ત્રણ પ્રકારના જીવન

જિંદગીને ત્રણ રીતે જીવી શકાય. એક તો હપ્તામાં, એટલે કે રોજની મજા રોજ જ કરી લેવાની. બીજું એક સાથે! એટલે કે સાહીઠ સુધી કમાઈને, પછી ભેગું કરેલું એકસાથે વાપરવાનું! ને ત્રીજું છે ક્યારેય નહીં… એમાં આખી જિંદગી ધ્યેય અને સફળતા પાછળ દોડ્યા જ કરવાનું, મજા-બજા ભૂલી ને!
મોટા ભાગના લોકો બીજા કે ત્રીજા પ્રકારનું જીવન જીવે છે. વેલ્થ માટે હેલ્થની કેર કરતા નથી, ફેમીલીને સમય આપતા નથી, કાલે સફળતાની શેખી મારવા આજના શોખને ફાંસીએ ચડાવે છે!
ત્રીજા પ્રકારનું જીવન જીવતા ફૂલ્સ(fools) સક્સેસફૂલ બની શકે, જોયફૂલ નહીં! આવતીકાલને સુધારવા આજ બરબાદ કરી દેવી એનાથી મોટી મુર્ખામી બીજી કઈ હોઈ શકે? તંદુરસ્ત ભવિષ્ય માટે પરિશ્રમ અને ગંભીરતા હોવા જ જોઈએ, પણ સ્વાસ્થ્ય, પરિવાર કે પોતાના આનંદના ભોગે નહીં! આવતીકાલ ક્યારેય આવતી જ નથી, એનું નામ જ ‘આવતી’ ‘કાલ’ છે! ‘કાલ’ જે આવી રહી છે, પણ આવી પહોંચી નથી! એ જયારે આવી પહોંચશે ત્યારે પાછી એક નવી આવતીકાલ ઉભી જ હશે!
બીજા પ્રકારનું જીવન જીવતા માણસો…. ગુડ્ડા ગુડ્ડીના લગ્ન કરાવતા નાના બાળકો ને આ પ્રકારના લોકોમાં કોઈ ફરક નથી… આપણે કેટલું જીવવાના છીએ એ ન જાણતા હોવા છતાં બીજા પ્રકારનું જીવન જીવવું એ ગુડ્ડા ગુડ્ડીના લગ્ન કરાવવા જેવી જ મુર્ખામી નથી?! બાળકોને તો વાસ્તવિકતા સમજવાની સમજણ નથી, જયારે આપણે તો સમજુ હોવા છતાં વાસ્તવિકતા સમજતા નથી! અઠ્ઠાવન પછી મજા કરીશું એમ માનનારનું બારમું, અઠ્ઠાવન પહેલા નહીં થાય એની શું ગેરંટી? મરવાના કોઈ ચોક્કસ સમય પહેલા ઓફિશિયલ નોટીસ મળે છે? ‘સાહેબ હવે એક વર્ષ પછી ફલાણી તારીખની તમારી યમલોકની ટીકીટ કન્ફર્મ છે, તો તૈયારી કરી લેજો!!’, એવી કોઈ? કદાચ માની લઈએ કે તમે સદી પૂરી કરશો, પણ હેલ્થનું શું? શું ત્યારે એ ટનાટન હશે?
ઘણા માણસો કાયમ નિયમમાં જ હોય છે! આટલું જ સુવાનું, આટલું જ ખાવાનું, આટલા જ વાપરવાના, આટલુ કામ કરવાનું જ, ફલાણું નહીં જ કરવાનું ને ઢીંકણું કરવાનું જ, વગેરે વગેરે… પોતાની ઈચ્છા મુજબ તો જુલાબે ય નથી ઉતરતો સાહેબ, આ તો જીવન છે!!! જો કાયમ ખુશ રહેવું હોય તો એક જ નિયમ રાખવો કે કોઈ નિયમ ન રાખવો!!! જયારે જે આવી પડે તેને સ્વીકારીને માણી લેતા શીખો…
સ્કૂલોનું ભણતર, સમાજનું ગણતર, મા-બાપના સંસ્કાર, આવેલા સંજોગો, સારા ખરાબ મિત્રો જેવા ઘણા બધા મસાલા ભેગા થઈને આપણી સમજણની રસોઈ તૈયાર થાય છે… આમાંથી મોટાભાગના મસાલા રસોઈ બગાડનારા હોય છે, જે શીખવાડે છે કે સફળતા પાછળ દોડો, ધ્યેય પ્રાપ્તી પાછળ ગાંડા બનો!!! શું છે પણ? આ અવળી સમજણનું ફળ શું? પહેલા તો સ્પર્ધાના ઝંઝાવાતમાં સફળ થવાનું દબાણ, જો સફળ થઇ ગયા તો તેને ટકાવી રાખવાનું દબાણ, કૌટુંબિક અને આર્થિક પ્રશ્નો, સામાજિક સમસ્યાઓ અને કેટલી જાતની માનસિક વિટંબણાઓ… આ બધામાં ફસાયેલો માણસ હસવાનું તો દુર શાંતિથી રોઈ પણ નથી શકતો! આ ફસ્ટ્રેશન જયારે ડિપ્રેશનમાં પરિણમે ત્યારે ગંભીર પરિણામ આવે છે… ભારત હોય તો વ્યક્તિ પોતે મરે અને વિદેશ હોય તો ગન લઈને બીજાને ઠોકી મારે!
હું જયારે બાર સાયન્સમાં ભણતો ત્યારે આનો શિકાર બનેલો… એસ.એસ.સી.માં લાવેલા નેવું ટકા જેવું અદભુત પરિણામ બારમામાં આવશે કે કેમ? અને નહીં આવે તો લોકોને હું શું મોઢું બતાવીશ? આ ચિંતા મને ચિતાની જેમ બાળતી…“મારે ઘર છોડીને ભાગી જવું છે!”, આ વિચાર બુલેટ ટ્રેનની જેમ ચાલ્યા કરતો! દરેક વ્યક્તિને જીવનમાં એકાદવાર તો આવા ડિપ્રેશનનું ઇનામ(!!!) લાગ્યું જ હોય છે…
જીવનમાં મળેલી એક એક પળની અમુલ્ય ભેટને ચિંતા કે ડિપ્રેશનમાં વેડફીને આપણે ભૂલ નથી કરી રહ્યા? કપડા સીવવાની ફેક્ટરી ખોલાય, ચિંદી(ચીંથરા)ની નહીં! કપડા સીવતા સીવતા ચિંદી પડે જ… ખુશ રહેતા શીખીશું તો સફળતા એની મેળે આવશે જ, મેઈન પ્રોડક્ટ પાછળ જ દોડાય ને? સફળ બનતા આવડે કે નહીં ખુશ બનતા આવડી જાય તો ભયો ભયો…
એ વાત સાચી છે કે અમુક મૂળભૂત સમજણ હોય તેને દુઃખનું ભૂત ઓછું વળગે છે! જો કે પહેલા પ્રકારનું જીવન જીવતા લોકો આ સમજણ પચાવીને જ બેઠા હોય, એવું જરૂરી નથી! પણ સમજીને ખાવ કે સમજ્યા વગર, પેટ તો ભરાય જ ને?!!! આનંદનો રેગ્યુલર ડોઝ ચિંતાનો બોજ હળવો કરી નાખે છે! જો જો એવું ન બને કે પોતાની ભૂલનું ભાન થાય ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય… એપલના સી.ઈ.ઓ. સ્ટીવ જોબ્સ ને વિશ્વવિજેતા સિકંદર પણ મરતી વખતે અફસોસ લઈને ગયેલા કે ધ્યેય પાછળ પાગલ તેઓ આનંદમય જીવન જીવી શક્યા નથી!

2 thoughts on “ત્રણ પ્રકારના જીવન

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *