મારા વિષે…

કલમ નામનું શસ્ત્ર એટલું બધું ધારદાર છે કે તેના ઉપયોગ વડે ગમે તેને મારી કે તારી શકાય છે. લખવું એટલે તમારા વિચારો કે કલ્પનાઓને શબ્દોના કપડા પહેરાવીને ભપકેદાર બનાવીને રજુ કરવા એટલું જ નહી, પણ વાંચનારની સમજણ અને વર્તન પર એવો ઘા કરવો કે જેથી તેના ભ્રમ, અંધશ્રદ્ધા અને કાયરતા છોલાઈ જાય અને વાચકમા છુપાયેલા શોર્ય, વીરતા અને વિશાળતાના ગુણો ખીલી ઉઠે. આવું કામ બધા જ કવિઓ અને લેખકો કરી શકે છે એ વાત સાચી નથી. હું મારી જાતને કવિ કે લેખક માનતો જ નથી, કારણકે મને ગમે તે જ હું લખું છું. હું તો રજામાં મજા કરવા લખું છું. મારું લખાણ સંપૂર્ણ મૌલિક હોતું નથી કારણકે એમાં મેં ક્યાંક વાચેલું, જોયેલું કે સાંભળેલું એવા ને એવા જ શબ્દોમા કે થોડા ફેરફારો સાથે હું લખી નાખું છું. મારા માટે લખવું એટલે મારી અંદર ની આગ, અજંપો કે  વિરોધ ને શબ્દોના ઉભરા થી કાગળ પર ઠલવી નાખવું એટલુ જ છે, છતાય મારું લખેલું વાચકોને પસંદ પડે છે એ મારા માટે આનંદ ની વાત છે.

જો કે હું એન્જીનીયર કે ખેડૂત તરીકે મારા કામને ઝાઝું એન્જોય કરી શક્યો નથી, એટલે જ તે બંનેય મારા માટે ફક્ત કામ બની રહ્યા છે! પણ હું જયારે લખવા બેસું છું ત્યારે દરેક ક્ષણમા આનંદ મેળવી શકું છું, સ્થળ – સમયનું ભાન પણ ભૂલી જાવ છું! હું શોખીન નથી તો પણ લખવું એ મારો શોખ છે. વળી મારા લખાણ માટે લાઈક્સ આવે કે પોઝીટીવ રીપ્લાય આવે તો મને ઉનાળા ની ભર બપોરે ટાઢી મીઠી છાસ મળી ગઈ હોય તેવો આનંદ જરૂર થાય છે. પોતાના લખાણના વખાણ સાંભળવા કોને ના ગમે?

જો કે હું જયારે એન્જીનીયરીંગમા ભણતો હતો ત્યારે મેં એક ૧૮૦ પાના ની નવલકથા લખી હતી, જે મારા એક ખાસ દોસ્ત ને વાંચવા આપેલી. પણ તેના ઠીક રીપ્લાયની ઝીંક ઝીલવામાં હું અસફળ રહ્યો. કદાચ હું ત્યારે “દાદ” માટે લખતો હતો, હવે “જાત” માટે લખું છું. જો કે સંજોગોના વાયરાએ ફરી વળેલી રાખ ઉડાડી મૂકી… મેં ફરીથી એક સસ્પેન્સ સ્ટોરી લખી, જે મારી આજુ બાજુ રહેતા ઘણા બધા લોકોને પસંદ પડી. હવે મને સમજાઈ ગયું છે કે બીજાને ગમતું લખવા માટે નમતું જોખવાની જરૂર નથી, કારણકે આવક માટે નહિ પણ મોજ ની દાવત માટે લખવાનું હોય છે.

મારી જનમ કુંડળી નીચે આપેલી છે.

પૃથ્વી પર પધાર્યા સમય : ૨૧ મે ૧૯૮૮,

આગમનનું સ્થળ : અમદાવાદ,

ધર્મ, કાસ્ટ, સબકાસ્ટ : ભારતીય,

સંસ્કાર ઘડતર : ઘરે અને સર્વોદય વિદ્યા મંદિર સ્કૂલમાં,

તાયફા કરતા શીખ્યા : એલ. ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં,

ભણતર : મીકેનીકલ એન્જીનીયર,

મેરીટલ સ્ટેટસ : મુક્ત,

દુનિયાદારી શીખવાડનાર : પાંચ વરસ ચલાવેલી મેન્યુફેક્ચરીંગ કંપની નામે ઉમા ફૂડ પ્રોડક્ટ્સ,

અત્યારનો મુખ્ય ધંધો : સદાય ખુશ રેહવા પ્રયત્નશીલ રહેવું,

અચીવમેન્ટસ : નો કમેન્ટ્સ,

મુખ્ય ક્વોલીટી : સારું લખી અને બોલી શકવું,

નબળાઈ : ગમે તે ચાલતું, ફાવતું કે ભાવતું નથી,

શોખ : ઊંઘવું,

દેખાવ : દરેક ભારતીય જેવો નમણો અને ઘઉં વર્ણો,

ઉંચાઈ : છ ફૂટની દીવાલ ની પાર ઉભા ઉભા જ જોઈ શકાય એટલી,

કુવાના દેડકાએ કુવા સિવાય જોયેલી જગ્યાઓ : દુબઈ, સીંગાપુર અને મલેશીયા,

જિંદગીની સૌથી મોટી ભૂલ : પોતાને નહી પણ દુનિયાને પસંદ પડે તે રીતે જીવવાનો કરેલો પ્રયત્ન,

આભારી : એ દરેકનો જેમને હું ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક મળ્યો છું, કારણકે દરેકે મને ઘણું બધું શીખવાડ્યું છે.