આજની યુવા પેઢી

ગઈ કાલે એક ચાલીસેક વર્ષના વ્યક્તિએ મારી પાસે તેમની કથામાં વ્યથા ઠાલવી, “આજે ખાલી તુક્કા લડાવનારી કે હુક્કાબારમાં ભુક્કા બોલાવતી યુવા પેઢીની પેઢી મોટી થઇ છે. ચેટીંગનું રેટીંગ ઊંચું ગયું છે ને ડ્રીંક કરવામાં કશું જ થીંક નહી કરનારા પણ વધ્યા છે. એ જાણતા નથી કે ડ્રગ્સના નશામાં દશા બગડી જશે, મરીજુઆનાનું સેવન કરવામાં સાલ્લાઓ વહેલા મરી જવાના!!! રોકીંગ લાગવા સ્મોકિંગ કરવુ છે. લફડા કરવામાં ફફડાટ નથી થતો ને કેરેક્ટર વિનાના એકટર પાછળ ઘેલા બન્યા છે. ફ્રેન્ડસ જોડે ફરવું છે ને પ્રેમ કરીને મરવું છે. આમ કોઇથી ડરતા નથી ને એકેય કામ ઢંગનું કરતા નથી.”
તેમની આખી વાત નાખી દીધા જેવી તો નો’તીજ. જો કે બધી જ પાર્ટી ડર્ટી હોય એવું હું માનતો નથી, તેમ છતાં એ વડીલનું દિલ રાખવા હું મૌન રહ્યો. હા, ધ્યાનથી સંભાળવાનો પ્રયત્ન કરીએ તો મૌનનો ટોન પણ સાંભળી શકાય!
જો કે તેમણે તો કડક બોલવાનું ને મન ખોલવાનું ચાલુ જ રાખ્યું, “. સ્થિરતા, ગંભીરતાની તો વાત જ નહી કરવાની. કેરિયર પ્રત્યે જરાય ધ્યાન નહી આપવાનું ને પાછું ધાર્યું જ કરવાનું. ઊંધું કરતા પકડાય તો ઉલટી કડકાઈ બતાવે. મા-બાપ-વડીલની કોઈ વાત સાંભળવાની તૈયારી તો નહી જ, ઉલટું ગમે તેમ સંભળાવી દેવામાં પુરા શુરા… i-phone, i-pad ને i-ten પાછળ ક્રેઝી બનેલા એ “I” નું જ હીત ભૂલ્યા છે. પણ, ભેજામાં ઘૂસેલું ભૂસું જયારે સુસુ કરાવી દેશેને ત્યારે ઓટોમેટીક ભાન આવી જશે.”
હું દોઢો થઈને મોઢું ખોલુ એ પહેલા જ તેમનુ મોઢું સિવાઈ ગયું, મારા વિચારો મારા મનમાં જ રહી ગયા…..
જાણું છું હું રસ્તો છતાં, આગળ વધી શકતો નથી,
દુશ્મન છે જે અંદર સૌ, તેને છોડી શકતો નથી,
ખોટી ટેવો, નબળાઈઓ, નડી રહી છે જીવનમાં,
જાણી ગયો છું આજે છતાં, મોઢું ફેરવી શકતો નથી,
પોતાની અણસમજણથી, અટક્યો છું હું જીવનમાં,
ભુક્કો કરવા સક્ષમ છતાં, ભાંગી-તોડી શકતો નથી.
આપણે પણ ઘણી બધી વાર ડખો કરનારના જ પડખે ઉભા રહીને એને ટેકો આપીએ જ છીએ ને? આપણી જ અંદર જામી ગયેલી ખામીઓને આપણે જાણતા હોવા છતાં કાઢી શકતા નથી. કદાચ જે યુવાનો આવા છે તે પોતે પણ સુધરવા માંગે જ છે, પણ તેમાંથી બહાર આવી શકતા નથી.. વળી દરેક બાબતના અમુક પાસા આપણે જોઈ શકતા નથી અથવા તો જોવા માંગતા નથી, તેથી જ તેમાં કેટલું સાચું ને કેટલું ખોટું છે, તેનો સાચો નિર્ણય આપણે કરી શકતા નથી. યુવાનોની બાબતમાં પણ એવું જ હોઈ શકે. પાછું સેન્ટ પર્સેન્ટ યુવાનો આવાં જ છે એવું તો ના જ કહી શકાય. હોય થોડા ઘણા, પણ કચરો હોય તો જ ચોખ્ખાઈની કિંમત છે ને? દરેક યુવાન સારો ન હોઈ શકે, પણ દરેક યુવાનમાં કંઈક તો સારું હોય જ ને? બાકી આજના યુવાનો પોઝીટીવ બાજુ પણ એટલા જ એક્ટીવ છે.
જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી નથી પડતી, પણ ઓલરેડી પ્રાણ છે જ એવા જીવતા જાગતા મંદિરો(માણસો કે અન્ય જીવો)ની મદદ કરવામાં તેઓ મંદ પડતા નથી!!! આપણને તે નથી ગમતા કારણકે ભૂત ભુવા કે મોટાભાગની ધાર્મીકવિધિને સીધી રીતે તેઓ સ્વીકારતા નથી, પણ વૈજ્ઞાનિક સમાધાન માંગે છે.
હુક્કો, દારૂ, સ્મોકિંગ કે ડ્રગ્સના રવાડે ચડવું એ ખોટું છે જ… પણ તેની શોધખોળ કંઈ આજ કાલમાં નથી થઇ, આપણા બાપદાદાના સમયથી તેના વ્યસનીઓ ચાલ્યા આવે છે. અમુક ઉંમર જ એવી હોય છે કે હેરોઇન અને હિરોઈન ના પ્રભાવમાં સહેલાઈથી ફસાઈ જવાય છે. જો કે આ બધાની વિરુદ્ધમાં કેમ્પેન ચલાવનારા પણ આજના જ યુવાનો છે.
આવી રહેલી નવી નવી ટેકનોલોજીને સ્વીકારીને અપનાવી લેવા તેઓ હંમેશા તૈયાર રહે છે. જેમને બદલાવ પસંદ નથી અને જેમને સમય સાથે ચાલવું નથી, તેઓ કચ-કચ કરતા રહે છે. આવી કચ-કચ તેમને પચતી નથી.
સાચી વાત કહેવાની અને સાચી વાત સાંભળવાની બંને તૈયારી આ પેઢી ધરાવે છે, પણ તેમની સ્વતંત્રતા ઉપર કોઈ તરાપ મારે એ એમને બિલકુલ પસંદ નથી. અને એ ખોટું પણ નથી. ગમે તેવી પરિસ્થિતિને સ્વીકારનાર નહીં પણ તેને બદલવા જીગર બતાવનાર બાજીગર કહેવાય, જે આજની યુવા પેઢી છે. તેમનો હિસાબ સાવ ચોખ્ખો છે, ઊંચા અવાજને નહીં પણ મજબુત દલીલને જ સ્વીકારવાની. આપણું ધાર્યું ના કરે કે આપણી માન્યતાઓને ના સ્વીકારે એટલાથી જ તેમને અવિનયી કે સામું બોલનારા ગણી શકાય નહી.
કોઈ પરફેક્ટ નથી હોતું, આજના યુવાનો પણ નથી. પણ ખાલી દોષારોપણ કરવાથી ફેરફાર નહિ થાય, ઉલટું બગડશે. તેનામાં રહેલી નબળાઈ બળથી નહી નીકળે. તેને ટાળવા કળ જોશે. ખરેખર તો તેનામાં જ બધા બદલાવ લાવવાની જરૂર પણ નથી, ઘણો બદલાવ આપણામાં પણ લાવવાનો છે. પ્રેમ અને હુંફથી જ તેમને જીતી શકાશે. અઢારના થાય પછી તો સરકાર પણ મત આપવાની છૂટ આપે છે, કારણકે સરકાર જાણે છે કે તે હવે સારા ખરાબનો નિર્ણય કરવા સક્ષમ છે. પણ સરકારનું જાણેલું મા-બાપ-વડીલો માની શકતા નથી. ખરેખર તો બાપના જોડામાં છોકરાનો પગ આવી જાય ત્યારથી જ તેને સલાહ આપવાનું બધાએ બંધ કરી દેવું જોઈએ. પોતાના નિર્ણય તેને પોતાને જ લેવા દેવા જોઈએ, બની શકે કે તે ભૂલ કરતો હોય… પણ ભૂલ કરીને શીખેલું, શીખાવાડીને શીખેલા કરતા વધારે લાંબો સમય યાદ રહેતું હોય છે. ચાલો, તેમનામાં રહેલી એક એક ક્વોલીટીને એન્કરેજ કરીને એટલી મોટી બનાવીએ કે તેના ભારે વજન નીચે તેના બધા જ દુર્ગુણો દબાઈ જાય…

3 thoughts on “આજની યુવા પેઢી

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *