જો કે આપણા અમલદારો તો ગીફ્ટ કે વસ્તુઓના રૂપમાં ઘૂસ માંગવા મંડે એવા છે!!!)

૩. ઘુસણખોરો, આતંકી સંગઠનો કે બાહરી લોકોના રૂપિયાના ખોખા બોખા થઇ જાય અને આપણા દેશમાં તેઓ તોફાન મચાવવા અસક્ષમ બને.

૪. કોઈની જોડે કેશ જ ના હોય એથી લુટફાંટ કે ચોરીના કેસ કરવાની નોબત જ ના આવે…

૫. વન જી.એસ.ટી. (એક જ ટેક્ષ)નો અમલ સહેલો બની જાત.

આવા કેટ કેટલા અભિપ્રાયો,સલાહો અને આગાહીઓની અમૃતવાણી થ્મ્સઅપ(અંગુઠાછાપ) લોકોના મુખેથી પણ વહી રહી છે.

જો કે કડવી વાસ્તવિકતા એ પણ છે કે… અત્યારે સલવાયેલું બે નંબરનું નાણું ઠલવવા માટે જન-ધનના જ ખાતા વપરાઈ રહ્યા છે, જે નાણું થોડા સમય બાદ ફરી વીથડ્રો કરી લેવામાં આવશે. જેના ખાતામાં કેશ ભરવાની જગ્યા છે તેઓ ૨૦ થી ૨૫% રકમ કાપી આપીને અત્યારે કાળા નાણાને ધોળા કરી આપે છે!!! અત્યારે આપણને અંધને ભ્રષ્ટાચાર બંધ થયેલો દેખાય છે, સરકારી અમલદારો ભ્રષ્ટાચાર કરતા બંધ થઇ ગયા છે એવું લાગે છે, પણ એવુ નથી. મારી જ પાસે ૧૦/૧૧/૨૦૧૬ ના રોજ  વહીવટ માંગવામાં આવ્યો, અને એ પણ પાછો ૫૦ કે ૧૦૦ની નોટોમાં આપવા કહ્યું!!!

જો કે ઓવરઓલ આ નિર્ણયથી કોઈ નુકશાન તો નથી જ… કારણકે નાણા વગરના નાથીયા પાસે ગુમાવવા જેવું કાંઈ છે જ નહી, અને જે ગુમાવવાના છે તેને આટલું ગુમાવ્યાથી કોઈ ફર્ક પડવાનો નથી. કાનખજુરાનો એક કાન(પગ) ભાંગી જશે!! જેના ઘરમાં ખુબ મોટી કેશ પડી હોય તેની કેપેસિટી કાંઈ જેવી તેવી હોય? છતાંય જાય ઈ કોઈને ના ગમે, એ ન્યાયે ઘણા બધાનું બી.પી. લો કે હાઈ થઇ જશે, કેટલાકને અટેક પણ આવશે!! એનો વાંધો નહિ, કેમકે દવાખાનામાં તો જૂની નોટો લેવાના જ છે ને?

જેને પૈસા ગુમાવવા પડે એમ છે એ કરચોરો માટે આશ્વાસન : જે ગુમાવશો તે અત્યાર સુધીની કમાણીમાંથી જ ગુમાવવાના છો… જન્મ્યા ત્યારે કાંઈ ભેગું લઈને નો’તા આવ્યા, મરશો ત્યારે કાંઈ ભેગું લઈ જવાના નથી…. જે અત્યારે જઈ રહ્યું છે તે ક્યારેક પાછું પણ આવશે… માટે ટેન્શનને રજા આપી મજા કરો…

બાય ધ વે : યુ ઓલ મેરીડ, ડોન્ટ અન્ડર એસ્ટીમેટ ધ પાવર ઓફ અ સીંગલ મેન !!!

5 thoughts on “માસ્ટર સ્ટ્રોક :

  1. Very nice HARDIKBHAI.
    🖒🖒
    તમે જે તમારા વિચારો અહીં રજૂ કરેલ છે..
    એવુ દરેક ભારતીય વિચારે , તો ભારત ને devloping country mathi developed country સુધી પહોંચતા વાર ન લાગે…

    • વિચારો રજુ ભલે મેં કર્યા છે, પણ એ વિચારો આપણા બધાના છે, માટે ભારત ને devloping country માંથી developed country બનતા કોઈ રોકી નહિ શકે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *