વી કેન ડુ ઈટ….

વી કેન ડુ ઈટ….

એક કામ કરોને, કાલ ઉપર રાખોને!!!

ના-ના…. આજે નહીં ફાવે…

બાપુ, ઈ પછી કરીશું!!!

આપણામાંથી કેટલાનું જીવન આવા વાક્યો કે શબ્દોનો શબ્દકોશ હશે? આપણામાંથી ઘણા બધાને આજનું કામ આજે નહિ જ કરવાની આદત પડી ગઈ છે. ખરેખર તો જીવનમાં કાલ ક્યારેય આવતી જ નથી, દરેક આવતી કાલ તેની સાથે એક નવી “કાલ” લઈને જ આવે છે. સમયને માન આપવાનું ભાન આપણને ક્યારે થશે? આપણે જ આપણી જાતને મ્હાત કરી રહ્યા છીએ. આપણને કંટાળો કાંટાળો લાગતો જ નથી.  બાકી કોઈ હસ્તીની કિંમત પસ્તી જેટલી સસ્તી નથી હોતી! આપણે બધા ખુદને ખુદા બનાવી શકીએ એમ છીએ…. હા, આઈ કેન ડુ ઈટ, યુ કેન ડુ ઈટ, વી કેન ડુ ઈટ….

આપણને આદત પડી ગઈ છે રાહ જોવાની!!! બધા એવી આશા રાખીને બેઠા છે કે રાતો રાત કંઈક ચમત્કાર થશે ને બધું બદલાઈ જશે. મને કોઈ ગોડફાધર મળી જશે, કોઈ ફરીસ્તો આવીને મારો હાથ પકડશે, મને કોઈ ગેબી મોકો મળી જશે… આવા વાહિયાત ખયાલી પુલાવ પકવ્યા સીવાય પોતે જ પોતાની મદદ કરતા થઇ જવાની જરૂર છે. તકની કે કોઈની મદદની રાહ જોવાની ભૂલ કરશો તો ડુલ થઇ જશો. મોકાની રાહ જોવામાં ધોખો ખાશો, પોતાની તક જાતે જ ઉભી કરો!!!

આપણો નિર્ણય દુનિયા શું કહે છે કે કરે છે તેના આધારે ના હોવો જોઈએ. કોઈ મહાપુરુષે કહ્યું છે કે, “તું શીદને આટલો ડરે? લોકને કરવું હોય તે કરે!!!” આપણે રજા લેવી પડે છે કારણકે કામમાં મજા આવતી નથી. બીજાનું સાંભળીને કે જોઇને ના ગમતા ફિલ્ડમાં શીલ્ડ લેવા ગયા. બધા કરે છે તેવું હું પણ કરીશ!!! મેર મુવા! આખા ટોળાની પાછળ ખોટી દિશામાં જવા કરતા, સાચી દિશામાં એકલા આગળ વધવાની અક્કલ તને ક્યારે આવશે? લીવ ઈટ!!! ગમતું કામ કરતા હશો તો રજા પણ સજા લાગવાં માંડશે, ફોકસ એકદમ જક્કાસ થઇ જશે. નવી શરૂઆત કરવા હજી મોડું નથી થયુ, પછી ભલેને તમે એંસી વર્ષના જ કેમ ના હોય? છેક યમરાજનું તેડું આવે, ત્યાં સુધી નવી ઈનીંગની શરૂઆત કરવાનો ટેમ્પો હોવો જોઈએ.

હા! આપણને આપણા નિર્ણય પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પણ સફળ માણસને આત્મવિશ્વાસની કમી ક્યારેય ગમી નથી. “હું પ્રયત્ન કરી જોઉં” અને “હું કરી દઈશ” એ બેમાં જમીન આસમાનનો ફરક છે. પહેલો ઠૂસ અને બીજો ઠોસ જવાબ છે. પાછું, “હું જ કરી શકીશ” એ હદે ગયા તો પણ મરી જશો. આત્મવિશ્વાસનો ઓવર ડોઝ આપણી ગેમ ઓવર કરી નાખવા સક્ષમ છે. કોન્ફીડન્સનું ફીંડલુ વળી જશે તો જીવનની કોઈ પણ ચેલેન્જને તોડીને તડીપાર નહી કરી શકો.

આપણે સખત પરિશ્રમ કરી શકવા પણ સમર્થ છીએ. હું ગધામજુરી વાળી મહેનતની વાત જ નથી કરતો, એવી મહેનતને તો લ્યાનત છે. ખાલી પરસેવો પાડવો એ તો હાંડવો બનાવવા જેટલું સહેલું છે. મરદ બનીને અરથ પૂર્વક કરેલી સખત અને સતત મહેનત જ પુરુષાર્થ કે પરિશ્રમ છે. આમાં જે અટકે છે એ જ લટકે છે. ધ્યેયના આશ્રમે પહોંચવા વિશ્રામ વગરના પરિશ્રમ સિવાય કોઈ ઓપ્શન નથી.

આપણે ફોર્મેટીવ જ છીએ, ખાલી નેગેટીવીટીની કનેકટીવીટી તોડી પાડવાની જરૂર છે. “હું હારીશ નહી”, અને “હું જીતી જઈશ”, આ બે સરખા દેખાતા વાક્યોને ખાસ રસથી વાંચીએ તો પહેલું નેગેટીવ અને બીજુ પોઝીટીવ છે. આ પોઝીટીવ એટ્ટીટ્યુડ જ આપણા ડરને ન્યુડ કરી શકે એમ છે. સવળા વિચારોની છત્રી, પતરી(બ્લેડ) જેવી ધારદાર હોય છે. બીજાને હરાવવા નહી પણ પોતે જીતવા ઉતરેલો ખેલાડી જ બાજી મારી જાય છે, કારણકે હરાવવુ એ નકારાત્મક અને જીતવું એ સકારાત્મક પગલું છે.

દુનિયામાં જેણે કંઈ પણ કરી બતાવ્યું છે, એ બધા મારા-તમારા-આપણા જેવા જ હતા. તે બધામાં વિશેષ એ હતું કે દુનિયાનો વિરોધ હોવા છતાં એ બધામાં પોતાના જ મત પ્રમાણે ચાલવાની હિંમત હતી. એ બધા કંટાળાને સદાય ટાળીને પુરુષાર્થથી થાક્યા કે નિષ્ફળતાથી પાક્યા વગર સતત આગળ વધતા રહ્યા. કોઈપણ પળમાં નકારાત્મકતાની કળ તેમણે વળવા જ ના દીધી. પોતાના ધ્યેય માટે જ દરેક મીનીટનો નીટ એન્ડ ક્લીન ઉપયોગ કરતા રહ્યા. હયસો હયસો કરીને ટોળા જેવું કરવાને બદલે પહેલ કરી કંઈક અલગ ખેલ કરી બતાવ્યો. કોઈ પણ ગોડ કે ફાધર ના ભરોસે રહ્યા વગર પોતે જ પોતાના ગોડફાધર બન્યા.

દરેક માણસની અંદર આ બધી જ ક્વોલીટીઓનો ખજાનો છે, માટે જ તો તે મજાનો છે. તકલીફ એક જ છે કે આ ક્વોલીટીઓને આપણે આજ સુધી બહાર લાવી શક્યા નથી. દુનિયામાં કોઈ ટોચ પર પહોંચી શકે, તો આપણે પણ પહોંચી જ શકીએ. “ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહો”??? ના… તો? હવે તો ધ્યેય પ્રાપ્તી સુધી ઊંઘ જ નહી આવે… ધેટ’સ ધ સ્પીરીટ…

5 thoughts on “વી કેન ડુ ઈટ….

    • પોતાની ભૂલો જોવી અને પછી એને ધોવી એ બે ય સહેલું નથી. પોતાને પોતાની ભૂલ દેખાય એ તો આગળ વધવાની બહુ મોટી ચાવી છે, કારણકે દેખાશે તો જ એને કાઢી શકાશે ને? Weldon…

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *