એક દિવાળી મલેશીયા, સિંગાપોરમાં….

સિંગાપોર-મલેશીયા જવાના આગલા દિવસે જ હાર્દિક ક્યાડાએ કહ્યું, “પાછા આવીને આ આખા પ્રવાસનું તમારે વર્ણન કરવાનું છે.” આ વાત મને ખુબ કામ આવી! મેં દરેક જગ્યાને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ કારણકે મારે તેના વિશે લખવાનું હતું! આ દસ દિવસ દરમિયાન બીજા દેશના લોકોની માનસિકતા, સંસ્કૃતિ, નિયમો અને વિકાસના કારણો વિશે મને જાણવા મળ્યું. આમ તો મને ફરવાનો શોખ નથી, પણ હવે એવું લાગે છે કે દર વરસે એક વાર તો ફરવા જવું જ જોઈએ. આમ કરીને જે જોવા-જાણવા-અનુભવવા મળે છે તે કોઈ પણ પુસ્તક વાંચીને કે વિડીયો જોઇને મેળવી શકાતું નથી.
જો કે આ સમગ્ર વર્ણન લખવા માટે મારે ઘણીવાર ‘ગુગલ બાબા’ની મદદ લેવી પડી છે! ગાઈડે કહેલા આંકડા કે માહિતી ક્યારેક સચોટ ન પણ હોય. વાચકને કંટાળો ન આવે એવી રીતે ભૂતકાળને રજુ કરવાનું કામ મને અઘરું લાગ્યું.
ખરાબ શરૂઆતથી સારા અંત સુધીમાં, ‘કાગડા બધે કાળા હોય’ થી લઈને જે તે દેશના પોઝીટીવ પાસા મને જોવા મળ્યા. કુદરતી અને માનવીય રચનાઓ એકબીજાને ટક્કર આપતી જોઈ. આકાશ જોડે હાથ મિલાવતા કે.એલ. ટાવર, પેટ્રોનસ ટાવર કે સિંગાપોર ફ્લાયર હોય કે પછી છ હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી એટલા જ રૂમ ધરાવતી ગેન્ટિંગની હોટલ હોય, એ દરેક જગ્યાએ માણસની અથાગ શક્તિનો રૂબરૂ પરિચય થયો. લોકોની પ્રકૃતિનો ખરાબ ભાગ પણ છૂટો-છવાયો જોવા મળ્યો. અલગ અલગ થીમપાર્કમાં માણેલી અલગ અલગ રાઇડ્સ ભરપુર રોમાંચ અને આનંદ પીરસતી રહી. પર્વત પર આવેલા મંદિર પર જોવા મળેલા શ્રદ્ધાના અભિષેકમાં તેમજ ક્રુઝની અલગ અલગ એકટીવીટીમાં, બધે જ લોકો એકદમ રિલેક્ષ હતા. જરૂરી લાગતી દરેક વસ્તુને આ લેખમાં સમાવવાનો મેં પ્રયત્ન કર્યો છે…
એક અઠવાડિયાની મહેનત પછી પુરા થયેલા આ વર્ણનમાં ટુરમાં જોડે આવેલા સભ્યોનો પરિચય આપવાનું મેં ટાળ્યું છે, કારણકે આ લેખને હું વાર્તાનું સ્વરૂપ આપવા માંગતો નો’તો.
આ જગ્યાઓ પર ફરવા જવા ઈચ્છતા લોકોને ઉપયોગી થાય તેમજ વાચક પોતે વાંચી નહીં પણ આ જગ્યાઓ પર ફરી રહ્યા છે એવો અનુભવ કરી શકે એવા ભાવ સાથે વર્ણવાયેલો આ પ્રવાસ આપ સૌને પસંદ પડશે એવી આશા રાખું છું…

ચેપ્ટર
૧.) ઈમિગ્રેશન-ઈમિગ્રેશન, હેલ્લો મલેશીયા…..
૨.) ક્વાલા લંપુર, કેપિટલ ઓફ મલેશીયા…
૩.) સન વે લગુન, અ બેસ્ટ વોટર થીમ પાર્ક..
૪.) ગેન્ટીંગ હાઈલેન્ડ, જુગારના શોખીન લોકોનું સ્વર્ગ..
૫.) બાય બાય મલેશીયા, હાય ‘સ્ટાર ક્રુઝ જેમિની’…
૬.) દરિયામાં તરતો મહેલ….
૭.) ક્રુઝની બહાર, સિંગાપોરની અંદર….
૮.) કોણ બેસ્ટ? સિંગાપોર સીટી કે સેન્ટોસા આઈલેન્ડ?
૯.) યુનિવર્સલ સ્ટુડિયો, હાર્ટ ઓફ સિંગાપોર…..
૧૦.) બાય બાય સિંગાપોર….

૨૯ ઓક્ટોબર : ઈમિગ્રેશન-ઈમિગ્રેશન, હેલ્લો મલેશીયા…..
ફાઈનલી… સવારે ૮ વાગ્યે, અમે સિંગાપોર એરપોર્ટ પર ઉતર્યા. અમારી ફલાઈટ એકાદ કલાક લેટ હતી, નહીં તો અમે સાત વાગતા જ પહોંચી જાત. ઈમિગ્રેશન માટે અમે બધા લાઈનમાં ગોઠવાયા, લાઈનો ખુબ જ મોટી હતી. દિવાળીનું વેકેશન માણવા આવેલા ઘણા બધા ગુજરાતીઓ મને જોવા મળ્યા. દુનિયાના ગમે તે ખૂણામાં ઉભેલા ગુજરાતીને હું ઓળખી શકું, હું ગુજરાતી છું એટલે નહીં, પણ તેના ચહેરાની નમણાઈ અને જોરજોરથી બોલવાની આદતને કારણે!!! કાચબાની ચાલની જેમ લાઈન ઉકલવા લાગી! ઈમિગ્રેશન ઓફિસર્સની કામની ગતિ અને બેસવા માટેની સગવડનો અભાવ કોઈને પણ થકવી નાખવા સક્ષમ હતા.
“ભારત એક જ ધીમો દેશ નથી.”, કોઈકનો અવાજ સંભળાયો.
“પ્રથમ ગ્રાસે મક્ષિકા!”, બીજું કોઈ બોલ્યું.
એકાદ કલાક પછી મારો નંબર આવ્યો. ઈમીગ્રેશન પતાવીને, મારો લગેજ કયા બેલ્ટ પાસે આવશે તે જોવા હું એલ.ઈ.ડી. સ્ક્રીન પાસે ઉભો રહ્યો. ફ્લાઈટ નંબર AI-340ના લગેજ બાબતે કંઈ પણ ડિસ્પ્લે થતું જ નો’તું. બહાર ફરવા જવાનો એક મોટો ફાયદો એ છે કે ભારત આપણને સારો દેશ લાગવા માંડે છે… હું કન્ફયુઝ હતો, ત્યાં જ અમારા ટુર મેનેજર ‘પરિમલભાઈએ’ અમને સૌને ફલાણા નંબરના બેલ્ટ પાસે જવાનું કહ્યું. અમારો સામાન બેલ્ટ પાસે નીચે પડ્યો હતો. ટ્રોલીમાં લગેજ ગોઠવીને અમે વેઈટીંગ લોન્જમાં બેઠા. ખાઉધરા ગુજરાતીઓ(મારા સહિતના) પોત-પોતાના નાસ્તાના ડબ્બા ખોલીને ખાવા મંડી પડ્યા! ત્યાં જ ખબર પડી કે અમારા ૩૫ જણના ગ્રુપમાંથી એકની બેગ ખોવાઈ છે. જો કે નાસ્તાની બેગ ગુમ થઇ હોવાથી ખાસ કંઈ ચિંતા જેવું નો’તું. ઘણી રાહ અને શોધખોળના અંતે પણ તે ના મળી. એરપોર્ટ ઓથોરીટીએ તે બેગ જે તે હોટલ પર પહોંચડી દેવાની બાંહેધરી આપીને અમને વિદાય કર્યા. ફક્ત બે જ કલાકમાં બધાને સમજાઈ ગયું કે ‘કાગડા બધે કાળા જ હોય!’
ત્યાંના એક લોકલ ફીમેલ ગાઈડ અમને વેલકમ કરવા આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે વરસાદ ચાલુ હતો. ડેકીમાં સામાન ને બસમાં અમે ગોઠવાયા. બસમાં રહેલા માઈક્રોફોનથી પેલા ગાઈડે અંગ્રેજીમાં અમુક સૂચનાઓ આપી. “સિંગાપોર ફાઈન(સુંદર) સીટી છે અને સીટી ઓફ ફાઈન્સ(દંડ) પણ છે! અહીં દરેક ભૂલ માટે મોટો દંડ છે. પાણી સિવાય કોઈ પણ વસ્તુ બસમાં ખાઈ-પી શકાશે નહીં…. તેમ કરવાનો દંડ ૪૦૦ સીન્ગાપોરીયન ડોલર(વીસ હજાર રૂપિયા) છે. અત્યારે ક્લીયરન્સ માટે આપણે સિંગાપોર કસ્ટમ બિલ્ડીંગમાં જવાનું છે.”
મેં નોટીસ કર્યું કે એ.સી. બસની બારીઓ પારદર્શક કાચની પણ પેક હતી, જેથી બહાર થૂંકી જ ન શકાય. થોડીવારમાં અમે કસ્ટમ બિલ્ડીંગ પહોંચી ગયા. ઈમિગ્રેશન જેટલી જ લાંબી અને કંટાળાજનક પ્રોસીજર અહીં પણ થઇ. એક ચંચળ ગુજરાતી બાળક પર એક ઈમિગ્રેશન ઓફિસર ઉગ્ર થઇ ગયો. ‘એક બાળક સાથે કેવું વર્તન કરવું જોઈએ’, એની ટ્રેનીંગની તે ઓફિસરને તાતી જરૂર હતી. પ્રોસીજર પૂરી થતા અમે ફરી બસમાં ગોઠવાયા.
“હવે તમને મલેશીયા ઈમિગ્રેશનમાં લઇ જવામાં આવશે. તમારે પહેલા મલેશીયામાં ફરવાનું છે.”, ગાઈડે એનાઉન્સ કર્યું.
મલેશિયન ઇમિગ્રેશનની ખુબ મોટી લાઈનમાં પોતપોતાનો સામાન લઈને બધા ગોઠવાયા. અહીં લાઈનમાં ઉભેલા લોકો માટે પંખાની વ્યવસ્થા પણ નો’તી. ભારતથી અઢી કલાક આગળ ચાલતા આ દેશની ઘડિયાળમાં સાડા અગિયાર થયા હતા. ઘણા ટુરીસ્ટની સાથે તેમના બાળકો કે વૃદ્ધ માતા-પિતા પણ હતા. આવા ટુરીસ્ટની હાલત કફોડી બની ગઈ. રડતા બાળકો, કકળાટ કરતા વડીલ, ધક્કામુક્કી કરતા ટુરીસ્ટ, દસેક દિવસના સ્ટે માટેનો ઘણો બધો સામાન અને ગરમ વાતાવરણ, બધાના દિમાગને ગરમ કરી રહ્યું હતું. આમેય ‘ગુજરાતી કો ગુસ્સા જલ્દી આતા હૈ!’
મારું ઈમિગ્રેશન પતવા જ આવ્યું હશે… મારા સહેજ આગળ ખસતા જ મારી પાછળ ઉભેલા એક બહેને તેમનો પાસપોર્ટ બારી પાસે મુક્યો. “મારું કામ ચાલુ છે… દેખાતું નથી?”, એકદમ ઉદ્ધતાઈથી કહીને ઈમિગ્રેશન લેડી ઓફિસરે તે પાસપોર્ટ એકબાજુ હડસેલી દીધો. ભારતના કોઈપણ સરકારી ઓફિસર દ્વારા અપાયેલા જવાબ જેવી જ તોછડાઈ મને તેમાં જોવા મળી.
ઈમિગ્રેશન પતાવીને બહાર નીકળતા જ એક તમિલે મને પૂછ્યું, ‘તમે બેસ્ટ ટુરમાંથી આવો છો?’ મેં હા કહેતા તેમણે મને ફલાણી બસમાં બેસી જવા કહ્યું. અમારા ગ્રુપના ઘણા લોકો, હજુય ઇમિગ્રેશનમાં જ હતા. અલગ અલગ જગ્યાએ લાઈનોમાં ઉભા રહીને થાકેલા મારા મમ્મી-પપ્પા તરસ્યા થયા હશે, એમ માનીને હું પાણીની બોટલ ખરીદવા સામે આવેલા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયો.
“કેટલા?”, ત્યાં પડેલી પાણીની બોટલ ઉઠાવીને મેં પૂછ્યું.
“સત્તર”, તેણે કહ્યું.
એક રીન્ગીટ એટલે સત્તર રૂપિયા થાય. ૨૯૦ રૂપિયાની પાણીની એક બોટલ? આશ્ચર્ય સાથે મેં સો રીન્ગીટની નોટ આપી.
“સત્તર સેન્ટ!”, તેણે કહ્યું.
“૧.૭ રીન્ગીટ? માફ કરજો, મારી પાસે ખુલ્લા નથી.”
તેણે બાકીના રીન્ગીટ મને પાછા આપ્યા. બીજા દેશમાં આપણને દરેક વસ્તુ મોંઘી લાગવાનું કારણ એ છે કે જે તે વસ્તુની કિંમત, આપણે રૂપિયામાં કન્વર્ટ કરીને જ ગણીએ છીએ!!! રૂપિયા હાથનો મેલ છે એ જાણતા હોવા છતાં એ મેલ બધાને અતિ પ્રિય હોય છે. હા! આ સીનમાં મલેશિયાની જગ્યાએ દિલ્હી અને મારી જગ્યાએ કોઈ ફોરેનર હોત તો પાણીની બોટલના દોઢસો રૂપિયા લઇ લેવાયા હોત, એ બાબતે હું નિ:શંક છું.
બધા સભ્યો આવી ગયા બાદ બસ ઉપાડી લેવામાં આવી. અમારા ગાઈડ ‘જ્હોન અંકલ’ના દાદા તમિલનાડુમાંથી આવીને અહીં વસ્યા હતા. એ થર્ડ જનરેશન ઇન્ડિયને બધાને પાણીની એક એક બોટલ આપી. અમને પહેલા લંચ માટે લઇ જવામાં આવશે, એવું તેમણે કહ્યું. થાકીને લોથપોથ થઇ ગયેલા દરેકના પેટમાં બિલાડા નહીં, ડાયનોસોર દોડી રહ્યા હતા. અડધી કલાક પછી એક રેસ્ટોરન્ટ પાસે બસ ઉભી રહી. ફૂડ ઓવરઓલ સારું હતું. મેં અલગથી છાસ લીધી, જે લંચમાં ઇન્ક્લ્યુડેડ ન હતી. એકદમ ખાટ્ટી છાસથી મારું મોઢું બગડી ગયું.. ‘અઢીસો રૂપિયા પડી ગ્યા!’, હું મનમાં બબડ્યો…. હા, એક ગ્લાસ છાસના ત્યાં અઢીસો રૂપિયા હતા!!!
“તમારી પાસે રીંગણા છે ને? મને આપો, હું પછી પાછા આપી દઈશ!”, અમારા જ ગ્રુપના એક સુરતી કાઠીયાવાડીએ મને કહ્યું.
“રીંગણા?”, મેં આશ્ચર્યથી પૂછ્યું.
“હા, રીંગણા… આંયાના રૂપિયા.”, ધવલભાઈ બોલ્યા.
“ઓહ! રીન્ગીટ?”, મેં હસતા હસતા પૂછ્યું.
“હા, ઈ અમે તો એને રીંગણા જ કે’વાના. અમારેય રૂપિયાના રીંગણા કરાવવા છે, પણ આંયા ક્યાંય રૂપિયા બદલવાના સ્ટોર નથી…”, મજાના એ માણસે કહ્યું.
લંચ કરીને બધા ફરી બસમાં બેઠા. હવે અમારે પાંચેક કલાકની મુસાફરી કરીને ‘પુત્રજયા’ જવાનું હતું. પેટની આગ શાંત થતા જ સૌ શાંત થઇ ગયા. જ્હોન અંકલ માઈક્રોફોન પર મલેશીયા વિષે માહિતી આપી રહ્યા હતા, અંગ્રેજી નહીં સમજનારા ઘણા લોકો ઘોટાઈ(ઊંઘી) ગયા.
“અહીં મલેશિયામાં ૫૨% મલે(મુળ મલેશિયન), ૩૦% ચીની અને ૧૦% ભારતીય વસ્તી છે. જો કે અત્યારે ભારતીય ઘટીને ૮% થઇ ગયા છે. પહેલા ચાર દેશના લોકોએ મલેશીયા પર શાસન કરેલું. એમાં પહેલા પોર્ટુગીઝ, બીજા ડચ, ત્રીજા જાપાનીઓ અને છેલ્લા બ્રિટીશ હતા. બ્રિટીશર્સને આ દેશ રબ્બરની ખેતી માટે ખુબ સારો લાગ્યો. પણ રબ્બરની ખેતી ખુબ મજુરી વાળી હોવાથી, ઉત્તર ભારતમાંથી અને તમિલ ભારતીયોને મજુર તરીકે લાવવામાં આવ્યા. ત્યારે ભારત પણ અંગ્રેજોનું જ ગુલામ હતું. જો કે અત્યારે રબ્બરની ખેતીમાં ખુબ જ ઓછા ભારતીયો જોવા મળે છે… અત્યારે અહીંના સારા વકીલ કે ડોક્ટર્સમાં મોટાભાગે ભારતીયો જ જોવા મળે. કોઈ લોકલ મલેશિયન કે ચાઇનીઝને સારવાર કરાવવી હોય કે કાયદાકીય સલાહ લેવી હોય તો ભારતીય પાસે જ જવું પડે છે…..અત્યારે મલેશિયાનો સૌથી સમૃદ્ધ માણસ પણ એક ભારતીય જ છે, શ્રીમાન ‘આનંદ ક્રિશ્નન’…, તેમની નેટ વર્થ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા છે. ‘ટીન’ના કારખાનાઓમાં મજુરી કરવા આવેલા ચીની લોકો પણ અત્યારે સફળ રીયલ એસ્ટેટ ડેવલોપર્સ બન્યા છે. અત્યારે મલેશિયામાં પ્રોપર્ટીના ભાવ ખુબ જ ઊંચા થઇ ગયા હોવાથી જનરલ પબ્લીક માટે પ્રોપર્ટી ખરીદવી મુશ્કેલ બન્યું છે.”, ગાઈડના મોઢે કહેવાયેલી અમુક વાતો દરેક ભારતીયને ગૌરવ અપાવનારી હતી….
આખો રોડ જંગલો અને પર્વતોની વચ્ચેથી પસાર થતો હતો. રોડની બંને બાજુ આવેલા પર્વતો અને ઝાડવાઓની ભરમારે નજારાને નયનરમ્ય બનાવી દીધો. હવે ત્યાં રબ્બરને બદલે પામ ટ્રીની ખેતી વધુ થતી હોવાથી, બંને બાજુ નાળીયેરી જેવા દેખાતા પામના જંગલો ઉભા હતા. સાફ રસ્તાઓ પર કચરો ક્યાંય ન દેખાયો. પાંચ કલાકની લાંબી મુસાફરીમાં અમે કોઈને પણ રસ્તાનો જાહેર શૌચાલય તરીકે ઉપયોગ કરતા જોયા નહીં!!! ઊંઘ એ ચેપી રોગ છે. બસમાં સુઈ રહેલા લોકોનો ચેપ મારા જેવા જાગતા લોકોને લાગવા લાગ્યો. ક્યારે ઊંઘ આવી ગઈ એની મને ખબર ના રહી.
અંગ્રજોએ જ શાસન કર્યું હોવાથી મલેશિયાના કાયદા પણ લગભગ ભારત જેવા જ છે. પાર્લામેન્ટની દર પાંચ વરસે આવતી ચૂંટણીમાં ૨૨૨ સીટ પર ઉમેદવારો ઉભા રહે છે. ૧૯૫૭માં આઝાદ થયુ, ત્યારે તે ‘મલ્લૈયા’ તરીકે ઓળખાતું. ‘વસિયત’ માટે અંદરો અંદર લડતા કરી દેવાની અંગ્રેજોની ‘ખાસિયત’ અહીં પણ જોવા મળી. જેના પરિણામે આઝાદીના બે વર્ષ પછી બે રાજ્યો અલગ પડયા અને મુળ ‘મલ્લૈયા’, ‘મલેશીયા’ બન્યું.
એકાદ સ્ટોપને બાદ કરતા બસ ક્યાંય ઉભી રહી નહીં. લગભગ સાડા છ વાગ્યે અમે પુત્રજયા પહોંચી ગયા. ‘પુત્ર’ એટલે ‘દીકરો’ અને ‘જયા’ એટલે ‘વિજય થાઓ’. રાજકુમારનો વિજય થાઓ એવો તેનો અર્થ થાય છે. તે મલેશિયાનું ‘એડમીન કેપિટલ’ છે. દરેક રાષ્ટ્રીય કાર્યક્ષેત્રો ભીડભાડથી દુર એક અલગ જ વિસ્તારમાં હોવા જોઈએ એવા વિચાર સાથે બનાવવામાં આવેલા ‘પુત્રજયા’ની મોટા ભાગની બિલ્ડીંગ, રાજકીય બિલ્ડીંગ છે. ગુજરાતમાં જે વિચાર અને પ્લાનિંગ સાથે ગાંધીનગરનો વિકાસ થયો છે એવું જ કંઈક પુત્રજયા માટે કહી શકાય. અહીંની વસ્તી લગભગ એક લાખ છે. અમુક લોકો દુરથી અપ-ડાઉન પણ કરે છે. લગભગ આખું પુત્રજયા સરકાર હસ્તક છે એવું કહી શકાય.
અમને એક માનવસર્જિત બ્રીજ પર લઇ જવામાં આવ્યા. ખુબ જ સુંદર અને આકર્ષક પુલમાં ફીટ કરેલી લાઈટનો કલર વારંવાર બદલાઈ રહ્યો હતો. એક ત્રિકોણ આકારના પતંગને ઘણી બધી દોરીઓથી બાંધીને તે દરેક છેડા અલગ અલગ માણસના હાથમાં મુકવામાં આવ્યા હોય, એવો આ રંગબેરંગી પુલ સંધ્યાટાણે મનમોહક લાગી રહ્યો હતો. ફોટા પાડવા માટે ત્યાં પંદર મીનીટનો સ્ટોપ આપવામાં આવ્યો. બ્રીજ પરથી થોડે દુર દેખાઈ રહેલી એક સુંદર મસ્જીદ જ ‘પુત્ર મોસ્ક’ હતી.
ત્યારબાદ અમને ‘પેર્ડાના પુત્ર’ એટલે કે પ્રાઈમ મીનીસ્ટર બિલ્ડીંગ લઇ જવામાં આવ્યા. તેની સામે આવેલા મોટા મેદાનની જમીન પર ઉંચી જાતના પથ્થરનું ફલોરિંગ હતું. અલગ અલગ દેશના ઘણા બધા લોકોના કારણે ત્યાં મેળો ભરાયો હોય એવું વાતાવરણ જામેલું જોવા મળ્યું. આરામ થી બેસીને ગપ્પા મારી રહેલા, ફૂલ-રેકેટ રમી રહેલા, પોતાના નાના બાળકોને રમાડી રહેલા લોકો તેમજ પોતાની સાઈકલ કે સ્કેટ્સ ચલાવી રહેલા બાળકો અને કિશોરોએ વાતાવરણને ધબકતું કરી નાખ્યું હતું…. રાત્રીનો અંધકાર, ઝળહળતી કૃત્રિમ રોશનીમાં ઢીલો પડી ગયો હોય એવું મને લાગ્યું. અમને બધાને રાતે ઉગતો દિવસ જોવા મળ્યો. મલેશીયામાં ૬૦% અને પુત્રજયામાં ૯૦%થી પણ વધુ વસ્તી મુસલમાનની હોવાથી પ્રાઈમ મીનીસ્ટર બિલ્ડીંગની રચના એક સુંદર મસ્જીદ જેવી કરવામાં આવી છે. અંદર જવા દેવાની મનાઈ હોય એ કહેવાની જરૂર નથી. બધા ફોટા પાડવા મંડી પડ્યા. સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ ના કરીએ તો લોકોને ખબર કેમ પડે કે અમે આઉટ ઓફ ઇન્ડિયા ફરીને આવ્યા છીએ?
પંદર મીનીટના ફોટો સ્ટોપ પછી અમને એક ઉંચી ટેકરી પર લઇ જવામાં આવ્યા. ગઈકાલે અમદાવાદથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધીમાં મેક્સીમમ સમય ટ્રાવેલિંગમાં જ ગયો હતો. સવારે નાહવાનું પણ શક્ય નો’તું બન્યું! અમારામાંથી થાકેલા ઘણા, બસમાંથી નીચે જ ના ઉતર્યા. ‘પેર્ડાના હિલ’ પરથી પુત્રજયાના માનવસર્જિત પુલો અને ઇમારતો શાનદાર દેખાતા હતા. રાતની રોશનીમાં પુત્રજયા ભવ્ય લાગ્યું. અમે લોકોએ આ નજારાને મન ભરીને માણ્યો. ધીમા ધીમા છાંટા આવવા લાગતા જ અમે બસમાં બેસી ગયા. હવે અમારે ડિનર માટે જવાનું હતું.
બસમાં ‘પરિમલ ભાઈ’એ સૌને પોતપોતાનો પરિચય આપવાનું કહ્યું, અમારે બધાએ હવે દસ દિવસ સુધી સાથે જ ફરવાનું હતું. ફેમીલી દીઠ કોઈ એક વ્યક્તિ પોતાના આખા પરિવારનો પરિચય આપતી ગઈ. અમે લોકો એકબીજાને થોડા-થોડા ઓળખાતા થયા. અમને ‘જયપુર મહેલ’ નામની ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં લઇ જવામાં આવ્યા. ભાજીપાઉં, ઈડલી અને બીજી અમુક વાનગીઓને કારણે જમવાની ખુબ મજા આવી.
જમવાનું પૂરું થતા, અમને ‘હોટલ ફ્યુરામા’માં લઇ જવામાં આવ્યા, જ્યાં અમારે બે નાઈટનો સ્ટે હતો. આમ તો હવે એ કોમન છે પણ છતાંય જણાવી દઉં કે, અમારા રૂમની ચાવીઓ એ ‘ડેબીટ કાર્ડ’ જેવું કાર્ડ જ હતું, જેને સ્કેન કરીને જ રૂમનો દરવાજો ખોલી શકાય. લીફ્ટનો ઉપયોગ પણ ‘કાર્ડ કમ ચાવી’થી જ થાય. અને હા! જો આપણો રૂમ પાંચમાં માળે હોય તો એ ચાવીથી છઠ્ઠા કે ઉપરના માળે ના જઈ શકાય, કારણકે લીફ્ટ એ એક્સેપ્ટ જ ના કરે! દાદરથી જઈ શકાય, પણ એમાંય કરામત કરેલી જોવા મળી….. દરેક માળે દાદર પાસે એક દરવાજો હતો, જે પગથીયા બાજુથી ના ખુલે, ફક્ત રૂમ બાજુથી જ ખુલે! મતલબ કે જો હું પાંચમાં માળેથી પગથિયાનો દરવાજો ખોલું તો તે ખુલી જાય. પછી હું સીડીઓનો ઉપયોગ કરીને ગમે તે માળે જાઉં તો કોઈપણ માળનો દરવાજો જ ના ખુલે, કારણકે તે લોક હોય! હવે તો પાંચમાં માળનો દરવાજો પણ ડોરક્લોઝરને કારણે ઓટોમેટીક બંધ થઇ ગયો હોય, માટે તે પણ ના ખુલે. ગ્રાઉન્ડ ફ્લોર પર જવા સિવાય મારી પાસે કોઈ રસ્તો જ ના બચે. ત્યાં એક જ જગ્યાએ દરવાજો ના હોય. આવી રચનાને કારણે કોઈ પણ હોનારતના સમયમાં ગમે તે માળે રહેલ વ્યક્તિ સીડી દ્વારા નીચે જઈ શકે, પણ કોઈ એક માળનો વ્યક્તિ અન્ય માળે જઈને કોઈપણ જાતનું ડીસ્ટર્બન્સ ના કરી શકે!!!
બધા જ થાકેલા હતા. પડ્યા ભેગી ઊંઘ આવી જશે, એમ માનીને હું આડો પડ્યો. ખબર નહીં કેમ? પણ મારે ઘણા પડખા ફરવા પડ્યા. ‘દુનિયાનો છેડો એટલે ઘર’, એવું એટલે જ કહેતા હશે ને?

૩૦ ઓકટોબર : ક્વાલા લંપુર, કેપિટલ ઓફ મલેશીયા…
સવારે તે જ હોટેલમાં હેવી નાસ્તો હતો. તેને ન્યાય આપીને પોણા નવે, હું રીસેપ્શન પાસે ગોઠવેલા સોફા પર બેસી મોબાઈલ મચડવા લાગ્યો. ‘ફ્રી વાઈ-ફાઈ હતું!!!!, વાપરવું તો પડે ને?’ અમારે નવ વાગ્યે ભેગુ થવાનું હતું. અમારા લોકલ ગાઈડ ‘જ્હોન અંકલ’ આવી પહોંચ્યા. નવ વાગ્યા, સાડા નવ, પોણા દસ… પણ અમારા ગ્રુપમાંના બે ફેમીલી હજુ આવ્યા નહીં. જ્હોન અંકલની ઉતાવળ છતાં બસ લગભગ સવા દસે ઉપડી. આજે ‘ક્વાલા લંપુર’ સીટી ટુર હતી. તે મલેશિયાનું કેપિટલ સીટી છે. પુત્રજયાથી ક્વાલા લંપુર લગભગ પચ્ચીસેક કિમી દુર છે.
“હું જાણું છું કે તમે બધા ભારતીય છો. પણ, જો કાલથી મોડું થશે તો બસ તેના ટાઈમે ઉપાડી લેવામાં આવશે. મોડા આવનારે પોતાની રીતે ટેક્ષી કરીને જે તે જગ્યા પર પહોંચવું પડશે. કોઈ એક ફેમિલીના લીધે બધાને કંઈક મિસ કરવું પડે એવું હું ઈચ્છતો નથી.”, જ્હોન અંકલે વોર્નિંગ આપી.
સૌથી પહેલા અમને ‘કિંગ્સ પેલેસ’ લઇ જવામાં આવ્યા. મહેલની બહાર બે દરવાન ઘોડા પર બેઠેલા જોવા મળ્યા. લોકો તેની પાસે ઉભા રહીને ફોટા પડાવી રહ્યા હતા. મહેલની બંને બાજુએ આવેલી નાની નાની ટેકરીઓ, એન્ટ્રીમાં આવેલો મોટો-સુંદર ગેટ તેમજ બહાર રહેલા ઝાડ-પાનને કારણે સમગ્ર દ્રશ્ય ખુબ જ સુંદર દેખાઈ રહ્યું હતું. દુરથી દેખાતો મહેલ અંદરથી કેટલો આલીશાન હશે તેની કલ્પનાએ જ મને રોમાંચીત કરી મુક્યો. ઘણા લોકો પેલી નાની નાની ટેકરી પર ચડી રહ્યા હતા. મહેલમાં અંદર કોઈને એન્ટ્રી નો’તી. થોડા-ઘણા ફોટા પાડીને, આજુબાજુનો નજારો હું ધ્યાનથી જોવા લાગ્યો.
આમ તો મલેશીયા એ સંસદીય રીતે લોકશાહી, અને બંધારણીય રીતે રાજાશાહી ધરાવતો દેશ છે. એને સરળ રીતે સમજીએ તો મલેશિયાના કુલ વારસાગત નવ સુલતાન છે. એ દરેકને જે તે રાજ્યના ‘હેડ ઓફ ઇસ્લામ’ કહી શકાય. આ નવ સુલ્તાનોમાંથી વારાફરથી પાંચ-પાંચ વર્ષની ટર્મ માટે એકને મલેશીયાના રાજા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. એ રાજા એ જ મલેશિયાના ‘પ્રેસિડેન્ટ’ કહી શકાય. વળી, મલેશિયાની સુપ્રીમ ઇન્સ્ટીટ્યુશનમાં તેના નવ સુલતાન અને ચાર રાજ્ય ગવર્નરનો સમાવેશ થાય છે. આ ચાર ગવર્નરની નિમણુક પણ પ્રેસિડેન્ટ એટલે કે રાજા જ કરે છે. બંધારણ મુજબ ત્યાંનો કોઈ પણ નાગરિક મલેશિયાનો પ્રાઈમ-મીનીસ્ટર બની શકે, પણ ‘મલે’ લોકોની વસ્તી વધારે હોવાથી એ શક્ય બનતું નથી. તેથી મલેશિયાની આઝાદી પછી આજ દિન સુધીમાં બનેલા દરેક પ્રાઈમ મીનીસ્ટર ‘યુનાઈટેડ મલે નેશનલ ઓર્ગેનાઈઝેશન’માંથી જ જીતતા આવ્યા છે.
ત્યાં જ કિંગ પેલેસ જોવા અમુક ટુરિસ્ટ ‘હોપ ઓન હોપ ઓફ’ બસમાં આવ્યા. એક્ચ્યુલી આ એક ડબલ ડેકર બસ જેવી જ હોય છે, પરંતુ તેનો ઉપરનો માળ અડધો પેક અને અડધો ખુલ્લો હોય છે. એ ખુલ્લા ભાગમાં આવેલી ખુરશીમાં બેસીને શહેર જોવાનો આનંદ કોમન નહીં હોય એવું મને લાગ્યું. આવી બસમાં ક્વાલા લંપુર સીટી ટુર કરવી હોય તો વ્યક્તિ દીઠ કંઈક ૪૦ રીન્ગીટ ચુકવવા પડે છે.
અમે ફરી બસમાં ગોઠવાયા. અમારૂ આગલું સ્ટોપ ‘નેશનલ મોન્યુમેન્ટ’ હતું. આ સ્મારક ખાસ મલેશીયાની સ્વતંત્રતા માટે શહીદ થયેલા સિપાહીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. ત્યાં એક ૪૫ ફૂટ ઊંચું શિલ્પ કંડારવામાં આવ્યું છે. એક સૈનિક રાષ્ટ્રધ્વજ લઈને ઉભો છે, તો બે સૈનિકો હાથમાં બંધુક લઈને ફાયરીંગ કરી રહ્યા છે, એક સૈનિક ગોળી વાગેલા બીજા સૈનિકને ટેકો આપી રહ્યો છે, શહીદ થયેલા બે સૈનિકોના શબ પણ કંડારવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્મારકમાં પાછળની બાજુ આવેલા આ અદભુત શિલ્પની પહેલા એક ૧૦ મીટર ઉંચો સમાધિ સ્તંભ ખડો કરવામાં આવ્યો છે, જેની ચારેબાજુ પાણીનો નાનો હોઝ આવેલો છે. સ્મારકની ફરતે ઉગાડવામાં આવેલા અલગ અલગ વૃક્ષો વિષે જ્હોન અંકલને પૂછતાં તેમણે મને સંતોષકારક જવાબો આપ્યા.
આમ તો ક્વાલા લંપુર નામ પડવા પાછળ પણ હિસ્ટ્રી છે. ક્વાલા લંપુર એ મલેશિયન શબ્દ છે, ‘કાદવવાળો સંગમ’ એવો તેનો અર્થ થાય છે. ત્યાં આગળ ‘કલંગ’ અને ‘ગોમ્બક’ નદીનું મીલન થાય છે. આ જગ્યાના કાદવને સાફ કરતા તેમાંથી ‘ટીન’ મળતું. તેથી આ શહેરનું નામકરણ આવું થયેલું છે.
હવે અમે ‘કે.એલ.ટાવર’ એટલે કે ‘ક્વાલા લંપુર ટાવર’ તરફ રવાના થયા. રસ્તામાં જ્હોન અંકલે અમને ‘નેશનલ મોસ્ક’ બતાવી, એક સાથે પંદર હજાર માણસો નમાજ પઢી શકે એટલી વિશાળ તે છે. અમે ‘મર્ડેકા સ્ક્વેર’ પણ જોયું, જ્યાં મલેશિયાનો રાષ્ટ્રધ્વજ સૌથી પહેલા ફરકાવવામાં આવ્યો હતો. આ જગ્યાને ‘ઈન્ડીપેન્ડન્સ સ્ક્વેર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. રસ્તામાં જ એક ‘બર્ડ પાર્ક’ આવતા જ્હોન અંકલે અમને કહ્યું, “અહીં પંખીઓને કોઈ પાંજરામાં પુરવામાં આવતા નથી. આખા પાર્કને ઉંચાઈ પર બાંધેલી નેટથી કવર કરવામાં આવ્યો છે. પાર્કમાં લીલોતરી અને વનસ્પતિ પણ ઘટાદાર છે. આવો પાર્ક બનાવવાનું કારણ એ છે કે અંદરના પક્ષીઓ ઉડીને આખા પાર્કમાં ગમે ત્યાં ફરી શકે અને તેઓ કેદમાં હોય એવું તેમને બિલકુલ ન લાગે.”
હવે અમે ‘કે.એલ.ટાવર’ પહોંચી ગયા. ગાઈડના કહેવા પ્રમાણે તે વિસ્તારમાં પહેલા અનાનસની ખેતી ખુબ જ થતી, જે હવે બંધ કે નહીવત થઇ ગઈ છે. આ વાતની યાદગીરી રૂપે જ આ ટાવરનો મેઇન ભાગ અનાનસના આકારનો બનાવવામાં આવ્યો છે. કમ્યુનીકેશનને સરળ કે આધુનિક બનાવવાના હેતુથી જ આ ટાવર બનાવવામા આવ્યો હતો. ટાવરના ટોપ પર આવેલા એન્ટેનાની ટોચ અને ગ્રાઉન્ડ લેવલ વચ્ચે અધધધ… ૪૨૧ મીટર એટલે કે ૧૩૮૧ ફૂટનું અંતર છે. ટાવરના ટોપરુફની ઉંચાઈ જમીન લેવલથી ૩૩૫ મીટર છે. દુનિયાના સૌથી ઊંચા ફ્રી સ્ટેન્ડિંગ ટાવરમાં તે સાતમા સ્થાને છે. આ ટાવર મુખ્યત્વે ચાર માળનો બનેલો છે. પહેલા માળેથી એટલે કે ઓબ્ઝર્વેશન ડેકથી ટુરિસ્ટ આખા ક્વાલા લંપુર સિટીનો અવર્ણનીય નઝારો જોઈ શકે છે. બીજા માળે એક રીવોલ્વીંગ રેસ્ટોરન્ટ આવેલી છે, અમદાવાદની પતંગ હોટલ જેવી જ! આ રેસ્ટોરન્ટમાં કંઈક બસ્સો રીન્ગીટ ચૂકવીને લંચ કરી શકાય છે. ત્રીજા માળે આવેલ બેન્કવેટ કોઈ પણ જાતના ફંક્શન માટે ભાડે મળે છે. ટાવરના ચોથા અને અંતિમ માળે ટેલીકમ્યુનીકેશન સ્ટેશન આવેલું છે. આ ટાવરમાં ચાર લીફ્ટ અને ૨૦૫૮ પગથીયા છે! અમને ૨૭૬ મીટર ઉંચાઈ પર આવેલા, ઓબ્ઝર્વેશન ડેક પર લઇ જવામાં આવ્યા. લીફ્ટની ઝડપ એટલી બધી છે કે ત્યાં પહોંચતા ખાલી ૫૪ સેકંડ જ લાગે અને ઉતરતા તો બાવન જ, આ જ કારણે લીફ્ટમાં ઉભા હતા ત્યારે કાનમાં ધાક પડી રહી હોય એવો અનુભવ થયો. અમે ઓબ્ઝર્વેશન ડેકમાં પ્રવેશ્યા. ત્યાંથી આખું શહેર જોઈ શકાતું હતું. ઊંચા ઊંચા બિલ્ડીંગોનું શહેર એક એન્જીનીયરે બનાવેલા મોડેલ સીટી જેવું દેખાતું હતું. ઉપરથી દેખાતી કાર જાણે રમકડાની કાર હોય એવું લાગતું હતું. અંદરની બાજુએ અમુક નાની નાની દુકાનો પણ હતી, જ્યાંથી પોતાના માટે કે બીજાને આપવા સોવેનીયરની ખરીદી કરી શકાય. જો કે વસ્તુઓના ભાવ ખુબ જ વધારે હતા, આટલી ઉંચાઈ પર બિરાજેલાની કિંમત નીચી હોઈ જ કેવી રીતે શકે? આખા ડેકમાં ફરીને લોકો સેલ્ફી લઇ રહ્યા હતા. હું પણ આરામથી ફર્યો. સેલ્ફી લેવા ક્રેઝી લોકો એમ કરવા સ્વતંત્ર છે પણ, એમ કરવા જતા, જે તે કૃતિને મન ભરીને માણવાનો સાચો આનંદ ઉઠાવી શકાતો નથી. મારું આ તારણ યુનીવર્સલ છે કે નહીં એ તો મને ખબર નથી, પણ મારા માટે એ સો ટકા સાચું છે.
મલેશિયાની કુલ વસ્તી ત્રણ કરોડ છે, જેમાં પચ્ચીસ લાખ કાયદેસરના ઘુસણખોરો અને પંદર લાખ ગેરકાયદેસર રીતે ઘુસી આવેલા લોકો છે. અહીંના લોકોના જીવન ધોરણ ઊંચા છે. આમ તો લોકોની માથાદીઠ આવક ત્રણ હજારથી પાંત્રીસ્સો રીન્ગીટ છે, પણ પતી-પત્ની બંને કમાતા હોવાથી સારું જીવન જીવી શકાય છે. અહીંની સરકાર નથી ઈચ્છતી કે કોઈ પણ માણસ ઝુંપડામાં રહે. આથી સરકાર ઝુંપડપટ્ટીઓ ખાલી કરાવીને ત્યાં પાક્કા મકાનો બાંધી આપે છે, જે સસ્તા દરે એ જ ગરીબ લોકોને આપવામાં આવે છે. મલેશિયામાં દરેક વ્યક્તિ પાસે પોતાની કાર પણ હોય જ છે, એવું જ્હોન અંકલે કહ્યું. વળી, અહીં બેકારી પણ ખુબ ઓછી છે, ખાલી ત્રણ ટકા! એ પણ એવા જ લોકો બેકાર છે, જેમને કામ કરવું જ નથી. બાકી તો અત્યારે કામ કરવા બીજા દેશમાંથી લોકોને બોલાવવામાં આવે છે.
કે.એલ.ટાવરમાંથી નીચે ઉતરવાનું મન થતું નો’તું. જો કે પહેલેથી જ અડધી કલાક બાદ નીચે આવી જવાની સુચના, જ્હોન અંકલ તરફથી સૌને અપાઈ ગઈ હતી. અમે નીચે પહોંચ્યા. ત્યાં નીચે જ આવેલા એક નાનકડા ઝૂની બહાર લખ્યું હતું, “તમે પ્રાણીઓને અડી શક્શો, ખવડાવી શક્શો અને તેને પકડીને ફોટા પણ પડાવી શક્શો! એક વ્યક્તિના ૩૨ રીન્ગીટ…” અમારા ગૃપમાંના દરેક હજુ નીચે આવ્યા નો’તા, તેમને આવતા હજુ કેટલી વાર થશે એ કેવી રીતે ખબર પડે?
હું મારી તથા મમ્મી-પપ્પાની એમ કુલ ત્રણ ટીકીટ લઇ આવ્યો. અમે અંદર ગયા. અંદર ખુબ જ મોટી ચંદન ઘો, એક વિશાળ ઢાલ કાચબો, કાંગારુંનું એક ક્યુટ બચ્ચું અને ઘણા બધા રંગબેરંગી પોપટ હતા. આ દરેકને રમાડવાનો આનંદ અમે લીધો. ખુબ મોટા પોપટની જોડીને મમ્મી-પપ્પાના ખભે બેસાડીને ફોટા પણ પાડ્યા. ત્યાં અમે એક અલગ જાતનું પ્રાણી જોયું, જે દેખાવે અદ્દલ વાંદરા જેવું પણ ખિસકોલી જેવું નાનું અને નાજુક હતું. તે ‘સ્ક્વીરલ મંકી’ના નામે ઓળખાય છે. ઝૂના ગાઈડે અમને મકાઈ આપીને તે ‘સ્ક્વીરલ મંકી’ને ખવડાવવા કહ્યું. આ અનુભવ કંઈક વિશેષ રહ્યો. હા! ઉંદર જેવા દેખાતા પણ કદમાં મોટા ‘ફ્રેન્ડલી ફેરેટ’ પણ જોવા મળ્યા! તે અઢાર કલાક સુતા જ રહે છે, એવું ઇન્સ્ટ્રક્ટરે કહ્યું. અમે તેમને બે હાથમાં લઈને હલાવ્યા, પણ તે ઉઠ્યા નહીં! તે ખુબ જ સુંવાળા અને આકર્ષક હતા. આખુ ઝૂ જોરદાર ચોખ્ખું હતું. હજુ પણ ઘણા પ્રાણીઓ જોવાના બાકી હોવા છતાં અમે બહાર નીકળી ગયા, અમારા લીધે આખું ગ્રુપ લેટ થાય એવું અમે ઈચ્છતા નો’તા. જો કે હજુયે અમુક લોકો ટાવરમાંથી નીચે આવ્યા ન હતા. જ્હોન અંકલની અકળામણ વધી રહી હતી. પછીની પંદરેક મીનીટમાં બધા આવી ગયા અને સૌ પાર્કિંગ તરફ ચાલતા થયા. ત્યાં અમે એક ‘અપસાઈડ ડાઉન’ નામનું સ્ટ્રક્ચર જોયું. તે એક એવી રચના હતી કે જાણે એક મકાનને ઊંધું લટકાવવામાં ના આવ્યું હોય? તેના પાર્કિંગ અને તેમાં પાર્ક કરેલી કાર પણ ઉંધા જ હતા. અમે લોકો ભોજન માટે રવાના થયા.
બપોરનું ભોજન કરીને અમારે ‘પેટ્રોનસ ટાવર’ જવાનું હતું. બે એકસરખા ટાવર જોડે જોડે ઉભા હોવાથી તે ‘ટ્વીન ટાવર’ તરીકે પણ ઓળખાય છે. દુનિયાના સૌથી ઊંચા બિલ્ડીંગમાં આ બંને નવમાં નંબરે આવે છે. જો કે ‘તાઈપી ૧૦૧’નું તાઈવાનમાં નિર્માણ થયું તે પહેલા છ વરસ સુધી દુનિયાની સૌથી ઉંચી બિલ્ડીંગના સ્થાને ‘પેટ્રોનસ’ જ હતા. આ દરેક ટાવરમાં ૮૮ માળ છે… પાંચ માળ બેઝમેન્ટના અલગ… ટાવરની કુલ ઉંચાઈ ૪૫૨ મીટર (લગભગ પંદરસો ફૂટ) અને ટોપરુફની હાઈટ ૩૭૮.૬ મીટર (સાડા બારસો ફૂટ) છે. જમીનથી ૧૫૭ મીટર ઉંચાઈ પર આવેલો ૫૮ મીટર લાંબો બે માળનો બ્રીજ, આ બંને ટાવરને ૪૧ તથા ૪૨માં માળે જોડે છે. આ બ્રીજ, દુનિયામાં સૌથી વધારે ઉંચાઈ પર આવેલો બે માળનો બ્રીજ છે. આ દરેક ટાવરમાં ચાલીસ-ચાલીસ લીફ્ટ આવેલી છે. લીફ્ટ ફક્ત છ્યાસીમા માળ સુધી જ જઈ શકે છે. છ્યાસીમા માળ સુધી જવા માટે પણ સ્કાયબ્રીજથી લીફ્ટ બદલવી પડે છે. ટાવરમાં મોટા ભાગે કોમર્સિયલ ઓફિસો જ આવેલી છે. ૨૦૧૦ પહેલા આ ટાવરમાં દરેકને ફ્રી એન્ટ્રી આપવામાં આવતી હતી, પરંતુ હવે બે અલગ અલગ પેકેજ રાખવામાં આવ્યા છે. એક પેકેજ મુજબ ‘સ્કાય બ્રીજ’ એટલે કે બેતાલીસમાં માળ સુધી જઈને ત્યાંથી શહેરનો નજારો જોઈ શકાય છે. એવું કરવા ઉપરાંત છેક છ્યાસીમાં માળ સુધી જઈને ત્યાંથી દિલધડક સીન જોવા હોય તો બીજું પેકેજ લેવું પડે…. જો કે આ માટે વહેલા તે પહેલાના ધોરણે રોજની હજાર જ ટીકીટ વહેંચવામાં આવે છે.
અમારે ‘પેટ્રોનસ’ની અંદર જવાનું નો’તું. રસ્તા પરથી મનમોહક દેખાતા બંને બિલ્ડીંગો એ વાતનો પુરાવો છે કે માણસ ધારે તો કંઈ પણ કરી શકે છે! અમને ત્યાં પંદર મીનીટનો ફોટો સ્ટોપ આપવામાં આવ્યો. ઠેઠ ઉપર જોઈએ તો પે’રેલી ટોપી હેઠે પડી જાય એટલું ઊંચું એ હતું. એક જ ફોટામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ટોપ ફ્લોર સુધીનું આખું બિલ્ડીંગ સમાવી લેવાનું કામ મને અઘરું લાગ્યું. ઘણા બધા ફોટા પાડ્યા ત્યારે એ શક્ય બન્યું. માણસની કારીગરી પર ક્યારેક કુદરત પણ આફરીન થતી હશે!
“હવે આપણે ચોકલેટ ફેક્ટરીમાં જવાનું છે. ત્યાં સૌને અલગ અલગ જાતની ચોકલેટ ચખાડવામાં આવશે. તમારે ખરીદી કરવી હોય તો કરી શકો છો, ફરજીયાત નથી. પણ મારી અંગત સલાહ છે કે બહુ વધારે ચોકલેટની ખરીદી કરશો નહીં, અહીં તમને તે મોંઘી પડશે.”, જ્હોન અંકલે કહ્યું. ગ્રુપમાં રહેલા બાળકો અને મોટા ખુશ થઇ ગયા, મફતમાં ચોકલેટ ખાવા મળવાની હતી! વાસ્તવમાં તે કોઈ મોટી ફેક્ટરી ન હતી. શહેરની વચ્ચે આવેલી ખુબ મોંઘી જમીન પર ફેક્ટરી બનાવવી એ તો ખુબ ખર્ચાળ બને. અંદર દાખલ થતા પહેલા દરેકના ખભા પર એક નાનું ગોળ સ્ટીકર મારવામાં આવ્યું, એ જ દરેકનો એન્ટ્રી પાસ હતો. ઝાડ પર લટકતા કોકોનું મોડલ ત્યાં અંદર હતું. મલેશિયામાં કોકોની ખેતી મોટા પ્રમાણમાં થતી હોવાથી ચોકલેટ બનાવવાનો બીઝનેસ ફાલ્યો ફૂલ્યો છે. પ્યોર કોકોના ઉપયોગથી લઈને તેમાંથી તેલ કાઢી લઈને કરાતા અલગ અલગ ઉપયોગની વિસ્તૃત સમજણ ત્યાં રહેલી તમિલ યુવતીએ અમને આપી. કોકો ઓગાળીને બનાવેલા સાન્તા ક્લોઝ, શુઝ, ડ્રેગન, ઘોડો, સસલું અને બીજું ઘણું બધું ત્યાં જોવા મળ્યું. આ બધું એક કાચની પેટીમાં હતું, જે ઘણા વરસો પહેલા બનાવવામાં આવ્યું હશે… કોઈપણ જાતની ઠંડક આપ્યા વગર રૂમ ટેમ્પરેચરે જ રાખવામાં આવેલા તે ઓગળતા નથી! “અહીં બનાવેલી ચોકલેટને ફ્રીઝમાં મુકવાની જરૂર નથી. ખુલ્લામાં રહેવા છતાં તે ઓગળશે નહીં, પણ તેને મોઢામાં મુકશો કે તે ઓગળવા માંડશે.” એમ કહીને તે તમિલ યુવતી ચોકલેટના એક પેકેટને એક ટેબલ પર જોરજોરથી પછાડવા લાગી. ચોકલેટ ભાંગ્યા કે તૂટ્યા વગર એવી ને એવી જ રહી. “આ અનબ્રેકેબલ ચોકલેટ છે, જે ગમે તેમ પછાડવા છતાં તૂટતી નથી, પણ મોઢામાં મુકતા તરત ઓગળી જાય છે.”, અમને માહિતી આપવામાં આવી.
“આને તો માથામાં પછાડો તો લોહી કાઢે! આને મોઢામાં નંખાય? દાંત ભાંગવા છે કે શું?”, અમારા ગ્રુપમાં રહેલા એક કાઠીયાવાડી ભાઈ બોલ્યા.
ત્યારબાદ અમને ત્યાં બનતી ચોકલેટની વેરાયટીઓ અને ભાવ વિશે જણાવવામાં આવ્યુ. આલમંડ, મેંગો, પપૈયા, હોટ કરી, ફ્રૂટી સેન્સેશન અને બીજી પણ અનેક વેરાયટીઓ વચ્ચે સૌથી વધારે આશ્ચર્ય પમાડે એવુ નામ હતું, ‘હનીમુન ચોકલેટ’!
“હવે શું? મોડું થઇ ગ્યું!!!”, એક ભાઈ ટીખળ કરતા બોલ્યા.
બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ હવે થવાનું હતું. બધાને ફ્રીમાં ચોકલેટ ચખાડવાના હતા. પણ…. “સૌની ભ્રાંતિ ભાંગી ભગવાન રે! શામળા ગિરધારી!”, બધાને પીંચી(નાનામાં નાની લખોટી) જેવડી ચોકલેટ આપવામાં આવી. લગભગ ચારેક ફ્લેવરના એક એક પીસ ચખાડવામાં આવ્યા.
“તમે ઘરે બનાવો છો, એટલી સરસ નથી.”, મેં મમ્મીને કહ્યું.
“હા! આ વેપાર કરવા બનાવે છે, ને તમારા મમ્મી તમને ખવડાવવા બનાવે છે… પ્રેમની મીઠાસ આગળ કોઈ ક્યાંથી આવે?”, ગ્રુપમાં રહેલા એક આંટીએ મારા વાક્યનો જવાબ આપ્યો.
થોડીવાર પછી અમે ફેક્ટરીની બહાર આવેલા બાંકડાઓ પર બેસીને ગપ્પા મારવા લાગ્યા. અમુક લોકો અંદર ખરીદી કરી રહ્યા હતા, તેમની રાહ જોવાની હતી. તેઓ બહાર આવતા અમે હોટેલ તરફ રવાના થયા.
હજુ તો સાડા ત્રણ જ વાગ્યા હતા, ડીનર તો સાંજે સાડા સાતે હતું. ત્યાં સુધી તો રૂમમાં બેસી રહેવાનો કંટાળો જ આવે. આથી બધાએ શોપીંગ કરવા જવાનું નક્કી કર્યું. લગભગ ચારેક વાગે, ગ્રુપના અડધા લોકો ભેગા થઈને નજીકમાં આવેલા ‘ટાઇમ સ્ક્વેર મોલ’માં ઉપડ્યા. ચાલીને પહોંચતા પાંચેક મિનીટ થાય એટલો નજીક જ તે હતો. અમે ગલીમાં થઈને ચાલ્યા… રસ્તામાં નોનવેજ રંધાવાની ભયંકર વાસ આવી રહી હતી, અમને ખુલ્લી ગટરો પણ જોવા મળી. લોફર જેવા દેખાતા સિગારેટ ફૂંકતા કેટલાક યુવાનો અમને ઘૂરી-ઘુરીને જોઈ રહ્યા હતા. કદાચ આ એ મલેશીયા હતું, જે કોઈ ટુરિસ્ટને બતાવવામાં આવતું નથી….
દર મહીને લગભગ પચ્ચીસ લાખ લોકો, અડતાલીસ માળ ઉંચા ‘ટાઇમ સ્ક્વેર મોલ’ની મુલાકાત લે છે. તેમાં આવેલી ૧૦૦૦થી પણ વધુ દુકાનોમાં લગભગ દરેક વસ્તુ ખરીદી શકાય છે. ખાવાનું, શો-પીસ, ઘડિયાળ, બ્યુટી પ્રોડક્ટ્સ, દવાઓ, ગોગલ્સ, ઈલેક્ટ્રોનિક ઈક્વીપમેન્ટસ, સ્વેટર, ફૂટવેર, કપડાને એવું બીજું અનેક…. આ મોલમાં આઈ-મેક્સ થીયેટર અને ઇન્ડોર અમ્યુઝ્મેન્ટ થીમપાર્ક પણ આવેલા છે. આટલા મોટા મોલમાં ફરી ફરીને બધાના ટાંગા, ખાંગા થઇ ગયા. થાકીને સાતેક વાગ્યે અમે પાછા ફર્યા. પાછા ફરતી વખતે અમે થોડા લાંબા પણ સારા રસ્તે ચાલવાનું પસંદ કર્યું. અમારા ગ્રુપમાં મહિલાઓ, બાળકો અને વડીલો પણ હતા. આઠ-દસ મીનીટમાં જ અમે હોટલ પર પહોંચી ગયા.
સાડા સાત વાગ્યે જ્હોન અંકલ આવી પહોંચ્યા. ‘ચાલો…’,તેમણે મારી સામે જોઇને કહ્યું.
‘હજુ બે ફેમીલી આવ્યા નથી.’, મેં કહ્યું.
રાહ જોતા જોતા આઠ વાગ્યા, હજુ પણ તેઓ આવ્યા નહીં. ‘એ મૂરખ લોકોને અહીં જ છોડીને આપણે નીકળી જવું જોઈએ! તેમને આવવું હશે તો પોતાની રીતે આવશે, નોનસેન્સ… ’, જ્હોન અંકલ ખુબ જ ગુસ્સે થઇ ગયા. છેવટે અમને મેસેજ મળ્યો કે અમારે તેમની રાહ જોયા વગર જ નીકળી જવું, કેમ કે તેઓ પોતે જ જમવા આવવા નથી ઈચ્છતા. આજે અમને જે રેસ્ટોરન્ટમાં લઇ જવામાં આવ્યા, તેની આજુબાજુમાં ઘણા ભારતીયો વસતા હશે, એવું અમને લાગ્યું. અમે ફૂટતા ફટાકડા જોયા. આજે દિવાળી હતી. અમારા ગૃપમાંના કેટલાક બાળકો તેના પપ્પાને કહી રહ્યા હતા, ‘પપ્પા મારે પણ ફટાકડા ફોડવા છે.’

૩૧ ઓક્ટોબર : સન વે લગુન, એક બેસ્ટ વોટર થીમ પાર્ક…
આજે સવારે નવ વાગ્યે હોટલ ચેક આઉટ કરી દેવાનું હતું. અમે બ્રેકફાસ્ટ પતાવીને પોણા નવે રીસેપ્શન પર પહોંચી ગયા. એસ યુઝવલ બધાને આવતા પોણા દસ થઇ ગયા. ‘નોટ બેડ… કાલ કરતા આજે અડધી કલાક વહેલા છીએ.’, બેસતા વર્ષે જ્હોન અંકલે ગુસ્સે થવાનું ટાળ્યું. અમે બધાએ એકબીજાને નવા વરસના અભિનંદન પાઠવ્યા. આજનો આખો દિવસ ‘સનવે લગુન થીમપાર્ક’માં મજા કરવાની હતી.
થીમપાર્કની આગળ જ આવેલી હોટેલ ‘સનવે કલીઓ’ના લગેજ રૂમમાં અમારો સામાન મુકી દેવામાં આવ્યો. હોટલ ચેક ઇન બપોરે ત્રણ વાગ્યા પહેલા શક્ય નો’તું. અમે થીમ પાર્કમાં પ્રવેશ્યા. આમ તો અહીં વધારે પડતી રાઇડ્સ પાણીની જ હોવાથી, પહેલા બધી જ ડ્રાય રાઇડ્સમાં બેસી લેવું અને બાદમાં લંચ કરીને એક લોકર રાખી તેમાં બધો સામાન મુકીને વોટર રાઇડ્સની મજા કરવી, એવું નક્કી થયું.
સૌથી પહેલા અમે ‘સ્ક્રીમ પાર્ક’માં ગયા. કોઈ ભૂતિયા મહેલમાં આવી ગયા હોઈએ એવું બિહામણું તે હતું. દસ-દસના કે એવા નાના ગ્રુપમાં જ લોકોને અંદર મોકલવામાં આવતા, જેથી વધારે ડર લાગે. એક પછી એક રૂમમાં દાખલ થવાનું હતું… અચાનક જ ભૂત-પિશાચ-રાક્ષસ કે વેમ્પાયર જેવો મેકઅપ કરેલા લોકો ગમે ત્યાંથી ટપકી પડે ને આપણને ડરાવી દે… કોઈ રૂમમાં લાઈટ અચાનક જ ચાલુ બંધ થવા લાગે, કોઈ રૂમમાં પીંજરું હોય જેમાં માનવભક્ષી વેમ્પાયરને કેદ કરેલો હોય અને તે આપણી સામે જોઇને ઘૂરકિયા કરે, કોઈ રૂમ ખાલી હોય પણ અચાનક ક્યાંક ખૂણા ખાંચામાંથી કોઈ દોડી આવે… લોકોને ડરાવવા માટેની આવી કંઈ કેટલીય ક્રીએટીવીટી ત્યાં જોવા મળી.
ત્યાં સામે જ ચિલ્ડ્રન પાર્ક આવેલું છે. તેમાં બાળકો માટે ચકડોળ અને ટોરાટોરા જેવી નવ-દસ રાઇડ્સ આવેલી છે. મોટા પણ આનંદ માણી શકે એવી ફાસ્ટ રોલર કોસ્ટર, ખુબ ઉંચે જતા હિંચકા જેવી પાયરેટસ રીવેન્જ અને બેસેલાને ઉંચાઈએ લઇ જઈને ઉંધા કરી દેતી ‘ટોમહોક’ નામની રાઇડ પણ હતી. જો કે આવી રાઇડ્સ તો ગાંધીનગરના અક્ષરધામ કે અમદાવાદના કાંકરીયામાં પણ આવેલી જ છે. ‘ગ્રાન્ડ કેન્યોન રીવર રેપીડ્સ’માં આર્ટીફીસીયલ પાણીના વહેણમાં તણાતી ગોળ હોડીમાં બેસીને વહેણમાં તણાતા હોય એવો અનુભવ કરી શકાય છે. બાળકોને ડર સાથે રોમાંચ અનુભવવો હોય તો ‘ધ મમી’ થ્રી ડીમાં જવું પડે. ખાસ બાળકો માટે જ બનાવવામાં આવેલા આ પાર્કમાં, કોઈ પણ ઉંમરની વ્યક્તિને મજા આવે એવી ત્રણેક રાઇડ છે. હા, ઉંચાઈએ આવેલા સસ્પેન્શન બ્રીજ પરથી ચાલતા ચાલતા સનવે લગુનના એક છેડેથી બીજા છેડે જઈએ તો જોવા મળતો નજારો આનંદદાયક બની શકે.
બપોરના સાડા બાર વાગી ચુક્યા હતા. અમે અંદર આવેલી ‘સાગર રેસ્ટોરન્ટ’માં છોલે-પૂરી, સમોસા, દહીં અને છાસનું ભોજન જમ્યા. જમવાનું ઠીક હતું, પણ ભારતથી આટલે દુર, ગુજરાતી ખાણું મળે એ જ આનંદની વાત હતી.
અમ્યુઝ્મેન્ટ પાર્કની બાજુમાં આવેલા ‘વાઈલ્ડલાઈફ પાર્ક’માં ભાલું, વાઘ, પક્ષીઓ, સાપ, કાચબા, શાહુડી, જંગલી ઘો અને બીજા ૧૪૦ જાતના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. તેમાં ખાસ આકર્ષણ પમાડે એવા સફેદ સિંહ, કાળા દીપડા અને દેખાવે વાંદરા જેવા પણ કદમાં આંગળી જેવડા ‘પિગ્મી માર્મોસેટ’ હતા. પ્રાણીઓને રહેવાની જગ્યા ખુબ જ વિશાળ અને સ્વચ્છ હતી. આગળ જાળી કે પાંજરાને બદલે રાખવામાં આવેલા મોટા પારદર્શક કાચ કોઈ પણ જાતના ડાઘ કે જામેલી ધૂળ વગરના એકદમ સાફ હતા. હા! તરતી માછલીઓ વાળા ‘કુઈ પોન્ડ’નું પાણી ડહોળું હતું. અમુક અહિંસક પ્રાણીઓને ખુલ્લા ડોમમાં રાખવામાં આવે છે, જેમને ઇન્સ્ટ્રકટરની સલાહ પ્રમાણે અડી કે ખવડાવી પણ શકાય છે. દરેક જગ્યાએ રાખવામાં આવેલા બાંકડા પર બેસીને જે તે પ્રાણીઓને આરામથી જોઈ શકાય છે. આ નાના માનવસર્જિત જંગલમાં ચાર પૈડા વાળું બાઈક ચલાવતા-ચલાવતા પણ વિહાર કરી શકાય. ‘જંગલ ટ્રેઈલ’ નામના આ આકર્ષણ માટે બાઈક ત્યાંથી જ આપવામાં આવે છે.
‘વાઈલ્ડલાઈફ પાર્ક’ પછી ‘નીકલોડીયન લોસ્ટ લગુન’ આવી જાય, જે ખાસ બાળકો માટે જ બનાવવામાં આવ્યુ છે. તેમાં આવેલી બંધ, ખુલ્લી, ટૂંકી, લાંબી, સીધી, સાપ જેવા વળાંક વાળી, ઘણી બધી લપસણી રાઇડ્સમાં બાળકો સાથે મોટાઓ પણ રોમાંચ અનુભવી શકે છે. અહીં પણ એક રોલર કોસ્ટર આવેલું છે. બે જગ્યાએ ઉંચાઈ પર મુકવામાં આવેલા મોટા મોટા જગ પાણીથી ભરાઈ જાય એટલે ઓટોમેટીક ઉંધા થઈને ખાલી થઈ જતા જોવા મળ્યા. આમ થતું ત્યારે નીચે ઊભીને નાહી રહેલા લોકો જબરજસ્ત ચીસો પાડતા! જો તમારે અલગ જ ટાઇપનો ફોટો પાડવો હોય તો, અહીં આવેલા બનાવટી પણ ખુબ મોટા હિપ્પોના ખુલ્લા મોઢામાં બેસીને સેલ્ફી લઇ શકાય. નાહવું ના હોય તો પણ આખા ‘નીકલોડીયન’માં ફરવા જેવું તો ખરું જ… રાક્ષસ જેવા વાંદરાના ખુલ્લા મોઢામાંથી નીકળતું વહેણ, રસ્તાની બે બાજુએ ઉભેલા કૃત્રિમ હાથીઓ, સૂતેલો સોનેરી વાંદરો, પગથીયા પર એક બાજુએ બેસાડેલા કાર્ટુન જેવા પ્રાણીઓ, પાણીના ઠલવાતા જગ અને આવી ઘણી રચનાઓ જોવા જેવી છે. બાર વરસ સુધીના બાળકોને તો જામો જ પડી જાય. જો કે મનથી બાળક જેવા બની શકતા હોય એવા મોટાઓ આ બધી રાઇડ્સમાં અનલીમીટેડ ફન કરતા જોવા મળ્યા.
‘નીકલોડીયન લોસ્ટ લગુન’ પછી આવેલું ‘એક્સ્ટ્રીમ પાર્ક’, એડવેન્ચરસ લોકો માટે મુખ્ય જગ્યા ગણી શકાય. અહીં આવેલા ‘બંજી જમ્પ’માં ૨૨ મીટર ઉંચાઈએ થી પડતું મુકવાનું સાહસ કરી શકાય છે. પડતું મુકનારનો લાંબો કરેલો હાથ જમીનને અડકી જાય એટલી જ લંબાઈની દોરી કુદકો મરનારના પગમાં બાંધવામાં આવે છે. આર્ચરી અને પેઈન્ટ બોલમાં કેટલાક લોકો ટાર્ગેટ શુટિંગની મજા માણી રહ્યા હતા. અઢારેક વર્ષની આજુબાજુની ઉંમરનું એક છોકરા છોકરીઓનું ગ્રુપ ત્યાં બીચ વોલીબોલ રમતું જોવા મળ્યું. ‘ફ્લાઈંગ ફોકસ’ નામના આકર્ષણમાં લોકો ‘રોપ ગ્લાઈડીંગ’નો રોમાંચ પણ માણી રહ્યા હતા. મેં અને મમ્મીએ ત્યાં પેડલ બોટિંગ કર્યું. આજુબાજુ તરી રહેલા બતક, બે બાજુએ આવેલા ઉંચા ખડકો અને અન્ય બાજુએ રહેલા ઘટાદાર ઝાડવાઓથી એવો અનુભવ થયો કે જાણે કોઈ જંગલમાં આવેલા તળાવમાં બોટિંગ કરી રહ્યા હોય! જો આપણે હલેસા વાળી બોટ ચલાવવા ઈચ્છતા હોય તો તેની પણ ત્યાં વ્યવસ્થા છે. વાંકાચૂંકા ટ્રેક પર રેસિંગ કાર જેવી કાર ડ્રાઈવ કરવાની મજા કરવી હોય તો ‘ગો કાર્ટ’માં જઈ શકાય. અને હા, જેને ફોર્મ્યુલાવન રેસમાં વપરાતી કારની ઝડપથી હવામાં ઉડતા ડર ન લાગતો હોય તેના માટે ‘જી-ફોર્સ એક્ષ’ એકદમ પ્રોપર રાઇડ છે. ‘એક્સ્ટ્રીમ પાર્ક’ની અમુક રાઇડ્સ પેઈડ હતી, તેમ છતાં તેની મજા માણવા લોકોની લાઈનો લાગી હતી.
આટલું બધું ફરીને થાકેલા હું, મમ્મીને પપ્પા આરામ માટે બનાવવામાં આવેલા ડોમની નીચે બેઠા. હું ત્રણ આઈસ્ક્રીમ અને એક પાણીની બોટલ લઇ આવ્યો. તેની ઉજાણી કરી લીધા બાદ, હું સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેરીને ‘વોલ્કેનો’ નામની જગ્યામાં ગયો. મમ્મી-પપ્પા ત્યાં જ આરામ કરતા બેસી રહ્યા. જાણે સુનામી આવતું હોય એટલા ઊંચા પાણીના મોજા થોડી થોડી વારે આવી રહ્યા હતા. ‘સનવે લગુન’નો એક માણસ કોઈને પણ એક લીમીટથી આગળ જવા દેતો નો’તો. ઊંચું ઉઠેલું મોજું બધાને તાણી જતું, લોકો આનંદમાં કીકીયારીઓ અને ચીસો પાડી ઉઠતા. થોડીવાર પછી હું બહાર નીકળ્યો. જેવો હું કિનારે પહોંચ્યો કે ત્રણ યુવક અને યુવતીએ એક ગીત પર ડાન્સ કરવાની શરૂઆત કરી. લગભગ પંદરેક મિનીટ ચાલેલા આ લાઇવ પરફોર્મન્સને જોવા લોકો જમા થઇ ગયા, જે પૂરું થતા તાળીઓનો ગડગડાટ સાંભળવા મળ્યો.
દિવાળીની રજાઓમાં ગુજરાતથી ફરવા આવેલા લોકોની સંખ્યા એટલી મોટી હતી કે જ્યાં ને ત્યાં ગુજરાતીઓ જ દેખાઈ રહ્યા હતા. નાહવા પડેલા મોટા ભાગના લોકો પણ ગુજરાતીમાં જ વાતો કરતા હતા… અમે મલેશિયાના નહીં, પણ ગુજરાતના જ કોઈ થીમપાર્કમાં હોય, એવું લાગી રહ્યું હતું!!!
બાકી રહેલા વોટર પાર્કમાં એ બધી જ રાઇડ્સ હતી જે ‘નીક્લોડીયન’માં હતી, પણ વધારે ડેન્જરસ…. પાણીના ઉછળતા મોજા એટલે કે ‘વેવ પુલ’, સુનામી એટલે કે ‘વોલ્કેનો’, પાણીના ધોધ, પાણી ભરાય એટલે ઊંધું થતું બકેટ અને નાચવાના શોખીન લોકો માટે ‘વોટર ડિસ્કો’… સૌથી ખાસ, અહીંયા દુનિયાનું સૌ પ્રથમ બનેલું ફાઈવ-ડી-વોટરપ્લેક્ષ આવેલું છે. તેમાં થીયેટરમાં એક વિડીયો બતાવવામાં આવે છે, જેમાં આપણે એક રાઇડમા લપસી રહ્યા હોય એવો અનુભવ થાય છે, ધીમે ધીમે આપણે દરિયામાં, કોઈ ભયાનક ટનલમાં અને અલગ અલગ જગ્યાએ પહોંચી જઈએ છીએ. ખુબ મોટા અજગરે આપણને પકડવા કરેલા પીછાથી લઇને દરિયામાં જોવા મળતી જલપરી સુધીનું કેટલુય આપણને ભય અને આનંદ પમાડે છે. આ દરમિયાન પાણીના મોજાથી આવતા રોદા, ઢાળમાં ઉતરાણ થાય ત્યારે ઉડતું પાણી અને કેટ-કેટલુય આપણને રોમાંચિત કરી મુકે છે. આપણે સ્ક્રીનની સામે નહીં પણ સ્ક્રીનની અંદર હોય એવું અનુભવ્યા વગર રહી શકતા નથી. મમ્મી-પપ્પાને તે જોઈ આવવા મેં આગ્રહ કર્યો. પપ્પા ના-ના કરતા’તા, પણ મેં ધરાર મોકલ્યા…. કમને અંદર ગયેલા તેઓ બહાર આવ્યા ત્યારે ખીલખીલાટ હસી રહ્યા હતા. આ સિવાય ‘ફ્લોરાઇડર’ કરીને આવેલી રાઇડ પણ ચુકવા જેવી નથી. એમાં વોટર-સ્કેટ્સ પર ઉભા રહીને ઢાળમાં ખુબ જ ફોર્સથી રીવર્સ આવતા પાણીમાં ઉભું રહેવાનું હોય છે. ઢાળ હોવા છતાં ઉપર ખેંચાઈએ એટલો બધો રીવર્સ ફ્લો હોય છે. જો કે સનવે લગુનની સૌથી સારામાં સારી રાઇડ ‘વુવુઝેલા’ છે, જે છે તો એક જાતની લપસણી જ, પણ ખુબ જ મોટી અને અદભુત….!!!!
સાંજે છએક વાગ્યે થાકીને લોથપોથ થયેલા અમે હોટલ પર પાછા ફર્યા. ત્યાં રીસેપ્શન પર બેસી રહેલા ગ્રુપના બીજા સભ્યો સાથે ‘કેટલી મજા આવી’ તેની વાતોએ વળગ્યા. અડધી કલાક પછી લગેજ રૂમમાંથી પોત-પોતાનો લગેજ અલગ કરી દઈ, બેલબોયને જે તે સામાન, જે તે રૂમમાં પહોંચાડી દેવાની સૂચનાઓ આપીને બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. અમારા દસ દિવસના સ્ટે દરમિયાન આ હોટલ અને તેના રૂમની કંડીશન નંબર વન પોઝીશન પર રહી. થોડીવારમાં સામાન રૂમ પર પહોંચી ગયો. આરામ કરીને સાડા સાતે બધા નીચે આવી ગયા. આખો દિવસ રખડ્યા અને નાહ્યા હોવાથી બધા ખુબ જ ભૂખ્યા થયા હતા.
એકાદ બે આઈટમને બાદ કરતા બધે મેનુ એક જ સરખું રહેતું… રવા હલવો, રાયતું, કાકડી-ટમેટાનું સલાડ, નાન, રીંગણ-બટેટાનું શાક, તળેલા પાપડ, દાલ ફ્રાય અને જીરા રાઈસ… જો કે આજે તો પાણા પણ પચી જવાના હતા!!!! અમારા ગ્રુપમાંના કેટલાક પીવાના શોખીન હતા, તેઓ તેમના શોખને જરાય પણ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખતા!!! એમાંના એકે તો મને કહેલું, “બહુ ભગત બનવામાં મજા નથી. બધી મજા કરી લેવાની, પછી પાછળથી અફસોસ ના થાય કે મેં આ નો’તું કર્યું…” જો કે આ વાતને મેં કંઈક આ રીતે સાંભળેલી, “બહુ રંગીન બનવામાં મજા નથી. બધી મજા કરવા જતા, પાછળથી ક્યાંક પસ્તાવું ના પડે કે મારાથી આ બહુ મોટી ભૂલ થઇ ગઈ’તી…” શું સાંભળવું, ને શું સમજવું એ તો આપણી ઉપર છે ને?
“કાલે સવારે નવ વાગ્યે આપણે હોટલ ચેકઆઉટ કરીને નીકળી જઈશું.”, પરિમલભાઈએ કહ્યું.
“અરે યાર! પાછો સામાન પેક કરવાનો? દરરોજ એક જ હોટલમાં રાખતા હોય તો શું વાંધો આવે?”, અમુક લોકો અકળાઈ ગયા.
આમ તો હું પણ એવું જ વિચારતો હતો! પણ, પાછળથી પરિમલભાઈએ કરેલા ખુલાસાઓથી મને સમજાયું કે બધું બરાબર છે. સનવે લગુનની રાઇડ્સ ન માણવા માંગતા વડીલો કંટાળે તો ત્રણ વાગ્યા પછી પોતાની મેળે જ હોટેલમાં આવીને આરામ કરી શકે, એ કારણથી હોટલ ‘કલીઓ’માં થયેલું ટ્રાન્સફર એકદમ વ્યાજબી હતું. જો એમ કરવામાં ન આવે તો આવા સંજોગોમાં કંટાળવા છતાં માણસને બસની રાહ જોતા સાંજ સુધી બેસી રહેવું પડે અથવા પોતાના ખર્ચે ‘ફ્યુરામા’ પહોંચવું પડે!

૧ નવેમ્બર : ગેન્ટીંગ હાઈલેન્ડ, જુગારના શોખીન લોકોનું સ્વર્ગ…
ઇન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે, સાડા નવે જ બધા ભેગા થયા. અમારે ‘બટુ કેવ્ઝ’ જવાનું હતું. ‘બટુ’ એટલે ‘પથ્થર’ અને ‘કેવ્ઝ’ એટલે ‘ગુફા’. પથ્થર કોતરીને બનાવેલી ગુફા એટલે બટુ કેવ્ઝ. ‘ભગવાન કાર્તિકેય’ની દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ અને તેમનું મંદિર ત્યાં આવેલા છે. ૧૪૦ ફુટ ઉંચી આ મૂર્તિનું નિર્માણ કરતા ત્રણ વરસ લાગેલા. ૨૭૨ પગથીયા ચડીને ઉપર જતા મુળ મંદિર આવે. ઘણાબધા સાઉથ ઇન્ડિયન લોકોને રેતી ભરેલી નાની બાલ્ટી લઈને ઉપર ચડતા મેં જોયા. કોઈની શ્રદ્ધાને પોતાની બુદ્ધિથી ક્યારેય સમજી શકાતી નથી. વરસમાં કોઈ એક ખાસ દિવસે અહીં ખુબ મોટો મેળો ભરાય છે, ત્યારે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. એનું મહત્વ એટલું બધું છે કે એ બે દિવસો દરમિયાન આખા મલેશિયામાં જાહેર રજા હોય છે. અમારામાંના ઘણા લોકો પગથીયા ચડીને ઉપર આવવા તૈયાર જ ન થયા. “ધ્યાન રાખજો… રસ્તામાં બેઠેલા વાંદરાઓ તમારા હાથમાંથી ઝાપટ મારીને વસ્તુ ઝુંટવી ના લે…આપણે સાડા અગિયારે આ જગ્યા છોડી દઈશું.”, જ્હોન અંકલે ઉપર જવા તૈયાર થયેલા લોકોને ચેતવ્યા. વાતાવરણ આહ્લાદક હતું. બરફની જામી ગયેલી શીલાઓ જેવા પથ્થરો, વચ્ચે વચ્ચે જોવા મળતા વાંદરાઓ, શ્રદ્ધાથી ઉપર ચડી રહેલા સાઉથ ઇન્ડિયન લોકો, મજા કરવા આવેલા અમારા જેવા ટુરિસ્ટ અને આનંદમાં દેખાતા ક્યુટ બાળકોએ સૌને ખુશ કરી દીધા. વચ્ચે વચ્ચે ઉભા રહીને અમે ફોટાઓ પણ પાડ્યા. મુખ્ય મંદિરમાં અભિષેક ચાલી રહ્યો હતો. ત્યાંથી પણ ઉપર લઇ જતી સીડીઓ હતી. અમારામાંના મોટા ભાગના લોકો ત્યાં જ રોકાઈ ગયા. અમે ચારેક જણા છેક ઉપર સુધી ગયા. ત્યાં પણ એક મંદિર હતું. ત્યાં પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો હતો. આખી ગુફા જ અદભુત ફોટોજેનીક પ્લેસ હતી. મુખ્ય મંદિર અને અહીં બંને જગ્યાએ આજુ-બાજુમાં ઘોડા, રાજા, સૈનિકો કે અમુક જાતના ઉભા કરેલા પુતળાઓ જોવા મળ્યા. તે થોડા જર્જરિત અને ઠીક-ઠાક હતા.
‘ક્યાંથી આવો છો?’, પ્રસાદ વહેંચી રહેલા સેવાર્થીએ પૂછ્યું.
‘ગુજરાત, ભારત…’, મેં કહ્યું.
તે પ્રેમાળ માણસે અમને પ્રસાદ આપ્યો. અમારી ના કહેવા છતાં આગ્રહ કરીને પ્રેમથી તેમણે બે ડીશ ભરી આપી. પ્રસાદીમાં એક મીઠાઈ, બાફેલા ચણા, ભાત, દાળ અને બીજી ચારેક વસ્તુઓ હતી. અમે તે નીચે મુખ્ય મંદિરમાં બેઠેલા અમારા ગ્રુપના સભ્યો સુધી લઇ ગયા. પ્રસાદીની દરેક આઈટમ ખુબ જ સ્વાદિષ્ટ હતી. મને જુનાગઢના ગીરનારની યાદ આવી ગઈ. જગ્યા તો તે અહીં કરતા પણ વધારે સુંદર છે, ફરક છે ખાલી બાવાઓનો! ધરમનો ધંધો કરીને રળી ખાતા કેટલાક ઠગને કારણે એક અદભુત જગ્યા, અદભુત પ્રવાસન સ્થળ બની શકતી નથી.
હવે અમે નીચે ઉતરવાની શરૂઆત કરી. ઉપરથી દેખાઈ રહેલો નજારો ખુબ જ રળિયામણો હતો. વચ્ચે-વચ્ચે નાની લારીઓ અને દુકાનોમાં બેસીને શો-પીસ, કિચન કે બીજું-ત્રીજું વેચતા વેપારીઓ જોવા મળ્યા. નીચે આવ્યા બાદ અમને પરિમલભાઈએ ‘રાણી’ નામની ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ચા પીવડાવી. અમે બધાએ ઘણા દિવસો પછી ભારતીય ચા પીધી. કેટલાક લોકોએ ઢોંસા અને ઉત્તપમની જયાફત પણ ઉડાવી. બે-ચાર જણા બહાર વેચાતા નારિયેળપાણી અને મલાઈ(નાળીયેરની મલાઈ) ખાવા ઉભા રહ્યા.
બાર વાગ્યે બસનો સેલ વાગ્યો. “આપણું બપોરનું જમવાનું ‘ગેન્ટીંગ હાઈલેન્ડ’ પર છે. બપોરે બે વાગ્યે લંચ બંધ થઇ જાય છે. જો આપણને પહોંચવામાં મોડું થાય તો તમે લોકો મને બ્લેમ ના કરતા, કારણકે દરેક જગ્યાએ તમે જ મોડું કર્યું છે. કદાચ તમારે લોકોએ બપોરે ભૂખ્યા પણ રહેવું પડશે…”, જ્હોન અંકલની વાત સાવ ખોટી નો’તી. બેતાલીસ કિલોમીટર દુર આવેલા ‘ગેન્ટીંગ હાઈલેન્ડ’ પર પહોંચતા પહેલા અમારે ‘વોચ ફેક્ટરી’ની મુલાકાત પણ લેવાની હતી.
દસેક મીનીટ બાદ અમે ‘વોચ ફેક્ટરી’ પહોંચી ગયા. ‘પંદર મીનીટમાં પાછા આવી જજો.’, જ્હોન અંકલે યાદ દેવડાવ્યું. વાસ્તવમાં તો તે કાંડા-ઘડિયાળનો એક ખુબ જ મોટો શો-રૂમ છે. ૧૦૦ રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની ઘડિયાળ ત્યાં મળે છે. અલગ અલગ મોડેલ અને રેન્જની ઢગલાબંધ ઘડિયાળો અમે જોઈ. જો કે અમારી સાથે રહેલા બે ત્રણ લોકો સિવાય કોઈએ ખરીદી કરી નહીં. વીસ મિનીટ પછી પણ બધા બહાર ન આવતા, પરિમલભાઈ અંદર જઈ એક એકને હાથ પકડીને બહાર લઇ આવ્યા. બાર ને ચાલીસે બસ ઉપડી. બપોરે સૌએ ભૂખ્યા રહેવું પડશે એવી શંકા ફરીથી વ્યક્ત કરવામાં આવી.
આજથી પિસ્તાલીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલુ ‘ગેન્ટીંગ હાઈલેન્ડ’ દરિયાની સપાટીથી ૬૧૧૮ ફૂટની ઉંચાઈએ હોવાથી ફર્સ્ટ વર્લ્ડ હોટલમાં ૬૧૧૮ રૂમ બનાવવામાં આવ્યા હતા. જો કે હમણાં રીનોવેશન કરીને તે વધારીને ૭૩૫૧ કરી દેવામાં આવ્યા છે. આટલા બધા રૂમ હોવા છતાં અહીં ક્યારેય પણ એકપણ રૂમ ખાલી હોતો નથી. જ્હોન અંકલના કહેવા પ્રમાણે એક ચીની માણસ તેના કાકાને ત્યાં મજુરી કરવા મલેશીયામાં આવેલો. તેનું સપનું હતું કે શહેરથી દુર ઉંચાઈ પર એક રિસોર્ટ બનાવવો. પોતાની અથાગ મહેનત અને બળિયા નસીબના જોરે તે વ્યક્તિનું સપનું સાકાર થયું. જુગાર રમવાના શોખીન લોકો માટે જ આ જગ્યા ખાસ ડેવલપ કરવામાં આવી હોવાથી અહીં ચોવીસ કલાક ખુલ્લા રહેતા ઘણા બધા ‘કસીનો’ આવેલા છે. જો કે મલેશીયામાં મુખ્ય વસ્તી મુસ્લિમ છે, અને ઇસ્લામમાં જુગાર રમવુ પરહેજ છે… માટે આવી પરમીશન આપવા સરકારે બે શરતો રાખેલી. એક તો કોઈપણ મુસ્લિમ મલેશિયનને તેમાં એન્ટ્રી ન આપવી. બીજું એ કે ‘કસીનો’માં આવનાર વ્યક્તિ પાસેથી બસ્સો રીન્ગીટ ડીપોઝીટ પેટે લેવા. આમ કરવાનું મુખ્ય કારણ એ હતું કે કસીનોમાં જુગાર રમવા આવેલો વ્યક્તિ અગર પોતાની પાસેના બધા જ રીન્ગીટ હારી જાય તો પણ ડિપોઝીટના પૈસાથી પોતાના ઘરે પરત ફરી શકે! જો કે અત્યારે આ શરતો કાઢી નાખવામાં આવી છે.
“આપણે કેબલ કારમાં ઉપર જવાનું હતું. પણ, અત્યારે બે કલાક ઉભા રહેવું પડે એટલી મોટી લાઈન છે. બસ દ્વારા ઉપર જઈશું તો જ તમારો લંચ સ્કીપ નહીં થાય. કેબલ કારમાં એક વાર બેસાડવાનું અમે કમીટમેન્ટ કરેલું છે, એટલે કાલે સવારે સૌ ઉતરીશું કેબલ કારથી…”, પરિમલભાઈએ ખુલાસો કર્યો.
પર્વતની ટોચ પર આવેલા ‘ગેન્ટીંગ હાઈલેન્ડ’ સુધી પહોંચવા માટે પર્વત કાપીને જ બનાવવામાં આવેલા વાંકા-ચુંકા પણ પહોળા રસ્તાઓ પર ચઢાણ કરવાનું હતું. વારંવારના વળાંક અને ઢાળ પર ચડવામાં તાકાત લગાવી રહેલા બસના એન્જીનથી ક્યારેક ઝટકા પણ લાગતા હતા. ઢોંસા કે ઉત્તપમ ખાનાર દરેકને પેટમાં આંટી ચડવા લાગી અને ‘વોમીટ થાશે!’ એવો ડર તેઓ વ્યક્ત કરવા લાગ્યા!!! જેમણે સવારના નાસ્તા અને ચા સિવાય કંઈ લીધું ન હતું, તે બધા સ્વસ્થ હતા. ટ્રાફિક ઘણો વધારે હોવા છતાં એક પણ હોર્ન સાંભળવા મળ્યો નહીં. “અમારે અહીં નાછૂટકે જ હોર્ન મારવામાં આવે છે!”, જ્હોન અંકલે કહેલી વાત મને સુખદ લાગી. જો કે એ સિવાય પણ ત્યાં ઘણી ટ્રાફિક સેન્સ જોવા મળી. કોઈ ક્યારેય ઘૂસ મારતું નો’તું! બે ગાડીઓ વચ્ચે ઘણું વધારે અંતર રાખવામાં આવતું. કોઈ સ્ટોપ પાસે પણ આટલું જ અંતર જાળવી રાખવામાં આવતું. રસ્તા સાવ ખાલી અને ટ્રાફિક પોલીસ વગરના હોવા છતાં સિગ્નલ પ્રમાણે જ ચાલતા ડ્રાઈવરોના સ્વયં શિસ્તને સલામ કરવી પડે. પહોળા રસ્તા અને સ્વયં શિસ્તને કારણે આપણા જેવો ટ્રાફિકજામ થવાની શક્યતા નહીવત હતી.
દોઢને પાંચે બસ ઉભી રહી. અમે ઉતરવા લાગ્યા. આટલી બધી ઉંચાઈ પર ખુબ જ ઠંડો, સુસવટા મારતો પવન વહી રહ્યો હતો. ‘કડ…કડ…કડ…કડ…’, મારા દાંત અવાજ કરવા લાગ્યા, હું ધ્રુજી રહ્યો હતો. ‘અહીંયા કાયમ ઠંડક જ રહે છે. હોટલના રૂમોમાં પંખા પણ થોડા સમય પહેલા જ ફીટ કરવામાં આવ્યા છે. અહીંયા કોઈ આઘા પાછા ન થતા. ખોવાઈ જશો તો ગોતવું મુશ્કેલ થઇ જશે. ફોલો મી…’, જ્હોન અંકલે ચોખવટ કરી. તેમની પાછળ જતા જતા ખરેખર અમને લાગ્યું કે આ જગ્યા ભૂલ ભુલામણી જેવી છે. મલેશિયાની મોટા ભાગની ફિલ્મોમાં નાનપણમાં છુટા પડેલા ભાઈઓ માટે આવો ડાયલોગ હોવો જોઈએ, ‘હમ દોનો બચપનમેં ગેન્ટીંગમેં બીછડ ગયે થે…, કસીનોમે જુઆ ખેલને બૈઠે પાપા સબ કુછ હાર કર પગલા ગયે, તભી યહ અનહોની હો ગઈ!!!’ ચારે બાજુ ફેલાયેલ આલાગ્રાન્ડ ફર્નીચર, રોશની, સ્વચ્છતા અને ભપકો કોઈને પણ આંજી દેવા સક્ષમ હતા.
અમે લોકોએ ભોજન લીધું. જમવાનું અતિશય સ્વાદિષ્ટ હતું. આટલા દિવસોમાં ખાધેલું આ સર્વશ્રેષ્ઠ ભોજન હતું. અમે બધાએ દબાવી દબાવીને ખાધું. ઘણી બધી ગુજરાતી આઈટમ સિવાય એક એકથી ચડે એવું કેટલી જાતનું ફ્રુટ, પેસ્ટ્રી ને આઈસ્ક્રીમ પણ હતા. જો કે અહીં પેસ્ટ્રી અને આઈસ્ક્રીમની બનાવટમાં પણ દારૂ અને નોનવેજનો વપરાશ થતો હોવાથી અમે બધું પૂછી પૂછીને જ ખાધું.
ભોજન લીધા બાદ અમને હોટલ ‘ફર્સ્ટ વર્લ્ડ’ની લોબી ‘એ’ પાસે લઇ જવામાં આવ્યા. અમને બધાને પોત પોતાના રૂમની ચાવીઓ આપવામાં આવી. લગભગ બધા જ લોકોના રૂમ ‘બી’ લોબી ના સાતમા માળે આવ્યા. દરેક માળે લીફ્ટની પાસે રાખવામાં આવેલા મોટા ટ્રાન્સ્પરન્ટ ગ્લાસમાંથી બે-ત્રણ કિમી નીચે વેરાયેલા કુદરતી સોંદર્યને માણવું એ દરેક માટે યાદગાર પળો બની રહેતી હશે. હોટલના રૂમ પ્રમાણમાં નાના હતા તેમ છતાં નાની જગ્યામાં પણ સુવા માટેના પલંગ, ટોઇલેટ, બાથરૂમ, વોશ બેસીન, ટી.વી., સેફ વાળો કબાટ, ફોન અને બીજી ઘણી સુવિધાઓ અવેલેબલ હતી. નાની જગ્યાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ મને જોવા-શીખવા મળ્યું. બપોરના ત્રણ વાગ્યા હતા. સાંજે સાત વાગ્યે લોબી ‘એ’ પાસે ભેગા થવાનું હતું. પપ્પાની તબિયત આજે થોડી ઠીક નો’તી. તેઓ ‘બટુ કેવ્ઝ’માં પણ નીચે જ બેસી રહ્યા હતા. હું અને મમ્મી આંટો મારવા નીકળ્યા, પણ પપ્પાએ રૂમમાં જ સુઈ રહેવાનું ઠીક માન્યું.
અહીં આનંદ માણવા લાયક મુખ્ય વસ્તુ છે, ‘ટવેન્ટીથ સેન્ચ્યુરી ફોક્ષ વર્લ્ડ’… પણ, અમારા બદનસીબે આ આઉટડોર થીમપાર્કમાં ત્યારે રીનોવેશન ચાલી રહ્યું હતું. હું અને મમ્મી ઇનડોર થીમપાર્ક તરીકે ઓળખાતા ‘ફર્સ્ટ વર્લ્ડ પ્લાઝા’ના જુના ભાગમાં ફરવા લાગ્યા. અહીં નાના બાળકોને મજા આવે એવી ચકડોળ કે ઉંચે બનાવેલા ટ્રેક પર ચાલતી ડ્રેગન ટ્રેન જેવી ઘણી બધી રાઇડ્સ જોવા મળી. ચાલવાનો કંટાળો આવતો હોય અને આખું કોમ્પ્લેક્સ જોવા ઈચ્છતા હોય, એવા મોટા લોકો પણ કાર, ડ્રેગન કે હોડીના શેપમાં બનાવવામાં આવેલી આવી રાઇડ્સમાં બેસીને ફરી રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ લીબર્ટી, બાઈક ચલાવતું સ્ટેચ્યુ ઓફ લીબર્ટી, ‘એસ’ની બદલે ‘જી’ લખેલો દીવાલ તોડીને બહાર નીકળતો સુપરમેન ને એવું કંઈ કેટલુય દિવાલોમાં ઉંચે જોવા મળ્યું. થ્રી ડી જેવું બનાવવા માટે આ બધું કોતરવામાં તેમજ એમ્બોઝ કરવામાં આવ્યું છે. નાનો એફિલ ટાવર અને ભગવાન બુદ્ધ જેવું એક પુતળું પણ ઉભું કરવામાં આવ્યું છે. કૃત્રિમ કોળાને અલગ અલગ આકારમાં કાપીને, કલર કરીને જાત જાતના ભૂતના મોઢા, ડાગલા અને ઘુવડ બનાવવામાં આવ્યા હતા. કોમ્પલેક્ષની અંદર જ, ફરતે આવેલા નાનકડા માનવસર્જિત તળાવની વચ્ચે અમુક ફૂડ શોપ્સ આવેલી હતી. જાત જાતની વસ્તુઓ વેચતી દુકાનો તો ખરી જ… એક ફ્રુટની દુકાનેથી અમે અલગ જાતના બે ફ્રુટ્સ પપ્પા માટે ખરીદયા. હું અને મમ્મી, ત્યાંની ખાસ જગ્યા ‘કસીનો દી ગેન્ટીંગ’માં ગયા. ખુબ જ એકાગ્રતાથી લોકો ગેમ્બલિંગ કરી રહ્યા હતા. આટલી એકાગ્રતા કામ કરવામાં કેમ નહીં રહેતી હોય તે વિચાર્યા વગર, જુગાર કેવી રીતે રમાતો હશે, તે સમજવા હું એકાગ્ર બન્યો! થોડીવાર માથું ફોડ્યા પછી પણ કંઈ ન સમજાતા, ત્યાં ઉભા રહેવાની મારી ઈચ્છા સામે માથું ઊંચકીને હું ચાલતો થયો! આપણા મલ્ટીપ્લેક્ષમાં હોય તેવી ઘણી બધી વિડીયો ગેમ્સ અને બોલિંગની રમત પણ ત્યાં હતી. ખુબ જ ઉત્સાહ અને આનંદથી આ બધું રમતા બાળકો મોટી સંખ્યામાં જોવા મળ્યા. રૂમ પર જઈને જોયું તો પપ્પા નસકોરા બોલાવતા હતા. તેમને ઉઠાડીને ફ્રુટ ખાઈ લેવાનું કહ્યું તો તેમણે એમ કરવાની અનિચ્છા દર્શાવી. ‘મારે રાત્રે જમવા આવવું નથી, આપણે જોડે લીધેલો સુકો નાસ્તો હું મોડેથી ખાઈ લઈશ. મારે ‘સ્નો વર્લ્ડ’માં પણ આવવું નથી, ઠંડી લાગવાથી પછી વધારે ઉધરસ આવશે.’ ખાંસતા-ખાંસતા જ તેમણે કહ્યું.
એકાદ કલાક આરામ કરીને હું અને મમ્મી સાતેક વાગ્યે નીચે ગયા. ‘તમે ફરીથી ટાઇમ પર છો… એક પણ વાર તમે મોડું કર્યું નથી, એ સારી વાત છે. બાય ધ વે, તમે શું કરો છો?’, જ્હોન અંકલે મને પૂછ્યું. અમારી વચ્ચે થોડી અંગત વાતો થઇ. ‘અમારે અહીંયા ઇન્ટરકાસ્ટ મેરેજ થવા સ્વાભાવિક છે. હા, ચીની લોકોએ તેમની સંસ્કૃતિ વધારે મજબુતીથી પકડી રાખી છે! હું ખ્રિસ્તી હોવા છતાં મેં એક પંજાબી છોકરી સાથે લગ્ન કર્યા છે, અને મારી દીકરી અત્યારે એક પંજાબીના પ્રેમમાં છે! પણ, અમને કોઈ જ વાંધો નથી. કોઈ ચીની અને ભારતીય લગ્ન કરે તો તેમનાથી જન્મેલા બાળકને અમે ચીન્ડિયન કહીએ છીએ.’, પંચાવન વર્ષના જ્હોન અંકલ મને ખુબ જ ફ્રી માઈન્ડના લાગ્યા.
ઘણા ઓછા લોકો આવ્યા હતા, તેમ છતાં જ્હોન અંકલ અને પરિમલભાઈના કહેવાથી અમે ચાલતા થયા. અમે બધા ‘સ્નો વર્લ્ડ’ પહોંચીને બાકી લોકોની રાહ જોતા બેસી રહ્યા. બધા લોકો આવી જતા અમે અંદર ગયા. એન્ટ્રીમાં રાખેલા સ્વેટરમાંથી દરેકે પોત પોતાની સાઈઝનું સ્વેટર ગોતીને પહેરી લેવાનું હતું. જેમણે બુટ ના પહેર્યા હોય તેમને બુટ અને હાથના ગરમ મોજા પણ આપવામાં આવતા હતા. એક-એક ફેમીલી દીઠ એક-એક લોકર આપવામાં આવ્યું, જેમાં અમે પોતપોતાનો સામાન મૂકી દીધો. અંદરનું તાપમાન માઈનસ પાંચ ડિગ્રી સેલ્સીયસ હોવાથી આ બધા પ્રીકોશન જરૂરી હતા. જો કે ‘સ્નો વર્લ્ડ’માં મજા આવે એવું ખાસ કંઈ નથી. એક સાયકલ, આર્ટીફીશ્યલ પેન્ગ્વીનનું ટોળું, ટેબલ-ખુરસી, ક્રિસમસ ટ્રી અને બીજી કેટલીક અરેંજમેન્ટસ, ફોટા પાડી શકાય એ માટે કરવામાં આવી છે. આ સિવાય બરફની લપસણીમાં લપસવાની એક રાઇડને બાદ કરતા બે ‘ઇગ્લું હાઉસ’ હતા, જેમાં અંદર જઈને ઠંડીથી રાહત મેળવી શકાય. ફોટા પાડતા લોકોને જોઇને મને યાદ આવ્યું કે મારો કેમેરો તો મેં લોકરમાં જ મૂકી દીધો છે! જ્હોન અંકલના કહેવા પ્રમાણે અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે આ નિયમ થોડા સમય પહેલા જ બદલાઈ ગયો છે. હવે, લોકોને પોતાની સાથે કેમેરા કે ફોન લઇ જવાની છૂટ છે.
પંદરેક મીનીટમાં જ અમે બહાર નીકળી ગયા. ડિનર માટે ત્યાં જ જવાનું હતું જ્યાં અમે લંચ લીધો હતો. અહીંથી દસેક મીનીટના અંતરે તે રેસ્ટોરન્ટ હશે. એ રેસ્ટોરન્ટથી માંડીને અત્યાર સુધી વર્ણવેલું બધું જ ઇન્ટરકનેક્ટેડ હતું. અતિશય મોટા પણ એક જ બિલ્ડીંગમાં આવેલી બધી જ વસ્તુઓ!!! ડીનરમાં અફડા-તફડી જોવા મળી. બપોરે કદાચ મોડા પડ્યા હોવાથી અમે શાંતિથી જમી શક્યા હતા. આ અફડા-તફડી ખાલી ગુજરાતી કાઉન્ટર પર જ હતી. ખુબ જ લાંબી લાઈન હોવા છતાં ગમે ત્યાંથી ઘૂસ મારતા, જરૂર હોય કે ના હોય પણ દરેક વસ્તુ લેતા, બુમા બુમ કરતા ગુજરાતીઓએ એવો માહોલ સર્જ્યો કે એ જોઇને ‘હું ગુજરાતી છું કહેતા પણ શરમ આવે!’ હાથમાંથી થાળી ઝુંટવીને લઇ જાય એવી સ્થીતીનું નિર્માણ થયું. આ છેલ્લી જ વાર જમવાનું મળે છે અને હવે દુનિયામાં ખાવાનું ખતમ થઇ જશે, એવું લાગી રહ્યું હતું! જમીને ઉભા થતા મોટા ભાગના ગુજરાતીની થાળીમાં એક વ્યક્તિ પેટ ભરીને જમી શકે એટલી વસ્તુઓનો બગાડ જોવા મળતો હતો. પૈસા ચૂકવ્યા છે ને? વસુલ તો કરવા પડે ને?
ગ્રુપના ઘણા પુરુષો ગેમ્બલિંગ કરવા માટે જમવા જ નો’તા આવ્યા. પપ્પા રૂમ પર આરામ કરી રહ્યા હતા. એક ડોક્ટર કપલે રૂમ પર જવાને બદલે ત્યાં જ ફરવાની ઈચ્છા વ્યક્ત કરી. મમ્મી, બીજા વડીલો અને ગ્રુપના મહિલા-બાળકો આ ભૂલ-ભુલામણીમાં ભૂલા ન પડે અને હોટલના રૂમ સુધી સલામત રીતે પહોંચી જાય એ માટેની જવાબદારી મને સોંપવામાં આવી. આમેય હું અને મમ્મી, પપ્પાની ખરાબ તબિયતને કારણે સીધા રૂમ પર જ જવાના હતા. આવતીકાલે સવારે વહેલા નીકળીને પાંચેક કલાકનો રસ્તો કાપીને સીંગાપોર પહોંચવાનું હતું. દરરોજની જેમ આવતીકાલનો બ્રકફાસ્ટ પણ, અમારો જેમાં સ્ટે હતો એ જ હોટલમાં હતો. રૂમ પર પહોંચીને જોયું તો પપ્પાએ નાસ્તો કરી લીધો હતો. તેમને દવા આપીને હું સુઈ ગયો.

૨ નવેમ્બર : બાય બાય મલેશીયા, હાય ‘સ્ટાર ક્રુઝ જેમિની’…
સવારનો નાસ્તો કરીને અમે આઠ વાગ્યામાં લોબી ‘એ’ના રીસેપ્શન પાસે પહોંચી ગયા. અમારે કેબલ કારમાં નીચે જવાનું હતું. પર્વતની ટોચ પર આવેલા ‘ગેન્ટીંગ’ સુધી પહોંચવા માટે ૩.૩૮ કિમી લાંબી કેબલ કાર એટલે કે રોપ-વેની રચના કરવામાં આવી છે. તે દુનિયાની સૌથી ઝડપથી ચાલતી ‘મોનો કેબલ કાર સીસ્ટમ’ છે, જે ૨૧.૬ કિમી/કલાક ની મહત્તમ ઝડપે ચાલી શકે છે. આખા મલેશીયા અને કદાચ દક્ષીણ-પૂર્વ એશિયામાં તે સૌથી લાંબી રોપ-વે છે. એક કારમાં આઠ જણા સમાઈ શકે એવી ઘણી બધી કાર અમુક અમુક અંતરે સતત ચાલતી રહે છે, જેથી કલાકના એવરેજ બે હજાર માણસો તેમાં મુસાફરી કરી શકે છે. અમે પણ તેમાં ગોઠવાયા. આજુબાજુ દેખાઈ રહેલા દ્રશ્યનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી. દુર દુર દેખાતા પર્વતો, ખીચો ખીચ ઉભેલા વૃક્ષો, ઉપરથી દેખાતું જંગલ…. કુદરતની આ કમાલ વચ્ચેથી આટલી ઊંચાઈ પરથી પસાર થવું એક અજબ લ્હાવો હતો. મારા માટે આ સૌથી સારો અનુભવ રહ્યો.
“જેને વોશરૂમ જવું હોય તે જઈ આવજો, પછી આપણી બસ ત્રણેક કલાક સુધી ઉભી રહેવાની નથી.”, કેબલ કારમાંથી ઉતરી રહેલા દરેકને વોશરૂમ બતાવીને જ્હોન અંકલ કહી રહ્યા હતા.
જો કે પાછળથી મને ખબર પડી કે ગેન્ટીંગમાં, ‘સ્કાય વેન્ચર’ કરીને આવેલી એક રાઇડનો લાભ લેવાનું હું ચુકી ગયો હતો. તેમાં આકાશમાંથી ડાઈવ કરતા હોય તેવો અનુભવ કરી શકાય છે. આ માટે એક ચેમ્બર એટલે કે ટનલ બનાવવામાં આવી છે, જેમાં ૧૯૩ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય છે. એશિયામાં બેનેલી તે સૌ પ્રથમ ‘વિન્ડ ટનલ’ છે. આ બંધ ટનલમાં જનારો માણસ હવાને લીધે ઉપર ખેંચાય છે, અને થોડી વારે હવાનું પ્રેશર ઘટતા તે નીચે પડવા લાગે છે, ફરી ઉપર ખેંચાય છે, ફરી નીચે પડે છે, આવું ઘણી વાર થાય છે….. હવામાં ડાઈવ કરી રહ્યા હોય તેવો અલગ જ અનુભવ અહીં શક્ય બને છે.
આજે બપોરે લંચ ક્યાંય રેસ્ટોરન્ટ પર નો’તો. કદાચ અમારે જે રસ્તા પરથી ચાલવાનું હતું ત્યાં કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ જ નહીં હોય… બસમાં બેઠા ભેગા મોટા ભાગના લોકો સુઈ ગયા. બમ્પ અને ટ્રાફિક વગરના રસ્તા પર એકધારી ઝડપે ચાલતી બસમાં ઊંઘ આવવું સ્વભાવિક છે, એમાંય જયારે તમારે રાતનો ઉજાગરો હોય! એકાદ કલાક પછી બસ એક જગ્યાએ ફયુલ રીચાર્જ માટે ઉભી રહી, લોકો ફરી હલકા થઇ આવ્યા.
દક્ષીણ-ચીની સમુદ્રના કારણે મલેશીયા બે ભાગમાં વહેંચાયેલું છે. તેના પશ્ચિમ બાજુ આવેલા ટુકડાને ‘દ્વિપકલ્પીય મલેશીયા’ અને પૂર્વી ટુકડાને ‘પૂર્વ મલેશીયા’ કહીએ તો અમે ‘દ્વિપકલ્પીય મલેશીયા’માં ફર્યા હતા, જે થાઈલેન્ડ, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને સુમાત્રાના ટાપુઓથી ઘેરાયેલો છે. ‘પૂર્વ મલેશીયા’ની મોટા ભાગની સરહદો ઇન્ડોનેશિયા અને બ્રુનેઇ સાથે જયારે થોડોક ભાગ ફીલીપીન્ઝ અને વિયેતનામ સાથે જોડાયેલો છે. દુનિયાના સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં ૪૪મા નંબરે આવતું મલેશિયા ૩,૩૦,૮૦૩ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. પોતાની પ્રજાતિ સિવાય દુનિયાની બીજી જાતિઓને આશ્રય આપતા દેશને ‘મેગાડાયવર્સ કન્ટ્રી’ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં ભારત સહીત આવા સત્તર જ દેશ છે, જેમાંનું એક મલેશીયા છે. અહીં મોટા ભાગની વસ્તી મુસ્લિમ હોવા છતાં કુલ વસ્તીના ૩૫% લોકો બુદ્ધ, ખ્રિસ્તી અને હિંદુ પણ છે. અહીં રાષ્ટ્રભાષા ‘મલે’(લોકલ મલેશિયન)માં જ મહત્તમ લોકો વાત-ચીત કરે છે.
અમારા ગ્રુપમાંની એક બારેક વરસની છોકરીએ કહ્યું કે એને પેશાબ કરવા જવુ છે. પણ ભારતમાં જોવા મળે એવી હોટલ, રેસ્ટોરન્ટ કે પેટ્રોલ પંપ રસ્તા પર ઘણા કિમીના અંતરે આવતા હતા. વળી રસ્તા પર તો આ કરવું શક્ય જ નો’તું. વીસેક મિનીટ પછી એક રેસ્ટોરન્ટ પાસે બસ ઉભી રહી. બપોરના સાડા બાર વાગી ચુક્યા હતા. જ્હોન અંકલે તે રેસ્ટોરન્ટના માલિકની પરવાનગી લઈને અમને અમારો નાસ્તો ત્યાં જ કરી લેવા કહ્યું. અમે બધાએ પોતપોતાનો નાસ્તો એકબીજાને શેર કરતા કરતા બપોરનું ભોજન લીધું. થેપલા, બિસ્કીટ, પેંડા, કચોરી, અથાણું, છુંદો, ચવાણું, ચા, મેંદાના લોટની પૂરી, શક્કરપારા, પૌવા અને બીજી ઢગલાબંધ આઈટમનો ઢગલો થઈ ગયો. જમીને ત્યાં પાછળ આવેલી ફ્રુટ-શાકભાજીની દુકાનોમાં મહિલાઓ આંટો મારવા ગઈ. પોતાની ટેવ પ્રમાણે ત્યાં પણ ફ્રુટનો ભાવ કરાવવાનો સૌએ પ્રયત્ન કર્યો. કંટાળેલા શોપકીપરે મોઢું બગાડીને કહ્યું, ‘લેવું હોય તો લો, નહીંતર ચાલતા થાવ.’ અમુક અમુક નવી જાતના ફ્રુટને અડી રહેલા એક બાળકને ખીજાઈને તેણે કહ્યું, ‘એક પણ વસ્તુને હાથ અડાડીશ નહીં…’
થોડા ફ્રુટ ખરીદીને અમે ફરી બસમાં ગોઠવાયા. જ્હોન અંકલે મને એક ફીડબેક ફોર્મ આપ્યું, જેમાં તેમના વિશે, બસ વિશે, ડ્રાઇવર વિશે, અમે ફર્યા એ લોકેશન્સ વિશે, હોટેલ વિશે મારે રેટીંગ કરવાનું હતું. બાદમાં બસમાં, ‘ગબ્બર ઈઝ બેક’ મુવી ચડાવવામાં આવ્યું. બાકીનો રસ્તો કેમ કપાઈ ગયો તે ખબર જ ના પડી. અડધી કલાકનું મુવી બાકી હશે ત્યાં જ્હોન અંકલે કહ્યું, ‘પહેલા આપણે મલેશિયન ઈમિગ્રેશનમાં જવાનું છે, બસ પાંચ જ મીનીટમાં ત્યાં પહોંચી જશે.’
મલેશિયન ઈમિગ્રેશન ઓફિસની પ્રોસીજર પતાવીને અમે ફરી બસમાં બેઠા. હવે સિંગાપોર કસ્ટમમાં જવાનું હતું. “કોઈ પાસે દારૂની પેક બોટલ, સિગારેટના આખા પેકેટ કે પેક પાન-મસાલા હોય તો બધું ફેંકી દેજો. પેક નહીં હોય તો ચાલશે. જો તમારે તે સિંગાપોરમાં લઇ જવું હશે, તો તેની પર ખુબ મોટી જકાત ભરવી પડશે. સિંગાપોરમાં તમે ખાવાની ચ્વીન્ગમ પણ નહીં લઇ જઈ શકો. ચ્વીન્ગમ જ્યાં-ત્યાં ચોંટી જતી હોવાથી, તેને તેઓ એલાઉડ કરતા નથી. તમારો બધો જ સામાન સ્કેન કરવામાં આવશે, માટે સામાનમાં સંતાડેલું હશે તો પણ તેઓ બહાર કઢાવશે. જો ચાલ્યું જાય તો તમારા નસીબ, પણ પકડાય તો ફેંકી દેવાની તૈયારી રાખજો. જો આવું કંઈ થશે તો હું તમારી કોઈ જ મદદ નહીં કરી શકું, તેઓ મારું પણ કંઈ સાંભળશે નહીં.’, જ્હોન અંકલે અમને બધાને ચેતવતા કહ્યું.
સિંગાપોર કસ્ટમની પ્રોસીજર પૂરી કરી અમે બહાર નીકળ્યા. હવે અમારે સિંગાપોર ક્રુઝ ટર્મિનલ પર પહોંચીને ક્રુઝમાં ચેક ઇન કરતી વેળાએ ફરી ઈમિગ્રેશન પ્રોસીજરમાંથી પસાર થવાનું હતું. સરળ શબ્દોમાં સમજીએ તો આ કંઈક એવું હતું કે એક રૂમમાં ઘુસતા અને એ જ રૂમમાંથી બહાર નીકળતી વખતે, એમ બે વખત સરકારને હાજરી પુરાવવાની! પાછું પહેલા રૂમમાંથી નીકળીને બીજા રૂમમાં પ્રવેશો ત્યારે પાછી હાજરી પુરાવવાની! ઈમિગ્રેશન બાબતે સિંગાપોર ખુબ જ કડક છે. સિંગાપોરમાં ગેરકાયદેસર ઘુસણખોરો ખુબ જ ઓછા હોવાથી આ બાબતે તેઓ એકદમ સજાગ રહે છે. સાંજે ચારેક વાગ્યે અમે ક્રુઝ ટર્મિનલ પર પહોંચી ગયા.
હવે પરમ દિવસ બપોર સુધી અમારે ‘સ્ટાર ક્રુઝ જેમિની’માં રહેવાનું હતું. ૩૯૧૭૨ ટનના આ ક્રુઝની કિંમત ૧૬૫૦ કરોડ રૂપિયા થાય છે. ૩૯ કિમી/કલાકની મહત્તમ ઝડપે ચાલતું આ ક્રુઝ ૨૩૦ મીટર લાંબુ છે. ૨૧૫૬ પેસેન્જર્સ અને ૭૦૦ ક્રુ મેમ્બર્સને સમાવી શકતા આ ક્રુઝમાં ૧૨ માળ એટલે કે ૧૨ ડેક છે. સૌ પ્રથમ તો અમારે ત્યાં બહાર આવેલા કાઉન્ટર પર પોતાની ક્રુઝ ટીકીટ બતાવીને પોતાનો લગેજ આપી દેવાનો હતો. અહીં જ અમને અમારા રૂમ નંબર આપી દેવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે અમારો સામાન અમારા રૂમ પર પહોંચાડી દેવામાં આવશે. ત્યારબાદ દરેકે પોતાની રૂમ કી (જે તે રૂમની ચાવીઓ) બનાવડાવવાની હતી. પરિમલભાઈ અમારા દરેકના પાસપોર્ટ લઈને ગયા અને દરેક ગ્રુપમેમ્બરની રૂમ કી બનાવડાવી લાવ્યા. દરેક રૂમ માટે ડેબીટ કાર્ડ જેવી ચાવીઓ જ આપવામાં આવી. પણ, જેમ આપણા ક્રેડીટ કે ડેબીટ કાર્ડ પર આપણું નામ લખેલું હોય, એમ દરેક ૨૧૫૬ પેસેન્જર્સને પોતાનું નામ લખેલુ કાર્ડ આપવામાં આવ્યુ. બે દિવસ પછી ક્રુઝ છોડતી વખતે, એ ચાવી દરેકે પોતાની સાથે લઇ જવાની હતી. દરેક ટ્રીપમાં આવતા દરેક પેસેન્જર્સને નવી ચાવીઓ બનાવી આપવામાં આવતી….!!!! અમને બધાને પોતપોતાના નામની ચાવીઓ આપી દેવામાં આવી. હવે ફરી ઈમિગ્રેશન થવાનું હતું, ક્રુઝ ઈમિગ્રેશન! અમારા દરેકની ઈમિગ્રેશન વિધિ પૂરી થયા બાદ આગળ જતા, ક્રુઝમાં એન્ટર થવાની જગ્યાએ અમારા બધાના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા. હવે મને આ નવા કાર્ડ બનાવવાનું રહસ્ય સમજાયું. ક્રુઝની અંદર કંઈ પણ ખરીદી કરવી હોય તો તે રોકડાથી નહીં પણ કાર્ડ કમ ચાવી સ્ક્રેચ કરીને જ કરી શકાય. બે દિવસ પછી બહાર નીકળતી વખતે દરેકે ક્રુઝમાં અંદર રહેલા રીસેપ્શન પર જઈને પોતાના કાર્ડથી કરેલી ખરીદીનું પેમેન્ટ કરી દેવાનું. જો એમ ન કરીએ તો જમા કરાવેલા પાસપોર્ટ પાછા ન મળે. પોતાના જ નામનું કાર્ડ કે કી હોવાથી કોઈ એવી દલીલ ના કરી શકે કે, “આ ખરીદી મેં કરી જ નથી. કંઈ ભૂલ થાય છે, હું આ પેમેન્ટ નહીં ચૂકવું…”
અમારો રૂમ પાંચમા ડેક પર હતો. હજુ સામાન રૂમ પર પહોંચ્યો નો’તો. દરેક રૂમમાં ‘સ્ટાર નેવીગેટર’નું ચાર પેજનું પેમ્પ્લેટ મૂકી દેવામાં આવ્યુ હતું, જેમાં આજ સાંજથી લઈને ચોથી તારીખ બપોર સુધીમાં કયા કયા કાર્યક્રમ, કયા કયા ડેક પર, કઈ કઈ જગ્યાએ અરેન્જ કરેલા છે તેની સંપુર્ણ માહિતી હતી. ક્રુઝમાં કુલ નવ લીફ્ટ હતી. દરેક ડેક પર લીફ્ટ પાસે એક ઇન્ફોર્મલ પ્લેટ હતી, જેમાં તે ડેક પર શું શું આવેલું છે, તેની માહિતી ડ્રોઈંગ સાથે આપવામાં આવી હતી. મુખ્યત્વે ક્રુઝને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યુ છે, આગળનો ભાગ(Fwd), મધ્ય ભાગ(Mid) અને પાછળનો ભાગ(Aft). નવમા માળે આવેલી ‘મરીનર્સ’, ‘બેલા વિસ્ટા’ કે અગિયારમાં માળે આવેલી ‘ડાયનેસ્ટી’, એ ત્રણ રેસ્ટોરન્ટમાંથી ગમે ત્યાં બ્રેક ફાસ્ટ, લંચ અને ડીનર કરી શકાય. આજે રાત્રે સવા આઠે ક્રુઝ ઉપડી જવાનું હતું. અમે લોકોએ ‘મરીનર્સ’માં ડીનર લીધુ. નવમાં ડેકના મધ્યમાં આવેલી આ રેસ્ટોરન્ટ ઘણી મોટી છે. ફરતે સંપૂર્ણ કાચ આવેલા હોવાથી, ભોજન લેતા લેતા ક્રુઝની આજુબાજુનો સુંદર નજારો જોઈ શકાય. સિંગાપોરને છોડીને દુર જઈ રહેલા ક્રુઝને કારણે અદભુત દ્રશ્ય સર્જાયું. દરિયાકિનારે આવેલી સિંગાપોરની ઉંચી ઉંચી બિલ્ડીંગો દુર ખસવા લાગી. દુરથી દેખાતું રોશનીમય શહેર ધીમે ધીમે અદ્રશ્ય થઇ ગયું. ઊંચા ઊંચા બિલ્ડીંગોથી ઘેરાયેલા ઝળહળતા શહેરની વચ્ચેના મોટા તળાવમાં જમતા હોય એવો એ અનુભવ હતો.
અમે જમી રહ્યા હતા ત્યાં જ એનાઉન્સ થયું કે દસમા ડેક પર આવેલી ‘સ્ટારડસ્ટ લોન્જ’માં ‘મેજિક શો’ અરેન્જ કરવામાં આવ્યો છે. દસ જ મીનીટમાં શરુ થવા જઈ રહેલા એ ‘શો’માં પહોંચવા માટે અમારે ડીનર અધુરો છોડવો પડત. જો કે એ જ ‘મેજિક શો’ રાત્રે સાડા નવે ફરી કરવાના છે, એવી પણ જાહેરાત કરાઈ. જમીને અમે અગિયારમા ડેક પર ગયા. તેનો અને બારમા ડેકનો મોટો ભાગ ‘ખુલ્લુ તુતક’ હતું. ઘણા બધા લોકો અહીં ટોળે વળીને ગપ્પા મારતા જોવા મળ્યા. અગિયારમા ડેક પર આવેલી ‘ડાયનેસ્ટી’માં અમુક લોકો ડીનર કરી રહ્યા હતા. અલગ અલગ સાઈઝ અને ઉંડાઈના બે સ્વીમીંગ પુલ અમે ત્યાં જોયા. તે અત્યારે બંધ થઇ ગયા હોવા છતાં નાના અને છીછરા દેખાતા હતા. ‘બ્લ્યુ લગુન’ અને ‘તાઈપન’ નામની બે, ‘પે એન્ડ યુઝ’ રેસ્ટોરન્ટ પણ એ જ ડેક પર મધ્ય અને પાછળના ભાગમાં આવેલી હતી. બાળકો માટેનું ‘ચાઈલ્ડ કેર સેન્ટર’ પણ અહીં જ જોવા મળ્યું.
સવા નવ થતા જ અમે દસમા ડેક પર આવેલી ‘સ્ટારડસ્ટ લોન્જ’માં ‘રીચાર્ડ બર અને જોસેટ’નો ‘મેજિક શો’ જોવા પહોંચી ગયા. તેમણે જાત-જાતના દિલધડક જાદુ કરી બતાવ્યા. પત્તાનો જાદુ, દોરી કાપી ગાંઠ મારી એ ગાંઠ ખસેડવાથી માંડીને દોરીને ગાંઠ વગરની કરી દેવાનો જાદુ, દોરડાથી બાંધેલી પોતાની પત્ની જોસેટને એક જ સેકન્ડમાં બંધનમુક્ત કરી દેવાનો જાદુ અને આવા કંઈ કેટલાય ખેલ એ જાદુગર પતી-પત્નીએ કરી બતાવ્યા. પોણી કલાકના એ શોમાં બધા આંખનું મટકું પણ માર્યા વગર બેસી રહ્યા. ખેલ ખતમ થતા જ મમ્મી-પપ્પાને હું રૂમ સુધી મૂકી આવ્યો. અહીંયા પણ રૂમ ગેન્ટીંગની જેમ જ નાના પણ સુયોજિત હતા.
જેવો હું રૂમની બહાર નીકળ્યો કે મને એક યુવાનનો અવાજ સંભળાયો, તે તેની માતાને કહી રહ્યો હતો, “પપ્પાનો સેવા કરાવવામાં પહેલો નંબર આવે. મારે દીકરા તરીકેની બધી ફરજો બજાવવાની, પણ પોતે જરાય નમતું નહીં આપે!!!” ગુજરાતી પરિવારોમાં જેટલી અપેક્ષાઓ, સ્વાર્થ અને અહમના ટકરાવ હોય છે, એટલા કદાચ દુનિયાની બીજી કોઈ પ્રજાતિમાં નહીં હોય.
મેં આખા ક્રુઝમાં રખડવાનું ચાલુ કર્યું. મેં જોયું કે તેમાં અલગ અલગ ડેક પર મળીને કુલ ચૌદસોથી પણ વધારે રૂમ આવેલા હતા. પાંચેક ડેક પર તો અઢીસોથી પણ વધારે રૂમ હતા… જો કે કોઈ ગૂંચવાઈ ન જાય એ માટે જે તે ડેકનો ક્યો રૂમ ક્યાં આવેલો છે તેની માહિતી આપતી પ્લેટ્સ આનુસંગિક ડેક પર ઠેક ઠેકાણે જોવા મળી. અમુક રૂમ લોબી વાળી હતી, જેમાં રૂમની બહાર આવેલી પર્સનલ ખુલ્લી લોબીમાં બેસીને આવી રહેલા પવનનો ભરપુર આનંદ માણી શકાય. આવા રૂમનો ચાર્જ વધારે હોવાં છતાં તે આપવો પોષાય એવું મને લાગે છે. છઠ્ઠા ડેક પર મેડીકલ સેન્ટર હતું.
આખા ક્રુઝને ફરતો આંટો મારવા મેં સાતમાં ડેક પર આવેલા જોગીંગ ટ્રેકનો ઉપયોગ કર્યો. ચારે બાજુ દેખાઈ રહેલો દરિયો અને ફૂંકાઈ રહેલો ઠંડો પવન મને એક અજબ શાંતિનો અનુભવ કરાવી ગયો. આ જ ડેક પર આવેલા અને ચોવીસ કલાક ખુલ્લા રહેતા રીસેપ્શન કાઉન્ટર પર કેટલાક લોકોને કંઈક પૂછપરછ કરતા મેં જોયા.
આઠમા ડેક પર ફક્ત પેસેન્જર રૂમ જ આવેલા હતા. નવમા ડેક પર એક શોપીંગ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાંથી બ્રાન્ડેડ ઘડિયાળ, સ્વેટર, પરફ્યુમ્સ, રમકડા, દાગીના ને એવી બીજી ઘણી વસ્તુઓ કાર્ડ સ્ક્રેચ કરીને ખરીદી શકાય છે. દારૂ કે બિયરની મજા માણતા લોકો અહીં આવેલા બારમાં બેઠેલા જોવા મળ્યા. ‘બેલા વિસ્ટા’ રેસ્ટોરન્ટને અડીને જ આવેલો ત્રીજો સ્વીમીંગ પુલ મોટો અને ઊંડો લાગતો હતો.
દસમા ડેક પર આવેલા ‘સ્ટારડસ્ટ લોન્જ’ની બહાર જ ‘મેક્સીમસ લોન્જ’ હતી. અહીં પણ એક નાનકડો બાર હતો. આ ડેકનો મોટો ભાગ કસીનોએ રોક્યો છે, જે ગેમ્બલ કરવાના શોખીન લોકો માટે આખી રાત ખુલ્લો રહેવાનો હતો. આ સિવાય અહીં આવેલા ‘એકટીવીટી સેન્ટર’માં લાઇવ શો યોજાતા હતા, જે જોવા હોય તો ટીકીટ ખરીદવી પડે. અત્યારે તેમાં ‘મેરીઓનેટ્સ’ નામનો એડલ્ટ શો ચાલી રહ્યો હતો.
રમતગમતના શોખીન લોકો માટે બારમા ડેક પર બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. આ સિવાય અહીં એક બાર અને ‘ઓસિયાના બાર્બેક્યુ રેસ્ટોરન્ટ’ પણ આવેલા છે. સામ-સામે આવેલા જીમ્નેશીયમ અને સલુન અત્યારે બંધ થઇ ચુક્યા હતા. સલુનને અડીને જ આવેલી ‘ઓબ્ઝરવેટ્રી લોન્જ’માં કાલે અનેક સ્પર્ધાઓ યોજાવાની હતી. દિવસ આથમી ગયો હોવાથી અગિયારમા ડેક પર આવેલું ‘સન ડેક’ અત્યારે બંધ થઇ ગયું હતું. ઓસીયાનાની બહાર એક બેન્ડ હિન્દી અને ચાઇનીઝ ગીતો ગાઈ રહ્યું હતું. રાતના બે વાગે ઠંડો પવન અને ઠંડા ગીતોને છોડીને હું મારા રૂમમાં પ્રવેશ્યો.

૩ નવેમ્બર : દરિયામાં તરતો મહેલ….
સવારે આરામથી ઊઠવાનું હતું, પણ સાતેક વાગતા મારી આંખ ખુલી ગઈ. તૈયાર થઈને અગિયારમા ડેક પર આવેલા ડાયનેસ્ટીમાં અમે નાસ્તો કર્યો. નવેક વાગતા ઘણા લોકો સ્વીમીંગપુલમાં ફન કરવા આવી પહોંચ્યા. કેટલાક હેલ્થ કોન્સીયસ લોકો જીમનો લાભ લેવામાં વ્યસ્ત બન્યા હતા.
અત્યારે સ્થિર ઉભેલા ક્રુઝનું લંગર મલેશિયાના મલાક્કા શહેર પાસે લાંગરવામાં આવ્યું હતું. ‘જેને પણ મલાક્કા શહેર જોવું હોય તેને ક્રુઝની બોટ વડે કિનારે છોડી દેવામાં આવશે. છેલ્લી બોટ સાંજના સાડા ચારે ઉપડશે. સાડા પાંચ સુધીમાં ક્રુઝ પર પાછા આવી જવાનું રહેશે. ક્રુઝ સાત વાગ્યે રવાના થશે.’, એનાઉન્સમેન્ટ સંભળાઈ. જો કે સ્ટાર ક્રુઝ પોતે જ એક ઓર્ગેનાઈઝડ ટુર અરેન્જ કરતુ હતું, જેમાં વ્યક્તિ દીઠ પચાસ ડોલર ચૂકવીને મલાક્કા સીટી ટુર કરી શકાય. તપાસ કરતા માલુમ પડ્યું કે, યુનેસ્કોએ આ શહેરને ૨૦૦૮માં ‘ઐતિહાસિક શહેર’ જાહેર કર્યું છે. આ ઓર્ગેનાઈઝડ ટુરમાં એક ફ્લોટિંગ મોસ્ક એટલે કે પાણીથી ઘેરાયેલી મસ્જીદ, એક ચર્ચ અને એક શોપીંગ મોલમાં લઇ જવાના હતા. પેડલ રીક્ષાની એક રાઇડ પણ કરાવવાના હતા. અમે ક્રુઝ પર જ રહેવાનું પસંદ કર્યું.
સાડા દસ વાગ્યે એક ક્રુ મેમ્બર લોકોને ‘સાંબા ડાન્સ’ શીખવાડવા લાગ્યા. સાત-આઠ વરસના બાળકોથી માંડીને સાહીઠ-બાસઠ વરસના બા સુધીના લોકોને આ ડાન્સ કરતા મેં જોયા. પોણી કલાક પછી, કાલ રાત વાળું બેન્ડ આવી પહોંચ્યું. એ જ દરમિયાન બીજા પુલ પાસે ફુવારા દ્વારા પાણી છાંટવાનું અને ડી.જે. પર ગીતો વગાડવાનું ચાલુ કરવામાં આવ્યું. આ ‘વેટ એન્ડ વાઈલ્ડ’ પાર્ટીમાં ઘણા લોકો ફુવારા નીચે નાચવા લાગ્યા. ક્રુઝ પર સિત્તેર ટકાથી પણ વધારે લોકો ગુજરાતી હતા.
બપોરનો લંચ અમે ‘બેલા વિસ્ટા’માં લીધો. બપોર પછી સુવા ના ઈચ્છતા લોકો માટે ‘સ્ટારડસ્ટ લોન્જ’ની મોટી સ્ક્રીન પર ‘બેટમેન વર્સેસ સુપરમેન’ મુવી ચડાવવામાં આવ્યું. જો કે મેં સુઈ જવાનું પસંદ કર્યું. ત્રણેક વાગ્યે ઉઠીને, ફ્રેશ થઈને, અત્યારે ઓબ્ઝરવેટરી લોન્જમાં ચાલી રહેલી ‘કેરીઓકે કમ્પીટીશન’ જોવા જવા હું તૈયાર થયો. આ સ્પર્ધામાં જે તે ગીતના શબ્દો કે વાક્યો સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે, જેને વાંચીને ગીત ગાવાનું હોય છે. બહાર નીકળતા જ મને એક ગુજરાતી સ્ત્રીનો અવાજ સંભળાયો, ‘જેવા છો એવા આંય કાં છતાં થઇ જાવ?’ એક રૂમમાં પતી-પત્ની વચ્ચે કંઈક તકરાર ચાલી રહી હતી. ઝગડો મોટું સ્વરૂપ લેવાનો હતો, પતિએ ઉભા થઈને ધડામ કરતો રૂમનો દરવાજો બંધ કરી દીધો. હું ઓબ્ઝરવેટરી લોન્જમાં ચાલ્યો ગયો, જો કે ‘કેરીઓકે’નો કલાઇમેકસ જ ચાલતો હતો. વિજેતા જાહેર કરવા માટે સ્પર્ધકોને આગળ બોલાવવામાં આવ્યા. વિજેતાનું નામ જાહેર થતા જ ત્યાં બેઠેલા સૌએ તાળીઓ પાડી. વિજેતા બહેને તેમને ગમતું ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો…’ ગીત ગાયું. ફરી લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા. ઉપર ઓસિયાના લોન્જમાં એક ક્રુ મેમ્બર લોકોને ‘હીપ હોપ ડાન્સ’ શીખવાડી રહ્યા હતા.
ધીમે ધીમે અગિયારમા અને બારમા ડેક પર લોકોનો ધસારો વધવા લાગ્યો. આજે રાત્રે સાડા દસે ડી.જે. અનીલ અને ડી.જે. જોશ સાથે બોલીવુડ ડિસ્કો પાર્ટી હતી. વ્યક્તિ દીઠ પંદર ડોલરની એન્ટ્રી ફી બાર્ગેનિંગ કરીને ઓછી કરાવવાની જવાબદારી ‘પરિમલભાઈ’એ લીધી. છેવટે એક કોમ્પ્લીમેન્ટરી સોફ્ટ ડ્રીંક સાથે દસ ડોલરનો ભાવ નક્કી થયો. હજુ તો પાંચ વાગ્યા હતા. ડાયનેસ્ટીના ફૂડ કાઉન્ટર પર ફ્રી આઈસ્ક્રીમ આપવાનું શરુ કરવામાં આવ્યું, ત્યાં તો પડા-પડી થઇ ગઈ. ગુજરાતી હોય એ અસ્તા રે?
‘મેક્સીમસ લોન્જ’માં પિઆનોવાદક ‘ફ્રેડ્ડી ચીન’ એંસીના દસકના ગીતો ગાઈ રહ્યા હતા. થોડીવાર પછી કંટાળો આવતા હું ત્યાંથી નીકળી ગયો. ‘સ્ટારડસ્ટ લોંજ’માં શરુ થવા જઈ રહેલા ‘ક્વીન ઓફ હાર્ટસ’ શોમાં અમે જગ્યા ગ્રહણ કરી. તે એક અદભુત મ્યુઝીકલ શો હતો, જેમાં ડાન્સની સાથે અજબ-ગજબના દિલધડક સ્ટંટ પણ દેખાડવામાં આવ્યા. ઘણા બધા કલાકારોની, ઘણા લાંબા સમયની પ્રેક્ટીસ અને મહેનત પોણી કલાકમાં જ રજુ થઇ ગઈ.
શો પતી ગયા પછી અમે ફરી તુતક પર ઠંડી હવામા બેઠા. પોણા નવે જમવા માટે ડીશ લીધી, ત્યારે એક બહેને અમને ચેતવ્યા કે બધા જ કાઉન્ટર શાર્પ નવ વાગે બંધ થઇ જશે. ખરેખર એવું જ થયું, નવના ટકોરે એ લોકોએ પીવાનું પાણી પણ લઇ લીધું!!!! સમયપાલનની અદભુત ચુસ્તતા મને ત્યાં જોવા મળી. કોઈપણ કાર્યક્રમ તેના લખેલા ચોક્કસ સમયે જ શરુ અને પૂરો થતો. હવે સાડા દસે શરુ થનારી ડી.જે. પાર્ટી સુધી અમારે આંટાફેરા જ કરવાના હતા.
ડી.જે. પાર્ટી એકઝેટ સાડા દસે શરુ થઇ ને બારે પૂરી. આ બોલીવુડ ડી.જે. હોવાથી, તેમાં નાચનારા મોટાભાગના લોકો ભારતીય જ હતા. બધા લોકો મન મુકીને નાચ્યા. ડી.જે. પાર્ટી પૂરી થતા જ અમે પોતપોતાના રૂમ તરફ ઉપડ્યા. ઓસિયાના લોન્જમાં ‘ઈન્સ્ટા સાઉન્ડ બેન્ડ’ સૌને મનોરંજન પીરસી રહ્યું હતું.

૪ નવેમ્બર : ક્રુઝની બહાર, સિંગાપોરની અંદર….
સવારે સાડા સાતે મારી આંખ ખુલી ગઈ. તૈયાર થઇ, નાસ્તો કરીને હું રીસેપ્શન કાઉન્ટર પર ગયો. અમે કોઈ જ ખરીદી કરી નો’તી, તેથી મારે કોઈ પેમેન્ટ પણ કરવાનું નો’તું. લાઈનમાં ઉભેલા ગુજરાતીઓ પાછળ હું ઉભો રહી ગયો. વારો આવતા દરેક વ્યક્તિ કાઉન્ટર પર મગજમારી કરી રહી હતી. વાત એમ હતી કે પહેલી નવેમ્બર પછી થયેલા બુકિંગ પર ટેક્ષ પેટે વ્યક્તિ દીઠ કંઈક ૩૮ ડોલર એટલે કે ૧૯૦૦ રૂપિયા લેવામાં આવતા હતા. અહીં આવેલા મોટાભાગના લોકો, કોઈ ને કોઈ ટુર થ્રુ જ આવેલા હોવાથી પોતે આ પેમેન્ટ કરશે નહીં એવી ધડ કરી રહ્યા હતા. મારો વારો આવ્યો, રીસેપ્શન ગર્લે મને કહ્યું, “ઓલ સેટલ સર…”, અમારા બધાના ટેક્ષના પૈસા પરિમલભાઈએ આગલા દિવસે જ ચૂકવી દીધા હતા…. જે તે ડેક પરના ટુરિસ્ટને તે જ ડેકની કોઈ એક લીફ્ટ પાસે ઉભેલા ક્રુ મેમ્બર પાસેથી પોતાનો પાસપોર્ટ પાછો લઇ લેવાનો હતો. જો કે ‘કોઈ ચૂકવણું બાકી તો નથી ને?’,તેનું વેરીફીકેશન કરીને જ તેઓ ટુરિસ્ટના પાસપોર્ટ પાછા આપતા હતા. હું મારો, મમ્મીનો અને પપ્પાનો પાસપોર્ટ લઈને રૂમ પર પાછો ફર્યો. સામાનની ફિકર કરવાની હતી જ નહીં! ઇન્સ્ટ્રકશન પ્રમાણે નવ વાગ્યા સુધીમાં જ રૂમના દરવાજા પાસે પેક કરીને મૂકી દીધેલો સામાન, જે તે ક્રુ મેમ્બર અમારા ચેકઆઉટની જગ્યાએ પહોંચાડી દેવાના હતા. અમે ઘણીવાર રૂમમાં આરામ કરતા બેસી રહ્યા. છેવટે અગિયાર વાગ્યે અમેં મરીનર્સ રેસ્ટોરન્ટમાં જઈને બેઠા. ત્યાંથી જ અમારે બહાર નીકળવાનું હતું.
મલાક્કાથી કોઈ ઘુસણખોરને ક્રુઝમાં લઇ આવ્યા નથી ને? એ ચેક કરવા ક્રુઝમાંથી બહાર નીકળતી વખતે આખી ઈમિગ્રેશન પ્રક્રિયા ફરીથી કરવામાં આવી. હા! એ જરૂરી હતું…. બધાની પ્રોસીજર પતતા બપોરના બે વાગી ગયા. ત્યાં બહાર જ પાંચથી અગિયાર નંબરના બેરીકેડ હતા. અમે પાંચમાં ડેક પર હતા, એટલે અમારો સામાન પાંચમાં નંબરના બેરીકેડ પાસે મુકવામાં આવ્યો હોય. અમારા સિંગાપોરના લોકલ ટુર ગાઈડ ‘એપ્રન’ તેની બસ સાથે આવી ગયા હતા. ત્રેવીસ ચોવીસ વર્ષની એ ચીની છોકરીએ પોતાનું નામ યાદ રાખવા, અમને ‘એપ્રિલ, મે, જુન, જુલાઈ…’ એવું બોલવા કહ્યું, જેથી એપ્રિલ પરથી એપ્રન નામ યાદ રહી જાય! અમારા સામાનને એક લોડીંગ ટેમ્પોમાં અને અમને બસમાં બેસાડવામાં આવ્યા. સામાન સીધો જ હોટલ પર પહોંચી જશે એવી સ્પષ્ટતા કરવામાં આવી. ક્રુઝ પર જમવાનું ખુબ જ સારું રહેતું. તેની કમ્પેરીઝનમાં અત્યારે જમવાનું ઠીક લાગ્યું.
સંસ્કૃત શબ્દ “સિંહપુર” અપભ્રંશ થઈને સિંગાપોર બન્યો છે. પહેલા અહીં સિંહ ખુબ જ જોવા મળતા, તેથી આવું નામ પાડવામાં આવેલું. ૭૪% લોકો ચીની હોવા છતાં અહીંની રાષ્ટ્રભાષા ‘મલે’ છે. આનું કારણ એ છે કે સિંગાપોર મલેશિયામાંથી જ છુટ્ટું પડેલું છે. જો કે અહીં અંગ્રેજી, મેન્ડ્રીન અને તમિલ, મલે કરતા પણ વધારે બોલાય છે. ૭૨૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની કુલ વસ્તી ફક્ત ૫૬ લાખ છે, જેમાં ૯% તમિલ ઇન્ડિયન અને ૧૩% ‘મલે’ લોકો છે. મલેશીયા અને ઈન્ડોનેશિયાની વચ્ચે આવેલો આ દેશ દુનિયાનો ૭માં નંબરનો સૌથો ઓછો ભ્રષ્ટ દેશ છે. અહીં આવેલા મોટા દરિયાઈ પોર્ટથી દેશને ઘણી મોટી આવક થાય છે. એ સિવાય બેન્કિંગ સેક્ટર અને ટુરિસ્ટની આવક પણ ગાંજી જાય એમ નથી. બારેય મહિના રહેતા ઉનાળાને કારણે તાપમાન ૨૫ થી ૩૭ ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે જ રહે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં વરસતો વરસાદ પણ એકસાથે પંદર મીનીટના ઝાપટાથી વધારે લંબાતો નથી.
આજનો દિવસ અમારે આરામ કરવાનો હતો. એપ્રનને રીવર સફારી અને નાઈટ સફારી વિષે પૂછતાં તેણે કહ્યું કે, “નાઈટ સફારીમાં તો ત્રણ દિવસનું એડવાન્સ બુકિંગ છે અને રીવર સફારીની લાસ્ટ એન્ટ્રી સાંજે પાંચ વાગ્યે બંધ થઇ જાય છે. અહીંથી તમે લોકો પ્રાઇવેટ ટેક્ષી કરીને જશો તો પણ લેટ થઇ જશો!!!” છેવટે અમે લોકોએ ત્યાં જવાનું માંડી વાળ્યું. જો કે અમને પાછળથી ખબર પડી કે લાસ્ટ એન્ટ્રી સાંજે છ વાગ્યે બંધ થતી હોય છે! આજનો અમારો લંચ મુસ્તફા માર્કેટની સામે આવેલી એક રેસ્ટોરન્ટમાં હતો. બે ફેમીલી તો જમીને ત્યાં જ શોપીંગ કરવા રોકાઈ ગયા. હોટલ પર પહોંચીને અમુક લોકો શોપીંગ કરવા ‘બુગી સ્ટ્રીટ’ ઉપડ્યા. અમારી હોટલનું નામ હતું, ‘પેનેન્ઝુલા એક્સેલ્સ્યોર’… તે ફ્યુરામાની કેટેગરીની હોટલ કહી શકાય. જો કે અત્યાર સુધીની એક પણ હોટલ થ્રી સ્ટારથી નીચેની કેટેગરીની નો’તી. પહેલા જ દિવસે એરપોર્ટ પરથી ખોવાયેલી નાસ્તાની બેગ અહીં મોકલવામાં આવી નો’તી, હવે તેને ભૂલી જવાની હતી! એપ્રનને ફરવા લાયક જગ્યા વિશે પૂછતાં તેણે નજીકમાં જ આવેલા ‘મરલાયન’ જવાની મને સલાહ આપી. આરામ કરવા ઈચ્છતા મમ્મી-પપ્પાને રૂમ પર જ છોડીને હું ‘મરલાયન’ જવા ઉપડ્યો .
સિંગાપોર એ પહેલા માછીમારી કરતુ ગામડું હતું. વળી પહેલા અહીં સિંહ પણ ખુબ જોવા મળતા. આથી ‘મરલાયન’ એ અડધો સિંહ અને અડધી માછલીની પ્રતિકૃતિ ધરાવતું પુતળું છે, જેના મોઢામાંથી પાણી બહાર ફેંકાય છે. આમેય ‘મર’નો મતલબ ‘દરિયો’ એવો થાય છે. હોટલથી ચાલીને આ જગ્યાએ પહોંચવા, મારે અમુક લોકોને રસ્તા વિશે પૂછવું પડ્યું. સિંગાપોરના લોકો મને ઓછા કો-ઓપરેટીવ અને થોડા એટ્ટીટયુડ વાળા લાગ્યા. રસ્તામાં મને ‘એશિયન સીવીલાઈઝેશન મ્યુઝીયમ’ જોવા મળ્યું. ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના સ્ટેચ્યુ ઉભા કરવામાં આવ્યા હતા. નદીના પાણીમાં કુદકો મારી રહેલા ચાર-પાંચ બાળકોનું સ્ટેચ્યુ, મજુરી કરી રહેલા સીન્ગાપોરીયનનું શોષણ કરતા અંગ્રેજનું સ્ટેચ્યુ તેમજ કેટલાક યાદગાર પુરુષોના સ્ટેચ્યુ…. કેટલાક લોકો બોટિંગ કરીને તો કેટલાક પોતાના પ્રિયજન જોડે બેસીને આ પળોને યાદગાર બનાવી રહ્યા હતા. ફિશિંગ કરતા બે બાળકો તેમજ દોડવા નીકળેલા એકલ દોકલ યુવક-યુવતીઓ પણ જોવા મળ્યા. આ જગ્યા પર ફરતા, હું અમદાવાદના રીવરફ્રન્ટ કે કાંકરિયા પર ફરી રહ્યો હોય એવું લાગ્યું, ઘડી બે ઘડી મને અમદાવાદ યાદ આવી ગયું. જો કે અહીંથી દેખાતા ‘સિંગાપોર ફ્લાયર’, ‘મરીના બે સેન્ડ’ હોટલ, ‘ધી ફુલરટન’ હોટલ, કમળ જેવું દેખાતું લોટસ બિલ્ડીંગ અને બીજા ઘણા મનમોહક બિલ્ડીંગના કારણે તે વધારે સુંદર બની જાય છે. અહીંનો મરલાયન લગભગ પચ્ચીસ ફૂટ ઉંચો છે. એકાદ કલાક બેસીને હું પાછો હોટલ આવવા નીકળ્યો. રસ્તામાં એક ચર્ચ પાસે મોટા મોટા સ્ટીલના હોય એવા ગોળા મને જોવા મળ્યા, લોકો તેની સામે ઉભા રહીને ગોળામાં દેખાતા પોતાના પ્રતીબીંબના ફોટા પાડી રહ્યા હતા. કુતુહલવશ હું થોડીવાર ત્યાં ઉભો રહ્યો તો મેં જોયું કે એ ગોળાઓમાંથી કંઇક આવાજ આવતો હતો…. ચર્ચમાં કરાતી પ્રાર્થના અહીં બેસીને પણ સાંભળી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી, ખરેખર તો તે સ્પીકર જ હતા!
હોટલ પર પહોંચતા સુધીમાં મેં જોઈ લીધું કે અહીંના લોકો કાયદાઓનો સખ્તાઈથી અમલ કરે છે. અહીં પણ કોઈ હોર્ન મારતું નથી. સિગ્નલ ઓન થયા પછી જ અને ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરીને જ લોકો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા. એપ્રને આજે જ કહ્યું હતું કે અમારે ક્રુઝમાંથી ઈમિગ્રેશન પતાવીને બહાર નીકળતા ઘણું મોડું થઈ ગયું હોવાથી, તેમની બસને કંઈક ૫૦૦ સિંગાપોર ડોલર એટલે કે પચ્ચીસસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો’તો! હોટલ પર પહોંચીને ફ્રેશ થઈને અમે ડીનર માટે નીચે ઉતર્યા. હોટલની લોબી એટલે કે રીસેપ્શન છેક સાતમા માળે હતું! એકથી ચાર માળ પાર્કિંગ, પાંચમો માળ હોટલ સ્ટાફ માટે અને છઠ્ઠો માળ રેસ્ટોરન્ટ તરીકે વપરાતો હતો. હોટલનો સ્વીમીંગ પુલ અને જીમ પણ સાતમાં માળે જ હતા. આ જ હોટલમાં રોકાયેલી જાપાનની નેશનલ રગ્બી ટીમ લોબીમાં જોવા મળતા, સૌએ તેમની સાથે સેલ્ફી લીધી.
ખરીદી કરવા ઇચ્છતા લોકો, જમવાનું પતાવીને બારોબર બુગી સ્ટ્રીટ ચાલ્યા ગયા. હોટલ પર પાછા આવીને હું મમ્મી-પપ્પાને મરલાયન જોવા લઇ ગયો. સીન આખો બદલાઈ ગયો હતો. દિવસ કરતા રાતની રોશનીમાં તે હજાર ગણું સારું લાગતું હતું! અહીંથી આટલું સરસ દેખાય છે તો અહીંથી દેખાતી ‘મરીના બે સેન્ડ્સ’થી કેટલું સરસ દેખાતું હશે? ૨૦૦૦ થી વધારે રૂમ અને ૨૦થી પણ વધારે રેસ્ટોરન્ટ ધરાવતી આ હોટલમાં છત પર એટલે કે ૫૭મા માળે દુનિયાનો સૌથી લાંબો રૂફટોપ સ્વીમીંગ પુલ આવેલો છે. ત્રણ ખુબ જ ઊંચા બિલ્ડીંગ પર ક્રુઝ ઉભું હોય એવો તેનો આકાર છે. વર્લ્ડક્લાસ કસીનો ધરાવતી આ હોટલમાં રાત્રી રોકાણ કરવું હોય તો ઓછામાં ઓછા ૧૯૦૦૦ રૂપિયા ચુકવવા પડે! પાછા ફરતી વખતે મેં જોયું કે નદીમાં વચ્ચે બનાવેલા માનવસર્જિત વાદળમાંથી પાણી વરસતું બંધ થઇ ગયું છે, જે પહેલા ચાલુ હતું.

૫ નવેમ્બર : કોણ બેસ્ટ? સિંગાપોર સીટી કે સેન્ટોસા આઈલેન્ડ?
સવારનો નાસ્તો પતાવીને હોટલની લોબીમાં જઈને અમે બેઠા. બધા આવતા નવને બદલે સાડા નવ થયા. અમારી હોટલની સામે નો પાર્કિંગ ઝોન હોવાથી, બસ એકવાર આવીને પાછી જતી રહી હતી. એક મોટો રાઉન્ડ લગાવીને તે પરત ફરી. અમે બસમાં બેઠા બેઠા જ સિંગાપોર સીટી હોલ અને સુપ્રીમ કોર્ટ જોયા. ત્યારબાદ અમને સિંગાપોર ફ્લાયર એટલે કે ચકડોળમાં લઇ જવામાં આવ્યા.
૨૦૦૮માં બનેલું આ ચકડોળ ઘણા વરસો સુધી દુનિયાનું સૌથી ઊંચું ચકડોળ રહ્યું છે. પણ, ૨૦૧૪માં યુ.એસ.એ.માં બનેલા એક ચકડોળે આ સ્થાન તેની પાસેથી આંચકી લીધું. સિંગાપોર ફ્લાયારમાં કુલ ૨૮ કેપ્સ્યુલ(બેસવા માટેના ગોળા) છે, જે દરેકમાં ૨૮ પેસેન્જર બેસી શકે… ૧૬૫ મીટર ઊંચા આ ચકડોળનો વ્યાસ(ડાયામીટર) ૧૫૦ મીટર છે. અધધધ… ૧૨૦૦ કરોડના ખર્ચે બનેલા આ ચકડોળને એક ચક્કર પૂરું કરતા ૩૨ મિનીટ થાય છે. મરલાયનથી દેખાઈ રહેલી દરેક જગ્યા અહીંથી વધારે આકર્ષક લાગે છે. મરલાયનથી ના દેખાતા ‘ગાર્ડન ઓફ બે’ અને દરિયાનો મોટો ભાગ પણ અહીંથી જોઈ શકાય છે. ‘ગાર્ડન ઓફ બે’માં ખુબ ઊંચા કૃત્રિમ વૃક્ષો બનાવવામાં આવ્યા છે, જેમાં ફીટ કરેલી લાઈટના કારણે અંધારામાં તે જોરદાર દેખાય છે. સિંગાપોર સીટી ખુબ નાના વિસ્તારમાં પથરાયેલું છે અને પાછું આ ચકડોળ સિટીના છેડે આવેલું છે. માટે ફ્લાયરમાંથી પાડોશી રાષ્ટ્ર મલેશીયા અને ઈન્ડોનેશિયાની સરહદ પણ જોઈ શકાય છે!
હવે અમને ફરી મરલાયન લઇ જવામાં આવ્યા. હું તો ગઈકાલે જ મારા પાવન પગલા ત્યાં પાડી આવ્યો’તો! જો કે બે વાર ગયા પછી પણ કંઈક જોવાનું બાકી હતું, તે હતું ‘બેબી મરલાયન’…. ફક્ત બે મીટરની ઉંચાઈનું તે, મુળ મરલાયનની પાછળ જ આવેલું છે…
સિંગાપોરમાં રહેલા અમુક નિયમો વિશે અમને આજે આવેલા નવા ગાઈડ કહી રહ્યા હતા, તે સાઈઠ વરસના પણ એકદમ સ્ફૂર્તિલા હતા. સૌએ તેમનું નામ ‘નીલીમા’ પાડ્યું’તું… “અહીં મકાન ખુબ જ મોંઘા હોય છે. ૧૨૦ ચોરસવારનું મકાન લગભગ અઢી કરોડમાં પડે… એ પણ ‘સરકારી આવાસ યોજના’નું હોય તો… અહીં પગાર ધોરણ પણ ખુબ જ ઊંચા છે. સરકાર એવું માને છે કે જો પગાર ઊંચા આપવામાં આવે તો ભ્રષ્ટાચાર થતો નથી.”
‘અમારા દેશમાં તો ગમે તેટલો પગાર આપે તોય ભ્રષ્ટાચાર થાય જ…
પગારની તો રાવ(કમ્લેન) છે,
બાકી સંતોષ, સમજણનો અભાવ છે,
એટલે તો ભ્રષ્ટાચારનો તાવ છે!!!’, હું બોલ્યા વગર રહી ના શક્યો.
“જેની માથાદીઠ માસિક આવક ૮૦૦૦SGD(ચાર લાખ રૂપિયા) હોય તેને સરકારી આવાસ યોજનામાં મકાન ના મળી શકે. જો કે મારા જેવા નોર્મલ માણસની આખી જીંદગી એક મકાન ખરીદવામાં જ જતી રહે છે. અહીં દરેક માટે આર્મી ટ્રેનીંગ ફરજીયાત છે. અઢાર વર્ષનો થયા બાદ, યુવાન એક વરસની આવી ટ્રેનીંગ ના લે ત્યાં સુધી કોઈપણ યુનીવર્સીટીમાં તેને પ્રવેશ મળતો નથી. સિંગાપોરમાં બેકારી ખુબ ઓછી, ખાલી ૨% જ છે. સિંગાપોરમાં બહુ ઓછા લોકો પાસે પોતાની કાર હોય છે. અહીં કાર લેતા પહેલા અમારે એક સર્ટીફીકેટ લેવું પડે છે, જે મેળવવા ૫૦,૦૦૦SGD(પચ્ચીસ લાખ રૂપિયા) ચુકવવા પડે. વળી આ સર્ટીફીકેટ ખાલી દસ વરસ માટે જ વેલીડ ગણાય. પ્રદુષણ રોકવા, દસ વરસ પછી કોઈ પણ કારને સ્ક્રેપ કરી દેવામાં આવે છે!!! ભારતમા વીસેક લાખમાં મળતી કાર ખરીદવા અહીં સિત્તેરથી એંસી લાખ ચુકવવા પડે છે! જો કે અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા સારી હોવાથી વધારે લોકો બસ કે ભૂગર્ભ મેટ્રો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે.”
એક આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે, આટલા દિવસમાં અમે કોઈ પણ જગ્યાએ રખડતા ઢોર જોયા જ નથી. ના તો મલેશિયામાં કે ના તો સિંગાપોરમાં….. ખાલી ભારતમાં જ પ્રાણીઓને રસ્તા પર રખડવાની છૂટ છે! ભારત જીવદયામાં માને છે ને એટલે!!!! બીજું અહીંયા ટોલબુથ પર બુથ(કેબીન) હોતા નથી. એટલે કે જયારે વાહન આવા ટોલબુથ પરથી પસાર થાય ત્યારે સી.સી.ટી.વી. કેમેરાથી જે તે વાહનની નંબર પ્લેટ સ્કેન થઈને તે વાહન જેના નામે રજીસ્ટર હોય તેના ખાતામાંથી ત્યારે જ જે તે એમાઉન્ટ કપાઈ જાય. જો ખાતામાં પૈસા ના હોય તો ખુબ મોટો દંડ ચૂકવવો પડે! આવી એડવાન્સ સિસ્ટમથી કોઈ પણ પ્રકારની લાઈન કે ટ્રાફિક જોવા ના મળે… પાછો ટ્રાફિક અવર્સમાં આ ટેક્ષ ખુબ વધારે હોય… એટલે ટ્રાફિક અવર્સમાં લોકો વાહનનો ઉપયોગ કરવાનું ટાળે અને ટ્રાફિકજામની સમસ્યા જ ન સર્જાય. ટ્રાફિક અવર્સમાં અને રાતના નવ પછી ટેક્ષીભાડા પણ દોઢા ચુકવવા પડે છે!
સિંગાપોરમાં પણ એક ચોકલેટ ફેક્ટરીમાં લઇ જવામાં આવે છે. અંદર પ્રવેશતા જ સૌને ચાની ભરેલી પ્લાસ્ટિકની પવાલીથી પણ ઓછી માત્રામાં ગરમ કોકો(ઓગળેલી ચોકલેટ) આપવામાં આવ્યો. જો કે મલેશિયાની ચોકલેટ ફેક્ટરીની જેમ અહીં અંદર કંઈ જ જોવા લાયક ન હતું. આ પ્યોરલી આઉટલેટ સ્ટોર હતો, જ્યાં ઘણી બધી વેરાયટીની ચોકલેટ વેચાતી હતી. ત્યાં વધારે સમય ન બગાડતા અમે બસમાં બેસી ગયા.
“તમારો જે પણ સામાન હોય તે બસમાંથી લઇ લેજો, આપણે સેન્ટોસા પહોંચી ગયા છીએ.”, નીલીમાએ કહ્યું.
ખુબ જ વિશાળ જગ્યામાં પથરાયેલા સેન્ટોસા અને યુનિવર્સલ સ્ટુડીઓ સામ-સામે જ આવેલા છે. ૨.૧ કિમી લાંબી મોનોરેલ અને ૧.૬ કિમી લાંબી રોપ-વે, સેન્ટોસા આઈલેન્ડને સિંગાપોરના મેઇન આઈલેન્ડ સાથે જોડે છે. સેન્ટોસા અને યુનિવર્સલ સ્ટુડીઓ એ બંનેને વ્યવસ્થિત રીતે જોવા હોય તો ઓછામાં ઓછા બે દીવસ તો જોઈએ જ… સેન્ટોસાનો મતલબ “સંતોષ’ થાય છે. અમારે સૌ પ્રથમ ‘તાયફૂન થીયેટર’ જોવાનું હતું. એન્ટર થતા જ રસ્તામાં નાનું પણ સરસ મુઝીયમ જોવા મળ્યું. પોણા આઠ મીટરની ત્રિજ્યામાં બનાવેલી બેઠકમાં દોઢસો પ્રેક્ષક એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા ‘તાયફૂન થીયેટર’માં છે. અહીં સાડા સાત મીટરની ત્રિજ્યાનો ૨૩ મીટર લાંબો ગોળાકાર પડદો આવેલો છે , જે લોકોને ૩૬૦ ડિગ્રીનું મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મમાં અમુક ખલાસીઓને એક વસ્તુ, દરિયાપાર પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ દરિયામાં તોફાન આવે છે અને જહાજ દરિયામાં ડૂબી જાય છે. આ સમગ્ર ચિત્રણ 4-Dમાં કરવામાં આવ્યું છે. તોફાનમાં ઉછળતા મોજાનું પાણી થીયેટરમાં બેઠેલા દરેકને ઉડે છે! એ સિવાય જયારે જહાજ દરિયામાં ડુબે છે, ત્યારે આપણે દરિયામાં ઊંડે ગરકી રહ્યા હોય એવું લાગે છે, કારણકે સ્થિર રહેલી ખુબ મોટી સ્ક્રીન સામે આખું થીયેટર જ ચારેક મીટર જેટલું નીચે સરકે છે!!!! જબરજસ્ત…..
‘તાયફૂન” થીયેટરની એક્ઝીટ એક મોટા એક્વેરીયમની એન્ટ્રી છે. ખુબ જ મોટા આ માછલીઘરની શરૂઆતમાં જ, ફિલ્મમાં તોફાનોનો સામનો કરીને બે ભાગમાં ભાંગીને ડૂબી ગયેલું વહાણ એક્વેરીયમના પાણીમાં ડૂબેલું જોવા મળે છે. લાગણીશીલ ડોલ્ફીનથી લઈને કાતિલ શાર્ક સુધીની પચ્ચીસોથી પણ વધુ જાતની માછલીઓ અને બીજા અઢીસોથી પણ વધુ જાતના જળચર અહીં રાખવામાં આવ્યા છે. તેમાંય, અંદર આવેલું “ઓસનેરીયમ”(દરિયા જેવુ એક્વેરિયમ) તો ૮૦ મીટરથી પણ વધારે લાંબુ અને ત્રણેકમાળ જેટલું ઊંચુ છે. ઓસનેરીયમમાં કાચની પેલે પાર જવા ઇચ્છતા વિઝીટર ‘સ્કુબા ડાઈવ’ પણ કરી શકે છે. આ “ઓસનેરીયમ”ની સામે બેસીને તેમાં તરતા જળચરને જોઈએ એટલે એવું જ લાગે કે જાણે આપણે દરિયાની અંદર બેઠા છીએ!
એક્વેરિયમની બહાર નીકળતા જ દેખાતા ૩૭ મીટર ઊંચા મરલાયનની આગળ ઉભા રહીને અમારો એક ગ્રુપ ફોટો ખેંચવામાં આવ્યો. આ મરલાયનનું ખુલ્લું મોઢું એટલે કે નવમો માળ એ ‘વ્યુ ડેક’ છે, જ્યાંથી ઉભા રહીને સેન્ટોસા અને યુનિવર્સલ સ્ટુડિયોનો ઘણો મોટો ભાગ જોઈ શકાય છે. અમે ટાઇગર સ્કાય ટાવર પણ જોયો, જેમાં ૧૧૦ મીટર ઉભા થાંભલાની ફરતે આવેલી ચક્કરડી ૧.૨ મીટર/સેકન્ડની ઝડપે નીચેથી ફરતા ફરતા છેક ઉપર ચડે છે. એક સાથે ૭૨ વિઝીટર્સ આ ચક્કરડીમાં બેસીને, ટોપ પરથી આખા સેન્ટોસાનો વ્યુ જોઈ શકે છે.
સેન્ટોસામાં આવેલા બટરફ્લાય પાર્કમાં અલગ અલગ પચાસથી પણ વધારે જાતના પંદર હજાર પતંગિયા આવેલા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વપરાયેલી બંદુકો, બંકર્સ, બેરેકસ અને ટનલ્સ જોવી હોય તો અહીં આવેલા ‘સીલોસોના કિલ્લા’માં જવું પડે. જુગારના શોખીન લોકોએ નિરાશ થાવાની જરૂર નથી, અહીં કસીનો પણ આવેલો છે. કમનસીબે સેન્ટોસામાં જ આવેલુ ‘મેડમ તુસાદ વેક્સ મ્યુઝીયમ’, અમે જોઈ શક્યા નહીં.
“છલ્લો, છલ્લો… ઝલદી, ઝલદી…. નો દીમે, દીમે….”, નીલિમા આગળ ચાલતા ચાલતા હિન્દી બોલી રહ્યા હતા. તેઓ અમુક શબ્દો હિન્દીમાં બોલવાનો પ્રયત્ન કરતા, પણ તેમના ઉચ્ચાર ભયંકર રહેતા!
“આ બેન અઠવાડિયું આપણી જોડે રે’ને તો આપણું હિન્દી બગાડી નાખે….”, અમારા ગ્રુપના પીયુશભાઇ રાજા હસતા હસતા બોલ્યા. ગ્રુપના ઘણા બધા મેમ્બર નીલિમાની નકલ કરતા, એવું જ બોલી રહ્યા હતા….
મોનોરેલમાં બેસીને અમે ‘કેબલ કાર રાઇડ’ માટેના જંકશને ગયા. ‘કેબલ કાર રાઇડ’ દરમિયાન ઉપરથી જ અમને અદભુત બીચ બંગલા, બીચ પર મજા કરતા લોકો અને ઘણું ખરું સેન્ટોસા જોવા મળ્યા. બાદમાં અમે સ્કાય રાઈડ અને લુજ રાઈડની મજા માણી. સ્કાય રાઈડમાં છસ્સો મીટરથી પણ વધારે લંબાઈનું અંતર હવામાં દોરી પર સરકતા ખુલ્લા બાંકડા(ચાર જણા બેસી શકે એવી ખુરસી જેવી બેઠક) પર કાપવામાં આવે છે, જેથી ઉડતા પંખીને દેખાય એવો નજારો માણી શકાય. આ રાઈડમાં બેસવા માટે નિશાન કરેલી જગ્યા પર ઉભું રહેવાનું હોય છે, જેથી પાછળથી આવતો બાંકડો ઝટકા સાથે જ આપણને એમાં બેસાડી લે અને એવી જ રીતે ચાલુ બાંકડામાંથી જ ઉતરવાનું હોય છે. સ્કાય રાઈડથી સામા છેડે પહોંચીને, ત્યાં ઉતરી જઈને પાછું લુજ રાઈડ કરીને આવવાનું હતું…. સ્ટેરીંગમાં જ લીવર અને બ્રેક આવેલી હોય એવી કાર ટ્રેક પર ચલાવીને પાછા આવવાનું હોય છે. સ્ટેરીંગને પોતાની તરફ ખેંચો તો સ્પીડ વધે અને સામે બાજુ ધક્કો મારો તો બ્રેક વાગે એવી રચના હોય છે. ટ્રેક પર એક બેન ફૂલ સ્પીડે ગાડી વળાવવા જતા ઉંધા થઇ ગયા!!! સાઈકલ પણ નથી આવડતી એવા મારા મમ્મી આ રાઈડમાં સૌથી પહેલા થઇ ગયા હતા…
હા! જેમને એડવેન્ચર કરવું ખુબ ગમે છે, તેમણે ‘મેગાઝીપ એડવેન્ચર પાર્ક’ અને ‘આઈ ફ્લાય’ની મુલાકાત અવશ્ય લેવી. દરિયાની સપાટીથી ૭૨ મીટર ઉંચાઈએ આવેલા અને ૪૫૦ મીટર લંબાઈમાં ફેલાયેલા એડવેન્ચર પાર્કમાં ૫૦ ફૂટની ઉંચાઈથી ‘પેરાજંપ’, ૧૬ મીટર ઊંચું ‘રોક ક્લાઈમ્બીંગ’(પર્વતારોહણ) તેમજ ૪૦ ફૂટની ઉંચાઈ પર રોપ ગ્લાઈડીંગ કરી શકાય છે. ‘આઈ ફ્લાય’ એ ‘ગેન્ટીંગ’માં આવેલી વિંડ ટનલ જેવી જ પણ વધારે ખતરનાક ટનલ છે. સાડા સોળ ફૂટ વ્યાસની આ ટનલમાં પચાસ ફૂટથી પણ વધારે ઉંચાઈ થી નીચે ફંગોળવામાં, ઉપર ખેંચવામાં અને ઉંધા-ચત્તા કરવામાં આવે છે.
૧૯૯૪માં બનેલો ફેન્ટસી આઈ લેન્ડ એ સેન્ટોસામાં આવેલો એક વોટર થીમ પાર્ક હતો. પરંતુ ૨ નવેમ્બર, ૨૦૦૨ ના દિવસે ત્યાં અકસ્માત સર્જાતા, બે લોકોના મોત અને ઘણા બધા લોકો ઘાયલ થયા હતા. ત્યારથી બંધ થયેલો તે હજુ પણ બંધ જ છે.
હવે અમારે ‘વિંગ્સ ઓફ ટાઇમ’ કરીને એક ફાઉન્ટેન શો જોવાનો હતો. ગાંધીનગરના અક્ષરધામમાં આવેલા ‘સત-ચિત્ત-આનંદ’ વોટર શોની જેમ જ અહીં પણ પાણીના પડદા પર લેસર પ્રોજેક્શન, આગની જ્વાળાઓ અને ફુવારા દ્વારા એક સુંદર પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. અહીં પ્રોજેક્શન માટે ૧૨૦ મીટર લાંબા પાટિયાનો ઉપયોગ થાય છે, જે તેને ‘સત-ચિત્ત-આનંદ’ કરતા જુદો પાડે છે. જો કે ‘સત-ચિત્ત-આનંદ’ એ ‘વિંગ્સ ઓફ ટાઇમ’ કરતા અનેક ગણો સારો વોટર શો છે એવું મને લાગ્યું.
અહીં આવેલા 4-D થીયેટરમાં પોણા બે કલાકનું ‘Journey – 2, The Mysterious Island’ મુવી જોઈ શકાય છે. ભૂતપૂર્વ રેશ્લીંગ ચેમ્પિયન ‘રોક’ આ ફિલ્મના મુખ્ય અભિનેતા છે. આ સિવાય ‘ડેસ્પરાડો’ કરીને આવેલી 4-D ગેમમાં શુટિંગનો અલગ જ અનુભવ કરી શકાય છે. ‘ફાઈટ અગેન્સ્ટ ફીયર’ કરીને 4-D અનુભવ કરાવતી રાઈડ અને એક 4-D રોલર કોસ્ટર પણ અહીં આવેલા છે.
અમારો દિવસ ભરાઈ ગ્યો. ખુબ મજા કરીને બધા ખુબ થાક્યા હતા. રસ્તામાં ડીનર કરીને અમે સૌ પથારી ભેગા થઇ ગયા.

૬ નવેમ્બર : યુનિવર્સલ સ્ટુડિયો, હાર્ટ ઓફ સિંગાપોર…..
આજ સવારથી જ સૌ એક્સાઈટેડ હતા, અમારે યુનિવર્સલ સ્ટુડિયો જવાનું હતું. સૌના આશ્ચર્ય વચ્ચે બધા જ લોકો નાસ્તો કરીને શાર્પ નવ વાગ્યે હોટલ લોબીમાં પહોંચી ગયા. તેનું ચોક્કસ કારણ કહું તો…. કાલે નીલિમાએ એવું કહેલું કે, “યુનિવર્સલ સ્ટુડિયોમાં અમુક અમુક આકર્ષણમાં ખુબ લાંબી લાઈનો લાગે છે. ‘ટ્રાન્સફોર્મર’ જેવામાં તો ઘણી વાર અઢી-અઢી કલાક ઉભા રહેવું પડે છે. જો તમારે લાઈનમાં ન ઉભવુ હોય તો ‘એક્સપ્રેસ પાસ’ ખરીદી શકાય છે, જેની કિંમત નેવું સિંગાપોર ડોલરથી શરુ થાય છે! ભીડ વધતા ‘એક્સપ્રેસ પાસ’ની કિંમત પણ વધી જાય છે! જો ‘એક્સપ્રેસ પાસ’ ન ખરીદવો હોય તો બીજો રસ્તો એવો છે કે તમે લોકો ત્યાં શાર્પ દસ વાગે પહોંચી જાવ…યુનિવર્સલ સ્ટુડિયો સવારે દસ વાગે ખૂલતો હોવાથી અગિયાર વાગ્યા સુધી ખાસ ભીડ હોતી નથી. એવી જ રીતે બપોરે બે થી ત્રણમાં લંચ કરવા ગયેલા ટુરીસ્ટને કારણે તેમજ સાંજે પાંચ પછી સેન્ટોસામાં ચાલ્યા ગયેલા લોકોને કારણે એ દરમિયાન પણ ભીડ ઓછી થઇ જાય છે.”
આજે ફરી અમને નવા ગાઈડ જોવા મળ્યા. છ હાથ ઉંચો ‘તોફીક’ અમારો આજનો ગાઈડ હતો. ‘આજે મજાક કરવામાં ધ્યાન રાખવું પડશે, ક્યાંક છેલ્લે દિવસે ટાંટિયા નો ભંગાવે! આ ગાઈડની હાઈટ બોડી તો જો…”, પીયુષભાઈ રાજા મજાક કરતા બોલ્યા. અમે લોકો બસમાં બેઠા.
“મારું નામ ‘તોફીક’ છે, પણ તમે લોકો મને મીઠી મીઠી ‘ટોફી’(ચોકલેટ) કહી શકો છો. આ બસમાં બધા જ કપલ જોડે જોડે બેઠા છે, તે જોઈને મને ખુબ આનંદ થયો. આમાંના ઘણા કપલ તો પચાસથી પણ ઉપરના લાગે છે… હજુ પણ તમારી વચ્ચે આટલો બધો પ્રેમ છે તે આનંદ અને આશ્ચર્યની વાત છે!!! બાકી તો હું પણ પરણેલો છું, એટલે પરણેલાની વ્યથા સારી રીતે સમજી શકું છું! હમણા થોડા દિવસ પહેલા એક ગ્રુપને રીસીવ કરવા હું એરપોર્ટ પર ગયેલો. તે ગુજરાતી ગ્રુપના એક કપલમાં જોરદાર ઝગડો થઇ ગયેલો…. એટલે વાઈફ બસમાં પાછળ જઈને બેઠી અને હસબંડ આગળ! થોડીવાર પછી હસબન્ડે પાછળ ફરીને વાઈફ સામે જોયું તો દેવીએ મોઢું મચકોડીને છણકો કર્યો અને મોઢું ફેરવી લીધું. જવાબમાં પતિદેવે પણ આવા જ એક્સપ્રેશન આપ્યા!
ગુજરાતીઓની એક કમ્પ્લેન હોય છે કે, સિંગાપોરમાં બહુ સારું ખાવાનું મળતું નથી, મેનુ પણ દરરોજ એક જેવું જ હોય છે. એક ભાઈ તો મને કહેતા હતા કે, ‘ટોફી, તમે લોકોએ મને અહીં એટલો બધો રવા હલવો ખવડાવ્યો છે કે હું તે જીંદગીમાં ય નહીં ખાવ.’
મને એમ કે હું જ પહેલવાન છું, પણ એક વાર તો મારા કરતા પણ મજબુત ટુર મેનેજર આવેલો. તેને જોઇને હું તો ડરી જ ગ્યો! આ ક્યાંક મારા હાથ પગ ના ભાંગી નાખે!!!!”, આવું ઘણું બધું કહીને તે સૌને હસાવવાનો પ્રયત્ન કરતો રહ્યો. આટલા દિવસોમાં જોવા મળેલો તે સૌથી વધારે કોમેડી ગાઈડ હતો.
ટીકીટની વિધિ પૂરી કરીને યુનિવર્સલ સ્ટુડિયોમાં અંદર ઘુસતા સાડા દસ થઇ ગયા. અમે સીધા જ ટ્રાન્સફોર્મરમાં ગયા. અડધી કલાકની લાઈન પછી અમારો વારો આવ્યો. ખરેખર તે એક અદભુત રાઈડ છે. 3-D એક્સપીરીયન્સ કરાવતી આ રાઈડમાં અલગ અલગ જગ્યાએ આપણી પર હુમલો થાય છે અને ‘ટ્રાન્સફોર્મર’ આપણને તેનાથી બચાવે છે! એક જગ્યાએ તો આપણી તરફ ફેંકાયેલ ગ્રેનેડ આપણા મોઢા પાસે આવીને ફૂટે છે અને આપણને દાઝ્યા હોય એવી ગરમી પણ અનુભવાય છે!!! આપણી આજુબાજુ ધરાશાયી થઇ રહેલી ઉંચી ઉંચી બિલ્ડીંગો અને અફડાતફડીનો માહોલ આપણને એવો જ અનુભવ કરાવે છે કે જાણે આપણે બેટલ ફિલ્ડ પર જ ના હોઈએ?
ત્યારબાદ અમે ‘રીવેન્જ ઓફ ધ મમી’માં ગયા. આમ તો તે એક પ્રકારનું ઇન્ડોર રોલર કોસ્ટર જ છે, જે અંધારામાં ચાલતું હોવાથી બિહામણું બની જાય છે! તેમાં ગાડી ફૂલ સ્પીડે એક દરવાજા તરફ ગઈ… અમને એમ કે હમણાં જ એક્સીડન્ટ થશે, પણ શોર્ટ બ્રેક વાગી અને તે દરવાજામાંથી ઢગલાબંધ જીવડા નીકળી પડ્યા… તેનાથી બચવા ગાડી રીવર્સમાં ભાગવા લાગી! એક સમયે તો ગાડી ‘મમી’ના વિશાળ ખુલ્લા મોઢામાં ઘુસી જાય છે. અંદર ફેલાયેલા ગાઢ અંધકારમાં ફૂલ સ્પીડે થતા ઉતાર-ચડાવ અને ‘મમી’ના ડરામણા અવાજો ગમે તેને બીવડાવી દેવા સક્ષમ હતા. એક ચાલીસેક વરસના હટ્ટા-કટ્ટા ભાઈ તો એટલા બધા ડરી ગયા કે તેઓ રડતા રડતા બહાર નીકળ્યા! આ સિવાય ‘એન્સીયન્ટ ઈજીપ્ત’ નામના આ જ થીમ પાર્કમાં આવેલા ‘ટ્રેઝર હન્ટર’માં એક જીપ ચલાવીને ડેઝર્ટ(રણ) રાઈડ કરી શકાય છે, જેમાં આપણે ઈજીપ્તની ત્યજી દેવાયેલી ખોદકામ સાઈટમાંથી પસાર થઇ રહ્યા હોય એવો અનુભવ કરી શકીએ છીએ.
હવે અમે ‘ધ લોસ્ટ વર્લ્ડ’ થીમપાર્કના ‘જુરાસિક પાર્ક રેપીડ એડવેન્ચર’માં ગયા. એક ગોળ-ગોળ ફરતી બોટમાં છ જણાને બેસાડીને તેને વહેણમાં છોડી દેવામાં આવી. આ વહેણ એક જંગલમાંથી પસાર થાય છે, જેમાં હાલતા ચાલતા જુદી જુદી જાતના ડાયનોસોર, પાણીના ધોધ અને બીજું ઘણું આવેલું છે. તે એક ટનલમાંથી પણ પસાર થાય છે, જ્યાં ભયાનક અંધારું હોય છે. અચાનક જ બોટ એક બંધ દરવાજા સામે આવી જાય છે, જે ટનલની એક્ઝીટ છે, પણ દરવાજો ખૂલતો નથી. એ દરમિયાન ઉપરથી એક વિશાળ ડાયનોસોર પોતાનું મોઢું ફાડીને આપણને ખાવા નીચે ધસી આવે છે! મોઢૂ એકદમ નજીક આવતા જ ટનલનો દરવાજો ખુલી જાય છે અને ત્યાં ઢાળ હોવાથી બોટ એકદમ ઝડપથી નીચેની બાજુ તણાય છે… આ રાઈડમાં અમે બધા ખુબ ભીંજાઈ ગયા હતા…
હવે અમારે જમતા પહેલા જ ‘સાયલોન’ રોલર કોસ્ટરમાં બેસી જવું એવું નક્કી કરીને અમે ‘સાઈ-ફાઈ સીટી’ થીમપાર્કમાં ‘સાયલોન’ની લાઈનમાં ઉભા રહ્યા. તે મને સૌથી ભયંકર રાઈડ લાગી. ૮૨.૧ કિમી/કલાકની ફૂલ સ્પીડે દોડતા આ રોલર કોસ્ટરમાં પાંચ વાર તો બેસનારને ઉંધા કરી દેવામાં આવે છે! શરુ થયું ત્યારથી જ મારી આંખો બંધ થઇ ગઈ… વચ્ચે બે-ત્રણ વાર ખોલી પણ તરત બંધ થઇ જાય! સાચું કહું તો મારા તો ધબકારા જ વધી ગયા… અમારા ગ્રુપના સાહીઠથી પણ વધારે વરસના એક આંટી ભૂલથી આમાં બેસી ગયેલા! તેમની હાલત તો મારા કરતા પણ ખરાબ થઇ ગઈ! તેમને એમ જ લાગેલું કે ‘તેઓ હવે જીવતા પાછા જવાના નથી!’ જો કે તેઓ આજે પણ સલામત છે….
પરિમલભાઈએ કહ્યું હતું એ પ્રમાણે અમારે લંચ લેવા માટે યુનિવર્સલ સ્ટુડિયોની બહાર જવાનું હતું. અમે એન્ટ્રી પાસે પહોંચ્યા. બહાર નીકળતી વખતે સૌને હાથ પર એક મેજિક સ્ટેમ્પ મારી આપવામાં આવ્યો, જે અદ્રશ્ય હતો. બહાર એક મોટી સાઈઝનો ફરતો પૃથ્વીનો ગોળો આવેલો છે, જેના પર ‘યુનિવર્સલ સ્ટુડિયો’ એવું લખેલું છે. અમે લોકોએ ભાજીપાઉં, સેવ-ટમેટાનું શાક, પૂરી, કઢી, ખીચડી અને ખમણના ફૂડ પેકેટ ખાધા. જમવાની ખુબ જ મજા આવી. ફરી અંદર દાખલ થતી વખતે પેલા મેજિક સ્ટેમ્પ સ્કેન કરવામાં આવ્યા.
હવે અમે ‘ફાર ફાર અવે’ થીમ પાર્કમાં આવેલા ‘4-D Shrek’માં ગયા. તે એક નાનું 4-D મુવી છે. આ મુવીમાં સ્ક્રિનની પેલી બાજુએ રહેલો ગધેડો છીંકતા આપણા ચહેરા પર થુંક ઉડે છે! કરોળિયા જમીન પર પડતા તે આપણા પગમાં ચડવા લાગ્યા હોય એવો અનુભવ થાય છે! ભૂત જેવી રખડતી આત્મા આવે તો કાન પાસે પવન ફૂંકાય છે!
અહીં આવેલા ‘મડાગાસ્કર’ થીમપાર્કમાં ‘જુરાસિક પાર્ક રેપીડ એડવેન્ચર’ની જેમ જ એક બોટ રાઈડ કરાવવામાં આવે છે. જો કે અહીં આખો જ ટ્રેક ઇન્ડોર છે! ‘મડાગાસ્કર’ ફિલ્મમાં આવતા બધા જ કેરેક્ટર એલેક્સ ધ લાયન, પેન્ગ્વીન, ભાલું અને બીજા ઘણાની વચ્ચેથી બોટ પસાર થાય છે. દરેક કેરેક્ટર હાલતા, ચાલતા, બોલતા બનાવવામાં આવ્યા છે, સૌ જીવતા હોય એવું લાગે છે! આ દરમિયાન અમને એક મોટો ધોધ જોવા મળ્યો, જેની નીચેથી બોટ પસાર થવાની હતી! મોબાઈલ, વોલેટ અને અમે ભીંજાઈ જઈશું એમ માનીને અમે સૌ ગભરાયા. પણ, સૌના આશ્ચર્ય વચ્ચે અમે જેવા તે ધોધની નજીક પહોંચ્યા કે તે બંધ થઇ ગયો! ત્યાં લગાવેલા સેન્સરને કારણે દરેક પસાર થતી બોટ વખતે આવું થતું હતું! નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિને ગમે એવું તે બનાવવામાં આવ્યું છે…
યુનિવર્સલ સ્ટુડિયોમાં સવારે દાખલ થયા ત્યારે જ એક ઇન્ફોર્મલ પેપર અને આખા યુનિવર્સલ સ્ટુડિયોનો મેપ સૌને આપવામાં આવેલો. ઇન્ફોર્મલ પેપરમાં દર્શાવેલા શોના ટાઈમીંગ પ્રમાણે હવે ‘વોટર વર્લ્ડ’ નામનો શો શરુ થવાનો હતો. ‘ધ લોસ્ટ વર્લ્ડ’ થીમપાર્કમાં થતો આ શો દિવસમાં બે જ વાર થાય છે. ગાઈડના કહ્યા પ્રમાણે તે મિસ કરવામાં ખુબ મોટો લોસ હતો. વળી જો વધારે મજા કરવી હોય તો આગળની બાજુએ અથવા બ્લ્યુ નિશાન વાળા બાંકડાઓ પર બેસવાનું હતું. અમે આગળ બેઠા. ખરેખર આ એક અદભુત શો હતો. જબરજસ્ત કોમેડીથી શરુ થયેલા આ શોમાં પાણીના સ્ટંટ, ફાઈટ, ડ્રામા, લવ અને બીજું ઘણું બધું લાઇવ માણવા મળ્યું. એક સ્ટંટમાં તો ક્યાંકથી એક સાચું વિમાન ઉડીને ધસી આવે છે, જે બધાને છક્ક કરી દે છે. આ શોનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી. તેને ખરેખર જાણવો હોય તો તેને માણવો જ પડે!!!
‘ધ લોસ્ટ વર્લ્ડ’માં આવેલા ચકડોળ, ‘ડાયનો-સોરીન’ નામની એક રાઈડ અને રોક-ક્લાઈમ્બીંગ(પર્વતારોહણ)ને અમે સ્કીપ કરી દીધા.
“ન્યુ યોર્ક” થીમપાર્કમાં આવેલા ‘લાઈટસ, કેમેરા, એક્શન’ નામનું આકર્ષણ આજે મેન્ટેનન્સમાં હતું. ‘એપ્રને’ તે ખાસ જોવાનું કહ્યું હતું, પણ એ શક્ય બન્યું નહીં…. આ સિવાય અહીં આવેલી ‘સ્પેસ ચેઝ’ નામની રાઈડમાં પણ અમે ગયા નહીં.
બહાર એક સ્ટ્રીટ શો ચાલી રહ્યો હતો, જેમાં ચાર યુવાનો ગાતા-ગાતા ડાન્સ કરી રહ્યા હતા. તેમને જોવા જામેલી ભીડમાં અમે પણ ઉભા રહી ગયા. ઓવરઓલ તે સારું કહી શકાય તેવું પરફોર્મન્સ હતું.
હવે અમે ‘ડોન્કી લાઇવ’ નામનો શો જોવા ગયા. દર એક કલાકે ભજવતો આ તેનો છેલ્લો શો હતો. અમને એમ કે સાચો ગધેડો કંઈ કરતબ કરતો હશે! પણ, અહીં તો સ્ક્રીન પર એક એનીમેટેડ ગધેડો હતો, જે બધાને હસાવી રહ્યો હતો. ઓડીયન્સમાંના અમુક લોકો સાથે તેણે વાતો કરી, સૌને ડાન્સ પણ કરાવ્યો! ત્યાંથી બહાર નીકળતા જ અમને બાળકો માટેનું એક ચકડોળ જોવા મળ્યું. અહીં આવેલું ‘પુસ ઇન બુટ્સ’ પણ બધી ઉંમરના લોકોને મજા કરાવતું એક મોટું રોલર કોસ્ટર છે. બાદમાં હું ‘એનચેન્ટેડ એરવેઝ’ નામની ડ્રેગન ટ્રેનમાં બેઠો. ‘ફાર ફાર આવે’ની ઉપર ચાલતી આ રોલર કોસ્ટર ઘણાને રાડ પડાવી દેવા સક્ષમ હતી.
‘મડાગાસ્કર’ની સામે આવેલું ‘પાર્ટી ગો રાઉન્ડ’ અને ‘સાઈ-ફાઈ સીટી’નું ‘એક્સેલરેટર’ ખાસ બાળકો માટે બનાવવામાં આવ્યા હોય એવું લાગ્યું. અલગ-અલગ સમયે અલગ-અલગ જગ્યાએ ટ્રાન્સફોર્મર, મમી, ભાલા લઈને ઉભેલા ઈજીપ્તીયન અને મડાગાસ્કરના પ્રાણીઓના વેષમાં ઉભેલા માણસો સાથે હાથ મિલાવીને લોકો ફોટા ખેંચાવી રહ્યા હતા.
હું ‘સાયલોન’ની બાજુમાં જ આવેલા ‘હ્યુમન’ રોલર કોસ્ટરમાં પણ ગયો. ૯૦.૧ કિમી/કલાકની ઝડપે ચાલતું હોવા છતાં તે ‘સાયલોન’ જેટલું ભયંકર નથી, તેમાં બેસનારને ઉંધા કરી દેવાનો રેસીયો કદાચ ‘સાયલોન’ કરતા ઓછો છે એટલે! છતાંય તેમાં બેસવું એ ઢીલાપોચા માણસનું કામ નથી… ‘હવે આંખો બંધ નહીં થવા દઉં,’ એવું નક્કી કરીને હું ફરી ‘સાયલોન’માં બેસવા ગયો, પણ છ વાગી ચુક્યા હતા. ‘ક્લોઝ સર’, બહાર ઉભેલા યુવકે મને અટકાવતા કહ્યું.
સાડા છએ અમે બહાર નીકળ્યા. કોઈ એક ગુજરાતી ગ્રુપમાંના બે પુરુષો મોટે મોટેથી લડી રહ્યા હતા. લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આમેય ‘ગાળાગાળી’ ચાલતી હોય ત્યાં જમા થયેલું ટોળું ‘રામધુન’ સાંભળવા ભેગા થયેલા ટોળા કરતા હંમેશા મોટું હોય છે. બે ગુજરાતીઓ આખા ગુજરાતનું નામ અહીં રોશન કરી રહ્યા હતા! જો કે ઓવરઓલ આજનો આખો દિવસ બેસ્ટ રહ્યો હતો. ડીનર કરાવીને અમને હોટલ પર લઇ જવામાં આવ્યા. ઘણા લોકો આજે પણ શોપીંગ કરવા ચાલ્યા ગયા….

૭ નવેમ્બર : બાય બાય સિંગાપોર….
આજે ક્યાંય જવાનું નો’તું. સામાન પેક કરીને બપોરે બાર વાગ્યે હોટલ ચેક આઉટ કરી દેવાનું હતું. અમારા ગ્રુપમાંના ઘણા બાળકો હોટલના સ્વીમીંગપુલમાં નાહ્યા. એક સુરતીની રેસ્ટોરન્ટમાં અમને લંચ માટે લઇ જવામાં આવ્યા. દરેક ગુજરાતીની જેમ જ ત્યાંના માલિકે ખુદ આગ્રહ કરી કરીને અમને જમાડ્યા. બપોરે અઢી વાગે અમે ‘ચાંગી એરપોર્ટ’ની અંદર હતા.
ચાંગી એ ખુબ જ મોટું અને પ્રમાણમાં સારું કહી શકાય એવું એરપોર્ટ છે. અમારા ગ્રુપના એક મેમ્બરે હેન્ડબેગને લગાવવા ટેગ આપવાનું કહેતા જ તેને ટોણો મારવામાં આવ્યો. ‘આ ભારત નથી, અમારા દેશમાં આવી સ્ટુપીડ વસ્તુઓ કરવામાં આવતી નથી.’ જો કે મને આ વાતની ખબર પાછળથી પડી, તેમ છતાંય મારું લોહી ઉકળી ઉઠ્યું. “હા, એટલે જ પેલી ગુમ થયેલી નાસ્તાની બેગ હજુ મળી નથી! અમે ભારતીયો અહીં ફરવા આવીએ છીએને એમાંથી કમાતા તમે લોકો ભારતીય પર તો નભો છો! નાનો વિસ્તાર ને ઓછી વસ્તીને કારણે ડેવલોપમેન્ટ કરી શક્યા છો, બાકી તમારા આખા સિંગાપોરથી વધારે વસ્તી તો ખાલી અમદાવાદ એકલાની છે! ભારત જેટલી પ્રજા અને વિસ્તાર સાથે ભારતે કર્યું છે એટલું કરી બતાવો તો માનું!”, હું મનમાં બબડી રહ્યો.
કોઈ પરફેક્ટ હોતું નથી, ભારત દેશ પણ નથી! તેમ છતાં ઓવરઓલ ભારત જ શ્રેષ્ઠ છે. એનું કારણ સુવિધાઓ નહીં પણ, આપણને મળતી સ્વતંત્રતા છે. ભારતમાં કોઈપણ ધર્મ કે જાતિનો માણસ ગમે તે લખી, બોલી કે કરી શકે છે. બધાને સામાન હક્કો મળેલા છે. એટલે જ એક ચા વાળો દેશનો વડાપ્રધાન પણ બની શકે છે! જેટલા ટેક્ષ અને દંડ બીજા દેશમાં વસુલ કરવામાં આવે છે, તેના દસ ટકા પણ અહીં નથી. આપણા કાયદા ખુબ કડક નથી એટલે જ લોકો આટલી બધી છૂટછાટથી જીવે છે. જરૂર છે આપણે તેનો દુરુપયોગ કરતા અટકી જવાની…
અમે લોકો ‘ચાંગી એરપોર્ટ’માં ઘણું ફર્યા. રાત્રે પોતાની સાથે રહેલો સુકો નાસ્તો કરીને જે તે સમય પ્રમાણે અમે ફલાઈટમાં ગોઠવાયા. બસ હવે ભારત જવાની ઉતાવળ આવી હતી. હા, સિંગાપોર ફરવા લાયક છે, જોવા જેવો દેશ છે, પણ પારકો લાગે છે… મારો દેશ એ મારો છે! આઈ લવ ઇન્ડિયા… ઘણા બધા વૃક્ષોની વચ્ચે વસેલા હે ‘ગાર્ડન સીટી’, બાય બાય… બાય બાય સિંગાપોર….

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *