સુલભ અસભ્યતા

‘પચ્ચ…’, કોઈ થુંક્યુ હોય એવું મને લાગ્યું. મેં અવાજની દિશામાં જોયું. અંધારું હોવાથી હું કંઈ તારણ કાઢી શક્યો નહીં. કદાચ મને ભ્રમ થયો હશે. ફરી એવું લાગ્યું. પછી તો વારંવાર આવું થવા લાગ્યું. કોઈના થૂંકવાનો અવાજ આવી રહ્યો હતો. થોડીવારમાં તો થૂંકાયેલા પાન-મસાલાની આવે તેવી ગંદી વાસ પણ આવવા લાગી.
હું ગુજરાતી ફિલ્મ ‘પાસપોર્ટ’ જોવા ગયો હતો. ફિલ્મનો એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર ‘હર્ષ વસ્નાણી’ મારો મિત્ર હોવાથી આ ફિલ્મ જોવાનો ઉત્સાહ પણ કંઈક અલગ જ હતો. ઈન્ટરવલ સુધી તો પિક્ચર જોવાની મજા પણ ખુબ આવી. ઈન્ટરવલ પછી પણ આવી જ મજા આવવાની હતી, પણ જોવા મળેલી સુલભ અસભ્યતાએ મને બેચેબ કરી મુક્યો.
હું સી-૬ નંબરની સીટ પર બેઠો હતો. સી-૧ થી સી-૫માં ચાર યુવાનો બેઠા હતા. અમારી વચ્ચે પગથીયા આવેલા હતા. આ ચારેય યુવાનો જોતા જ અસભ્ય અને અશિક્ષિત લાગી રહ્યા હતા. જો કે કોઈના દેખાવ પરથી તેમના લક્ષણ કે ચરિત્રનો ચિતાર મેળવી શકાય જ નહીં. પણ, બેલગામ જાનવર તેના લક્ષણો દેખાડ્યા વગર રહે? તેમણે તેમની આગળ રહેલી ખુરશીઓ પર જોરજોરથી પગ પછાડ્યા. એટલા જોરથી કે બે રો(લાઈન) આગળ બેઠેલા લોકો પણ પાછળ ફરીને જોવા લાગ્યા. સદનસીબે તેની આગળની ખુરશીઓમા કોઈ બેઠેલું ન હતું. થોડીવાર પછી તેમાંના એકે પોતાના મોબાઈલમાં કોઈ વિડીયો ચાલુ કર્યો, જેનો અવાજ મને અને બીજા ઘણાને ડીસ્ટર્બ કરવા લાગ્યો. હું તેમને કંઈ પણ કહું તે પહેલા જ, તેમની પાછળ બેઠેલા એક ભાઈએ તેમને તે બંધ કરી દેવા કહ્યું. વીડીયો તો બંધ કરી દેવાયો, પણ પેલા ભાઈએ બહુ મોટી ભૂલ કરી હોય એમ ચારેય યુવાનો પાછળ ફરી તેને જોવા લાગ્યા.
થોડીવાર પછી એકના ફોનની રીંગ વાગી. ફોન રીસીવ કરીને તે યુવાન જોરજોરથી વાતો કરવા લાગ્યો. ક્યારેક કોઈ જરૂરી ફોન કોલ હોય તો વાત કરવી પડે, એમ વિચારી હું ચુપ રહ્યો. થોડીવારમાં ફોન મૂકાઈ ગયો. જો કે આ દરમિયાન થીયેટરના પગથીયા નામની થુંકદાની પર તેમનું થુંકવાનું તો ચાલુ જ હતું. થોડીવારમાં ફરી ફોન રણક્યો. ફરીથી એવી જ રીતે મોટે મોટેથી વાતો કરીને બધાને ડીસ્ટર્બ કરવાની સેવા પૂરી પાડવામાં આવી. આવું ત્રીજી વાર થયું ત્યારે ફરી પાછળ રહેલા પેલા ભાઈ કહ્યા વગર રહી ન શક્યા…
ત્યારે યુવાનોએ આપેલો સભ્ય જવાબ એ હતો કે, “અમે પણ ટીકીટના ૧૨૦ રૂપિયા ખર્ચીને જ આવ્યા છીએ. માટે ફોન પર વાત તો થશે જ.”
“અરે પણ વારંવાર ફોન આવે તો બહાર જઈને વાત કરોને? અમે બધા ડીસ્ટર્બ થઈએ છીએ.”
“તમારાથી થાય એ કરી લો, ફોન આવશે તો વાત તો અહીંયા બેસીને જ કરશું.”, એ યુવાનો દાદાગીરી પર ઉતારી આવ્યા.
“અને તમે લોકો આ રીતે અહીં અંદર જ થૂંકી રહ્યા છો, તો તમારા ઘરમાં પણ આમ જ કરો છો? શરમ જેવી જાત છે કે નહીં? અંદર ધુમ્રપાન જ એલાઉડ નથી, તમે તો એ ખાઈને પાછા ગમે ત્યાં થૂંકી રહ્યા છો!”, પેલા ભાઈ ઉગ્ર થઇ ગયા હોવા છતાં ઘણા વિનયથી વાત કરી રહ્યા હતા..
“આ કંઈ તારા બાપનું ઘર છે તો તને બળતરા થાય છે? અમે તો થુંકવાના.. જા! તારાથી થાય એ કરી લે…”, કોમનસેન્સ વગરના નોનસેન્સ પોતાનાથી પંદરેક વર્ષ મોટી ઉંમરની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા!
છેવટે મેં થીયેટરના સ્ટાફને જાણ કરતા તેમણે એ ઝગડો અટકાવ્યો અને પેલા યુવાનોને કડક સ્વરે આવું ફરી ના કરવાની ચેતવણી આપી દીધી.
ખુબ જ સરસ ફિલ્મ હોવા છતાં મારી મજા મરી ગઈ હતી. આવા બધા જ કે થોડાક અનુભવો ફિલ્મ જોવા થીયેટરમાં ગયેલા દરેકને ક્યારેક ને ક્યારેક થયા જ હોય છે ને? મોદી સાહેબ નહીં, ભગવાન આવે તો પણ આ દેશને કેવી રીતે સુધારે? આવા નાલાયકોનો સ્ટોક ખૂટે એમ નથી. પોતે પૈસા ખર્ચ્યા એટલે ગમે તે કરી શકે એવું માનનારા નપાવટોનો તોટો નથી. સાલ્લાઓ! તમારા કરતા તો પાળેલા કુતરા સારા હોય! એય ચોખ્ખી જગ્યાને ગંદી નથી કરતા! આ વાત એ દરેકને લાગુ પડે છે, જે પાન-મસાલા ખાઈને ગમે ત્યાં થુંકે છે… પોતાની માની છાતી પર થુંકતા શરમ નથી આવતી? દેશને સ્વચ્છ બનાવવાની જવાબદારી કોઈ એક જ નેતા કે પક્ષની નથી. ભારત એ કોઈના બાપ-દાદાની જાગીર નથી, દરેક ભારતીયનું ઘર છે. ફલાણા દેશમાં આટલી બધી ચોખ્ખાઈ છે એવું નીવેદન કરનારાઓમાંના કેટલાય જ્યાં ત્યાં થૂંકતા જ ફરે છે ને? આવા લોકો માટે મોરારીબાપુએ બીજા સંદર્ભમાં કહેલું એક વાક્ય: “પારકી નારી જોઇને નયન જેના ડોલે, બધા વચ્ચે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય ઉપર બોલે!” વ્યસન વગર રહી શકવાની તાકાત નથી, તો ખીસ્સામાં બેગ તો રાખો. બીજાનું થુંક સાફ કરવાની ત્રેવડ ના હોય તો કંઈ નહીં, કમસે કમ પોતાના થુંકના છાંટા જ્યાં ત્યાં ઉડાડતા તો બંધ થઇ જાવ! દેશ માટે કંઈ પણ કરવાની તૈયારી બતાવનારા ઓ શુરવીરો! ખાલી જ્યાં ત્યાં ગંદકી કરવાનું બંધ કરી દો, બસ!
ખાલી થુંકનારા જ ગુનેગાર છે એવું નથી, આપણામાંના ઘણા બધા, બિસ્કીટ કે વેફર્સના ખાલી પડીકા ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. પાણીની ખાલી બોટલો કે પાઉચનો ઢગલો ખડકનારા આપણે જ છીએ. ચાલીને અંબાજી કે ડાકોર જતા શ્રદ્ધાળુઓની આસ્થા સાચી છે, પણ એ દિવસોમાં જે તે રસ્તાની બંને બાજુએ કચરાનો જે ઢગલો થાય છે એ ખોટું છે. એક મા ના દર્શને જાવ છો ત્યારે ધરતીમાને ગંદી કેમ કરતા જાવ છો? ચાલુ ગાડી, બસ કે ટ્રેનમાંથી બહાર કચરો ફેંકતા કે થૂંકતા એક વાર તો વિચારો કે આ શું કરી રહ્યા છો?
આ વાતો છે ઝીણીઓ, લોઢા કાપે છીણીઓ…
એક નાની અમથી છીણી(ટાંકણું) ગમે તેવા લોખંડને કાપી શકવા સક્ષમ હોય છે! આવી નાની નાની વાતો જ દેશની પ્રગતી કે ઇમ્પ્રેશન માટે મોટો ભાગ ભજવી જાય છે.
“જ્યાં ત્યાં કચરો ફેંકવાની ભૂલ માટે પણ મોટા દંડની જોગવાઈ હોવી જોઈએ. સો-બસ્સો કે પાંચસો નહીં પણ પાંચ કે દસ હજાર રૂપિયાનો દંડ હોવો જોઈએ. એક વાર ભરે તો જીવનભર ડરે.”, લોકોનો આ તર્ક પણ સાચો છે. પોતાની સલામતી માટે નહીં, પણ ટ્રાફિક પોલીસથી ડરીને પણ લોકો સીટબેલ્ટ કે હેલ્મેટ વાપરતા થઇ ગયા છે ને?
હું જયારે સ્કુલમાં ભણતો ત્યારની વાત છે. નવરાત્રીના છેલ્લા દિવસોમાં જયારે ઘણા બધા છોકરાઓ સ્કુલે ના આવે ને ક્લાસમાં હાજરી ઓછો હોય તે દિવસે અમારા એક સાહેબ કહેતા, “આમ મન પડે ત્યારે રજાઓ પડો છો, પણ હું જોઈ લઈશ. કોઈને છોડવાનો નથી. કેટલી વાર કીધું છે કે ભણવામાં ધ્યાન આપો ને માનતા જ નથી.” આવું કેટ-કેટલુય તેઓ અમને સંભળાવતા! અમને! હા, અમને, જે ભણવા આવ્યા છે એમને. જે લોકો ઘરે આરામથી સુઈ રહ્યા છે, એમને નહીં! જેને કહેવાનું છે તેના સુધી તો વાત પહોંચતી જ નહીં.
એવી જ રીતે આ બાબતમાં પણ : “સાહેબ! અમે તો એવું નથી કરતા!”, વાંચનારા ઘણાથી બોલી જવાશે. હા, તમારી વાત સાચી છે કે બધા આવું નથી કરતા. પણ ભાઈ! જે આવું કરે છે તેને કહેતા કેમ ડરે છે? જેને વાંચવા-સાંભળવાની જરૂર છે એ જડભરત લોકો સુધી જ આ વાત પહોંચતી નથી. હું ઈચ્છું છું કે આ વાત એટલી બધી ફેલાય કે જાહેરમાં કચરો કરવામાં કે થુંકવામાં કંઈ ખોટું નથી એવા કચરો દિમાગવાળો દરેક છીછરો, બિચારો બનવા મજબુર થઇ જાય. જો વ્યક્તિ પોતે જ સમજતો થશે તો જ સૌથી ઉત્તમ પરિણામ આવશે.
હા! આવા ડોબાઓ ના જ સમજવા માંગતા હોય તો આપણે તેનો વિરોધ પણ કરવો જોઈએ. મતલબ… જો જાહેરમાં કોઈ વ્યક્તિ આવી રીતે કચરો કે ગંદકી ફેલાવે તો તેને તરત જ આમ નહીં કરવા ચેતવવો જોઈએ. કોઈ એક વિરોધ કરશે તો વંઠેલા તેને ગણકારશે નહીં, પણ ઘણા બધા બોલશે તો પેલો જરૂરથી પાછો પડશે. જરૂર છે બધા એ વિરોધ કરતા થઇ જવાની…. ઘરના ફળિયામાં કોઈ રખડતું જાનવર સંડાસ, પેશાબ ના કરી જાય એની આપણે કેટલી સાવધાની રાખીએ છીએ! તો શું આ દેશ આપણું ઘર નથી? આપણી કોઈ જ ફરજ નથી? વિરોધ કરો, સામા થાવ.
જ્યાં ત્યાં ગંદકી ફેલાવતા આવા ગંદા જાનવરો માટે એક ખુબ જ પ્રચલિત લાઈન : “હે માનવી! તું માનવ થાય તો ય ઘણું!”

One thought on “સુલભ અસભ્યતા

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *