ડેવિલ સર્કિટ અને જીવન

ગઈ કાલે જ અમે ડેવીલ સર્કિટની અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધેલો. તેમાં પાંચ કિલોમીટરનું અંતર કાપવા દરેકે અલગ અલગ પંદર ઓબ્સ્ટેકલ્સમાંથી પસાર થવાનું હતું. આ આખી સ્પર્ધાને મેં જીવન સાથે સાંકળી જોઈ તો મને લાગ્યું કે આ તો બધા સાથે શેર કરવા જેવું છે.
પહેલુ વિઘ્ન પ્રમાણમાં સહેલું હતું! તેમાં એક પંદરેક ફૂટ ઊંચા પણ ત્રાંસા રાખેલા પાટિયા પર ચડવાનું હતું.. તે ચડવા ટોચથી બાંધેલા દોરડાનો ઉપયોગ કરી શકાય. પછી બીજી બાજુ આવેલી સીડીઓથી ઉતરી જવાનું…. જો દોરડું ના હોત તો આ સહેલું લાગતું વિઘ્ન પાર કરવું ખુબ જ મુશ્કેલ બની જાત! જીવનમાં પણ નાના મોટા વિઘ્નો આવતા જ રહે છે, જેમાં કોઈ ને કોઈનો દોરડા રૂપી સપોર્ટ મળી જાય છે અને વિઘ્ન સહેલાઈથી પાર થઇ જાય છે! અફસોસ એ વાતનો છે કે આપણે મદદરૂપ થયેલા ખોરડાની કિંમત સસ્તા દોરડાથી વધારે આંકતા નથી!
આગળ જતા એક દોરડાની બનાવેલી નાની ટનલ હતી, જે જમીનથી ચારેક ફૂટ ઉપર હતી. જો ઉતાવળ ના કરીએ તો તેમાંથી પસાર થવાનું સાવ સહેલું હતું. હા, જલ્દી જલ્દી કરવા જતા લોકોના પગ દોરડાની વચ્ચેના ગેપમાં ફસાઈ જતા’તા! જીવનમાં આવતા સાવ સહેલા વિઘ્નોમાં પણ શાંતિથી નીકળી જવાની ધીરજ ગુમાવીને, ઉતાવળ કરવા જતા ફસાઈ જવાની આપણને ટેવ પડી ગઈ છે! કામ પૂરું થવામાં મોડું થવાનું સૌથી મુખ્ય કારણ તેને જલ્દી પૂરું કરવાની ઉતાવળ જ હોય છે…
મેં અધુરા છોડેલા ઓબ્સ્ટેકલમાં સૌથી મુખ્ય લટકતા ઝૂલા હતા. તેમાં એક પગ એક ઝૂલા પર મુકીને બીજો પગ બીજા ઝૂલા પર મુકવાનો હતો! જમીન પર પગ મુક્યા વગર એક પછી એક ઝૂલા બદલતા જવાનું અને આ પડાવ પાર કરવાનો! મને એવું લાગ્યું કે મારાથી બેલેન્સ રહેતું નથી અને હું પડી જઈશ, ધરાર કરવા જતા હું ઇન્જર્ડ થઈશ! માટે, મેં તે અધૂરું છોડી દીધું… જીવનમાં ક્યારેક પીછે હટ કરવામાં કે કામ અધૂરું છોડવામાં કંઈ ખોટું નથી… દરેક વ્યક્તિની એક અલગ ક્ષમતા હોય છે! કોન્ફીડંસનો અભાવ જણાય અથવા જે તે કામ પોતાની ક્ષમતા બહારનું લાગે તો ગીવ અપ કરી શકાય… પાછું આગળ જતા હું એ વાત સાવ જ ભૂલી ગયો કે મારાથી ફલાણું ઓબ્સ્ટેકલ પાર થયું નથી. જીવનમાં આવેલી નિષ્ફળતાઓને પણ આટલી જ સહેલાઈથી ભૂલી જતા શીખી જવું જોઈએ.
આગળ આવેલું વિઘ્ન જોઇને મને એવું લાગ્યું કે આ મારાથી નહીં થાય! તેમાં નીચે પાણીનો એક હોજ હતો અને ઉપર લટકાવેલા લોખંડના પાઈપ પર ટીંગાઈને જવાનું હતું! મારી આગળ ગયેલા લોકો કેવી રીતે જાય છે એ મેં ધ્યાનથી જોયું… શેકવા ટીંગાડેલા ચીકનની જેમ પાઈપમાં બે પગ ભરાવીને એક યુવાન ટીંગાઈ ગયો. લપસતા-લપસતા ધીમે ધીમે તે આ હર્ડલ પાર કરી ગયો. ‘આવી રીતે તો હું પણ કરી શકીશ!’, મને લાગ્યું. અને મેં એવી જ રીતે એ પાર પણ કર્યુ! જીવનમાં ઘણીવાર આપણને એમ લાગે છે કે આ કામ મારાથી નહીં થાય! કદાચ આપણે તેના માટે જે રીત જાણીએ છીએ તે આપણને અનુકુળ નથી, માટે!!!! જો આપણે શીખવા જ માંગતા હોય તો આપણને ફાવતી રીત મળી જ જાય… અશક્ય લાગતા કામ સરળતાથી કરી નાખવા હોય તો નવું નવું શીખતા રહેવું પડે છે! કોઈને પણ પોતાનો ગુરુ બનાવવાની તૈયારી હોય તો નાનું બાળક પણ ગ્રેટ ટીચર હોય છે!
ત્યારબાદ દોરડા પર ચાલવા જેવું હતું! જેના પર ચાલવાનું હતું એ સાંકળથી સાડા પાંચ ફૂટ ઉંચે સપોર્ટ માટે દોરડાની છત બનાવવામાં આવેલી! આમ તો આ સાવ સહેલું હતું, પણ લાંબા માણસો માટે જ! જેમના હાથ ઉપર બાંધેલા દોરડાની છત સુધી ના પહોંચે તેમના માટે તો એ અતિ કઠીન હતું! અહીં મેં એક ખુબ જ સરસ વસ્તુ જોઈ. એક ઓછી હાઈટ વાળા સ્પર્ધક માટે અન્ય સ્પર્ધકે સાંકળને છેડેથી પકડીને ઉંચી કરી. સાવ જ સહેલી આ મદદથી સાંકળ અને દોરડાની છત વચ્ચેનું અંતર ઘટી ગયું, જેણે આ ટૂંકા સ્પર્ધકને પણ સરળતાથી વિઘ્ન પાર કરાવી દીધું! એવુ બની શકે કે આપણને સહેલી લાગતી મુસીબત અમુક માટે અઘરી હોય! આવા સંજોગોમાં જો આપણે સાંકળ ઉંચી કરવા જેટલી જ મદદ કરીએ, તો જે તે વ્યક્તિ તેની મુશ્કેલીને આરામથી પાર કરી જાય છે…
આગળ એક નવી અડચણ અમારી રાહ જોતી ઉભી હતી, તે એક ઊંચું ઉભું પાટિયું હતું! ગાંઠ વગરનું દોરડું પકડીને સાવ જ ફ્લેટ પાટિયા પર ચડવા માટે કુલ ત્રણ સ્ટેપ આપવામાં આવેલા, પણ ખુબ જ વધારે અંતરે… ગાંઠ વગરનું દોરડું પકડીને ઉપર ચડવામાં સરકાતું હતું! મારા આશ્ચર્ય વચ્ચે એક સ્પર્ધક તેને ચડવાના દોરડામાં પોતાની જાતે જ ગાંઠ મારવા લાગ્યો… હા, એને એમ કરતા ન તો કોઈએ રોક્યો કે ન તો આમ ન કરવાની કોઈ સુચના ત્યાં હતી! તેના માટે ચડાણ સરળ બની ગયું! આપણે જનરલી આપણી જ માન્યતાઓથી બંધાયેલા હોય છે. આમ ન જ કરી શકાય, કારણકે કોઈએ એવું કર્યું નથી અથવા કોઈ એવું કરતુ નથી!!!! ‘એક બાઉન્ડ્રીની બહાર’ નીકળીને કંઈ પણ વિચરવાની શક્તિ ‘મીસ્ટર ઇન્ડિયા’ બની ગઈ છે! બધા કરે છે એ સિવાયની કોઈ નવી રીતથી કામ ના જ કરી શકાય, એવો વણલખ્યો નિયમ સૌએ સ્વીકારી લીધો છે! રૂટીન કે જનરલ વસ્તુને ‘હટ કે’ અથવા અલગ દ્રષ્ટિકોણથી વિચારીને તે વિચારને અમલમાં મુકવાની શરૂઆત કરવામાં ખચકાવાની જરૂર નથી… જે તે પરિસ્થિતિમાં પોતાને ફાવતી કે ગમતી રીતે પણ આગળ વધી જ શકાય, પછી તે પ્રમાણે ભલે કોઈ ના ચાલતું હોય…
હવે એક ખુબ ઉંચાઈએ બાંધેલો ઘંટ વગાડવાનો હતો. ત્યાં સુધી પહોંચવાની સીડી લટકતા ઝૂલા જેવી હતી, જેમાં બે પગથીયા વચ્ચેનું અંતર પણ વધારે હતું. મેં ચડવાની શરૂઆત કરી પણ હું બીજા પગથીયે જ ઝૂલવા લાગ્યો! ઘણું મથવા છતાં આગળ જ નો’તું વધાતું. પાછળ લાઈનમાં ઉભેલામાંથી કોઈકે કહ્યું, “ઉતરી જા… ના થાય તો વાંધો નહીં…” આ સાંભળીને મારી શક્તિ વધી ગઈ, હવે તો ચડવું જ છે, એવું નક્કી કર્યું અને મેં તેમ કર્યું પણ ખરું! આપણા જીવનમાં પણ ઘણી વાર નેગેટીવ વાતો સાંભળવા મળે છે, પણ તેને ચેલેન્જ તરીકે લઈએ તો એ જ વાત આપણી સફળતાનું કારણ બની જાય છે!
આખી સ્પર્ધાની સૌથી અઘરી મુસીબત હવે આવી. એક ‘સી’ શેપના ખુબ જ ઊંચા પાટિયા પર ચડવાનું હતું, દોડીને જંપ મારીને પાટિયાની ટોચની ધાર પકડીને ઉપર ચડી જવાનું! પહેલા જ પ્રયત્ને હું નીચે પડ્યો ને ગોઠણેથી છોલાયો… મારે કરવું જ છે એવું નક્કી કરીને હું પ્રયત્ન કરતો રહ્યો. છેક ચોથા પ્રયત્ને હું ટોચ પકડી શક્યો, પણ ઉપર ચડી શક્યો નહીં. જો કે મેં ટોચ છોડી નહીં અને હું ઉપર ચડવા પ્રયત્ન કરતો રહ્યો! કદાચ હવે ગેમ ઓવર હતી, પણ પહેલાથી ઉપર ચડી ગયેલા સ્પર્ધકોએ મને ઉપર ખેંચી લીધો! ઘણી વાર આપણે એવા વળાંક પર આવી જઈએ છીએ કે ત્યાંથી આગળ વધવું આપણને અશક્ય લાગે છે! પણ ખરેખર તો આપણે પ્રયત્ન જ કરવાનો હોય છે, બાકી આવી પરિસ્થિતિ પાર કરાવવાની જવાબદારી કુદરત જ ઉઠાવી લે છે. પ્રબળ ઈચ્છા અને પુરુષાર્થ હોય તો અશક્ય લાગતું કામ પૂરું કરવા ગમે ત્યાંથી મદદ મળી જ રહે છે!
અહીં પણ પોગો ચેનલમાં આવતા ‘ધ ટકેશી કેસલ’ની જેમ પાણીમાં થર્મોકોલ રાખવામાં આવેલા, જેના પર પગ મૂકી મુકીને બહાર નીકળવાનું હતું. અમે કોઈને આ પાર કરતા જોયા નહીં. ના તો આ પાર કરવા કોઈ લોજીક કામ આવે એમ હતું. છતાંય અમે પડ્યા અને બે થર્મોકોલ પાર કરીને પાણીમાં ખાબક્યા! જીવનમાં કેટલીકવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે! જેમાં કંઈ પણ લોજીક કે સાયન્સ કામ લાગતું નથી! આવા સમયે શ્રદ્ધા કે આસ્થા જ કામ આવે છે. ‘ભલે કોઈ નથી કરી શક્યું પણ હું તે કરી શકીશ એ પોઝીટીવ એટ્ટીટ્યુડને જ શ્રદ્ધા કહી શકાય!’ આવી શ્રદ્ધાથી એક નવું બળ મળે છે જે અદભુત હોય છે!
પછીનું વિઘ્ન મારાથી પાર ન થયેલા ચાર વિઘ્નોમાંનું એક હતું! તેમાં એક પાણી ભરેલા ખાડાની બંને બાજુ પાટિયા ઉભા કરવામાં આવેલા, જેમાં સપોર્ટ હતા. આંગળીથી પકડી શકાય અને પગનો અંગુઠો ટેકવી શકાય એવા સપોર્ટ! મેં શરુ કર્યું, પણ થોડે દુર જઈને ‘એન્ડ પોઈન્ટ’ જોયો તો ‘હજુ આટલું બધું પાર કરવાનું છે?’, એવું મને લાગ્યું.. હું પાણીમાં પડી ગયો! જીવનમાં ઘણીવાર સફળતા દુર લાગતા આપણે ગભરાઈ જઈએ છીએ અને વચ્ચે જ પડી જઈએ છીએ! માટે, સફળતા હજી કેટલી દુર છે એ જોવા જવાને બદલે એક એક ડગલું આગળ ખસતા રહેવું જોઈએ… આ જ લાક્ષણિકતાથી ‘માઉન્ટેનમેન દશરથ માંઝી’ ખાલી છીણી-હથોડાથી આખા પર્વતને ચીરી શક્યા છે!
આ ઈવેન્ટમાં જતા પહેલા મેં ‘ડેવિલ સર્કીટ’નો એક વિડીયો જોયેલો, જેમાં કરોળીયાની જેમ ચાલવાનું હતું! આ સ્પાઇડર વોકમાં ઉપર કાંટાળા તારની જાળી હોય જેથી ઊંચા થાવ તો છોલાઈ જવાય! વિડીયો જોયો ત્યારે મને એવું લાગેલું કે મારાથી આ પાર નહીં જ થાય… અહીં નીચે કાદવ અને પાણી હતું, જેમાં સુતા સુતા જવાનું હતું, ઉપર કાંટાળી વાડ તો ખરી જ!!! હું તે આરામથી પાર કરી ગયો… હા ઘણીવાર આપણા પૂર્વગ્રહ કે અનુમાનથી સાવ જ વિરુદ્ધ પણ બનતું હોય છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે પૂર્વગ્રહ ના રાખવો જોઈએ. ‘શની’ કે ‘ગુરુ’ ગ્રહ નહીં પણ આ પૂર્વગ્રહ જ આપણને નડતા હોય છે!!!
હવે સાવ સિમ્પલ ઓબ્સ્ટેકલ આવ્યું, તે હતી પાણીની પેક સુરંગ! પકડી શકાય એવી ઉપર ગોઠવેલી જાળી પકડીને સુતા સુતા નીકળી જવાનું! પણ અહીં મોઢું જમીન બાજુ ના રાખી શકાય કારણકે નીચે પાણી હોવાથી શ્વાસ કેમ લેવો? ખાલી માથું જ બહાર રહે એટલું પાણી ભરેલું હતું! અમારી આગળ રહેલા એક બહેન આ સહેલા ઓબસ્ટેકલમાં ગભરાઈ રહ્યા હતા. અમે બધા ‘આ તો સાવ સહેલું છે, એ તમારાથી થશે જ..’ એવું કહેવા લાગ્યા. આ વાતની તેમના પર ઊંડી અસર થઇ અને તેઓ તે આરામથી કરી શક્યા. પોઝીટીવ એન્કરેજમેન્ટની ખુબ જ જોરદાર અસર થતી હોય છે. ખાલી સવળું બોલવાથી કોઈને ખુબ જ શક્તિ મળતી હોય તો આમ કરવામાં પીછે હટ શું કામ કરવી? દરેક વ્યક્તિમાં અજબ શક્તિ હોય જ છે, પણ કદાચ તેમને પોતાના પર વિશ્વાસ નથી હોતો. ‘તું કરી શકે છે’, ‘સાવ સહેલું છે’, ‘હમણાં થઇ જશે…’, એવા પોઝીટીવ શબ્દોની તાકાત એક અણુબોમ્બની તાકાત કરતા પણ વધારે હોય છે!!!
આગળ ‘વી શેપ’માં લાંબુ પાટિયુ ઉભું કરવામાં આવેલું, જેમાં ‘વી’ના બંને પાંખીયા લગભગ સાડા પાંચ ફૂટના અંતરે હશે… એક પાંખીયા પર પગ ટેકવવાના અને બીજા પર હાથ! ધીમે ધીમે દસેક ફૂટની લંબાઈનું આ વિઘ્ન પાર કરી જવાનું…. હું તેમાં છેક સુધી પહોંચી ગયો. પણ સાવ જ છેડે પહોંચતા પતી ગયું છે માનીને રેલેક્ષ થયો અને નીચે પછડાયો! જીવનમાં પણ આપણા ધ્યેય કે ‘જીત’ની સાવ નજીક પહોંચીને આપણે સાવ જ રિલેક્ષ થઇ જઈએ છીએ અને મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ જાય છે. સ્ટેબીલીટી વગરની એબિલીટી ધાર્યું રીઝલ્ટ અપાવી શકતી નથી!
હવે ફરી પાણીનો એક મોટો ખાડો હતો, જેના ઉપર બાંધેલા દોરડા પર લટકીને બીજા છેડા સુધી પહોંચવાનું હતું… લગભગ બધા જ લોકો વચ્ચે પડી જતા હતા, હું પણ પડી ગયો! મારા એક મિત્ર પણ વચ્ચે પડ્યા, પણ તેઓ તો કાદવમાં ફસાઈ જ ગયા! ત્રણ જણાએ ટીંગાટોળી કરીને તેમને બહાર કાઢ્યા. તેઓ પોતે અને તેમને જોનારા બધા જ ખડખડાટ હસી રહ્યા હતા! લોકો હસી હસીને બેવડ વળી ગયા! આમ તો તેઓ આ વિઘ્ન પસાર કરવામાં નિષ્ફળ ગયા હતા, તેમ છતાંય? જીવનમાં આવેલી નિષ્ફળતાઓ વખતે આપણે આવું જ ખડખડાટ ના હસી શકીએ? જો આ કળા હસ્તગત થઇ જાય તો દુનિયાની કોઈ તાકાત આપણને દુઃખી ના કરી શકે… નિષ્ફળતાને પણ એન્જોય કરતા આવડી જશે તો જીવનની એક એક ક્ષણ સેલિબ્રેશન બની જશે!!!!
હવે છેલ્લુ હર્ડલ હતું, તે હતો બરફનો હોઝ! બરફથી છલોછલ ભરેલા હોઝમાં એક છેડેથી બીજા છેડે પહોંચતા સુધીમાં બે વખત આખું મોઢું જ અંદર નાખવું પડતું… ઠંડી ચડી ગઈને? કેટલાક લોકો આ જોઇને વિચારતા કે, ‘આ કરું કે નહીં? મારાથી થશે કે નહીં?’ તો કેટલાક વળી સહેજ પગ કે હાથ અડાડીને બરફની ઠંડક ચેક કરતા’તા! પણ મેં જોયું કે ચૂંથીને ચીકણું કરનારા મોટા ભાગના લોકો તેને સ્કીપ કરી દેતા! જીવનમાં ઘણીવાર આપણે કોઈ એક બાબત માટે એટલું બધું વિચારીએ છીએ કે પોતે જ કન્ફયુઝ થઇ જઈએ છે! કોઈ પણ કામ વિચારીને જ કરવું જોઈએ, પણ એની એક લીમીટ હોય!!! જો વિચારોનો આમળો ચડવા માંડે તો બુદ્ધિને કહી દેવાનું કે ‘પિયર જા બા…’ કોઈપણ કામ કરવું છે કે નહીં એનો ત્વરિત નિર્ણય લેતા શીખી જવું જોઈએ…
બાય ધ વે, મને તો આમાં ઘણું શીખવા મળ્યું, તમને?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *