સુપર-ડુપર હેપ્પી

હમણાં થોડા દિવસ પહેલા જ એક વિખ્યાત સમાચારપત્રમાં એક વાત છપાયેલી કે જુદા જુદા દેશોમાં લોકો કેટલા અંશે સુખી છે તે અંગે સર્વે કરાયો અને તેમાં ભારતનો ક્રમ સવાસોની આસપાસ રહ્યો. અલબત્ત પાકિસ્તાન અને ચીનના નંબર ૯૦ની આસપાસ છે! સીધા શબ્દોમાં કહીએ તો ભારત દેશમાં લોકોનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ ખુબ નીચો છે!
આમ તો આ વાત સાચી છે કારણકે મોટા ભાગના લોકો દીવેલ પીધું હોય તેવું સોગીયું ડાચું લઈને ફરતા હોય છે, કોઈને કોઈ કારણથી ફ્રસ્ટ્રેટ હોય છે. એને વતાવીએ તો એ આપણને વડકુ ભરે કે પછી આપણા પૂર્વજો(!!)ની જેમ દાંતિયા અને ઘૂરકિયા કરે! આ દરેક યાં તો એલીવેટ થયેલા છે યાં તો ડિપ્રેસ…
આનું કારણ વસ્તુ-વ્યવસ્થા કે સાધન-સુવિધાનો અભાવ નથી, સમજણનો અભાવ છે. મેં અહીં દસ પ્રશ્નો પૂછ્યા છે જે દરેકે પોતાની જાતને પૂછવા જોઈએ. જેટલા પ્રશ્નનો જવાબ “હા” આવે તેના દસ માર્ક ગણી સોમાંથી બાદ કરતા જજો.
૧. દુનિયાના કેટલાય લોકોને રોજ બે ટંક જમવા પણ નથી મળતું, તેમને રુખું-સુકું-લુખ્ખું જે મળે તે બધું જ મીઠું લાગે છે. ક્યારેક તો તેઓ પાણી પીને જ પેટ ભરી લે છે. શું તમારી હાલત પણ આવી છે?
૨. ચોખ્ખા પાણીની વાત જવા દો, દુનિયામાં ગંદા પાણી માટે પણ લાઈનો લાગે છે! તેના માટે લોકો કેટલાય કિલોમીટર દુર જાય છે, લાઈનોમાં ઉભા રહે છે અને છતાંય ખાલી હાથે પાછા ફરે છે! શું આપની સાથે પણ આવું થાય છે?
૩. સીરીયા, ઈરાક જેવા કેટલાય દેશમાં લોકોને પોતાના જ ઘર છોડીને ભાગવું પડ્યું છે. પોતે જીવનભર ભેગી કરેલ સંપત્તિ, ઘર અને બધું જ છોડીને તેઓ નાસ્યા છે કારણકે તેઓ જીવવા માંગે છે! શું આપના દેશમાં પણ એટલી બધી અંધાધુંધી છે? શું આપ એટલી બધી અસલામતી અનુભવો છો?
૪. દુનિયાના કેટલાય લોકો ફૂટપાથ પર સુવે છે કારણકે તેમની પાસે ઘર નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં, શિયાળાની કડકડતી ઠંડીમાં કે ચોમાસાના ભારે વરસાદમાં તેઓ એર કન્ડિશનર, સ્વેટર કે છત્રી વગર જ રહે છે! શું આપ આવું જીવન જીવી રહ્યા છો?
૫. દુનિયામાં કેટલાય બાળકો જન્મતા વેંત અનાથ થઇ જાય છે, તેમની સંભાળ રાખવા વાળું કોઈ નથી હોતું! મા-બાપ કે પરિવાર વગર મોટા થતા તેઓ કેટલાય પ્રકારના શોષણનો ભોગ બને છે! શું આપ પણ અનાથ છો?
૬. દુનિયાના લાખ્ખો લોકો ગંભીર પ્રકારની શારીરિક ખામીઓ સાથે જન્મે છે. જેમ કે અપંગ હોવું, અંધ હોવું, મૂંગા-બહેરા હોવું વગેરે વગેરે… શું આપ આવી કોઈ શારીરિક ખામી સાથે જન્મ્યા છો?
૭. દુનિયાના કેટલાક દેશોમાં જે તે વ્યક્તિની મા-બહેન-દીકરી કે પત્નીને તેની નજર સામે જ ઉઠાવી જાય છે, તેની લે-વેચ થાય છે અને નજર સામે લાજ પણ લેવાય છે. પોતાની જ સામે આ બનતું હોય ત્યારે લાચાર બનીને ઉભા રહેવું એ કેટલું દર્દનાક હશે? શું આપની સાથે આવું કંઈ થયું છે?
૮. દુનિયાના કેટલાક દેશોમાં જે તે સરકાર કે સર્વેસર્વા નેતા વિરુદ્ધ એક પણ હરફ ઉચ્ચારનારને બળવાખોર ગણી જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે, તેને ઠાર પણ મરાય છે! શું આપના વ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્ય પર આ હદે તરાપ મરાય છે?
૯. દુનિયામાં અસંખ્ય લોકો અસાધ્ય જીવલેણ બીમારીઓથી પીડાય છે. કેન્સર કે એઇડ્સ જેવી બીમારીઓથી પીડાતા તેઓ દરરોજ પોતાના જ મૃત્યુને નજીક આવતું જોવે છે. શું આપ પણ આવી કોઈ બીમારીથી પીડાવ છો?
૧૦. દુનિયાના કેટલાય લોકો ફાટેલા વસ્ત્રોમાં કે વસ્ત્રહીન દશામાં ફરે છે. તેમણે લાજ-શરમ નેવે નથી મૂકી પણ તેમની પાસે પહેરવા કપડા જ નથી! શું તમારી પાસે પહેરવા-ઓઢવા કપડા નથી?
મેળવેલા માર્કથી આપ નીચેની કેટેગરીમાં આવો છો….
૯૦ કે ૧૦૦ – સુપર-ડુપર હેપ્પી
૮૦ – સુપર હેપ્પી
૭૦ – ડીસ્ટીંકટ હેપ્પી
૬૦ – ફર્સ્ટક્લાસ હેપ્પી
૫૦ – સેકન્ડક્લાસ હેપ્પી
૪૦ – થર્ડકલાસ હેપ્પી
૩૦ – કભી ખુશી, કભી ગમ
૨૦ – નોટ હેપ્પી
૧૦ – સેડ
૦ – સુપર સેડ
હવે તમને એક પ્રશ્ન થશે કે સાલું માર્ક તો ‘સુપર-ડુપર હેપ્પી’ના આવ્યા છે, છતાંય હું ખુશ નથી રહી શકતો. મને સતત અજંપો રહ્યા કરે છે, બેચેની રહ્યા કરે છે! તો મારે કહેવાનું કે તમારે તમારી સમજણ બદલવાની જરૂર છે. ખુશ રહેવા માટે જરૂરી તમામ સુવિધાઓ તમારી પાસે છે, પણ જેની જરૂરિયાત નથી એવી કેટલીક વસ્તુઓ તમારી પાસે નથી જે બીજા પાસે હોવાથી તમે તે મેળવવા સતત દોડ્યા કરો છો, કારણ વગરના ટેન્શન લઈને ફરો છો! છે એને ભોગવતા નથી ને નથી તે ભોગવવાની ચાહના કરો છો! વળી, તેવી બિનજરૂરી વસ્તુઓ નહીં મળવાથી હતાશ થાઓ છો અને મળી જાય તો કોઈ બીજી ફાલતુ વસ્તુ માટે દોડવાનું શરુ કરો છો… અરે તમે માણસ છો કે ફોર્મ્યુલા વન રેસિંગ કાર? શું તમે પાગલ કે અસ્થિર દિમાગના છો? દુનિયાની બધી જ સુખ-સાહ્યબી ધરાવતા ઘરમાં જન્મેલા પાગલ માણસ માટે તે બધું જ વ્યર્થ છે!! થોડીવાર શાંતિથી બેસીને વિચારો, તમે સુખી જ છો. બસ સમજણ બદલવાની જરૂર છે!

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *